NDAના નેતા નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રીમંડળ 9 જૂન, 2024ના રોજ સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથગ્રહણ કરવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી બીજા નેતા છે, જે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. જોકે, નરેન્દ્ર મોદીના નામે વધુ એક રસપ્રદ રેકોર્ડ પણ નોંધાયો છે. જે 24 વર્ષમાં 7 વખત શપથ લેવાનો છે. તેમણે ચાર વખત મુખ્યમંત્રી અને 2 વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જ્યારે હવે તેઓ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તમામ મુખ્યમંત્રીએ, તેમના મંત્રીઓ, વડાપ્રધાનો અને તેમનું મંત્રીમંડળ તેમજ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરે પદભાર સંભાળતા પહેલાં શપથ લે છે. ત્યારે એ જાણવું પણ ખૂબ આવશ્યક બની રહી છે કે, શા માટે તમામ નેતાઓને શપથ લેવા અનિવાર્ય છે અને જો શપથનો ભંગ થાય તો તેના માટે દંડની શું જોગવાઈ છે.
ભારત એક લોકતાંત્રિક દેશ છે. તેથી તમામ નેતાઓએ શપથ લેવા અનિવાર્ય છે. બંધારણ અનુસાર, કોઈપણ ચૂંટાયેલા નેતા જ્યાં સુધી શપથગ્રહણ ન કરે ત્યાં સુધી તેઓ પદભાર સંભાળી શકે નહીં અને સરકારમાં રહીને કાર્ય પણ કરી શકે નહીં. સામાન્ય રીતે લોકતાંત્રિક દેશોમાં શપથગ્રહણનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ ભારતમાં પ્રાચીનકાળથી શપથગ્રહણ વિધિ ચાલતી આવે છે. પહેલાંના સમયમાં રાજા-મહારાજાઓ પણ શપથગ્રહણ કરીને જ રાજ્યનો કારભાર સંભાળતા હતા.
શપથગ્રહણનો ઇતિહાસ
શપથગ્રહણ પ્રાચીનકાળથી જ ભારતીય પરંપરાનો એક ભાગ રહ્યો છે. વૈદિક યુગમાં ઋષિ-મુનિઓ ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન શપથગ્રહણ કરતાં હતા. રામાયણ અને મહાભારતમાં પણ વિભિન્ન પાત્રોને શપથ લેતા દર્શાવવામાં આવ્યા છે. જે આ પ્રથાના દીર્ઘકાલિન સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરે છે. પ્રાચીનયુગમાં શપથ કે પ્રતિજ્ઞાનું ખૂબ મહત્વ માનવામાં આવતું હતું. ધાર્મિક મહત્વના કારણે લીધેલા શપથ તોડવા તે મહાપાપ ગણાતું હતું. મહાભારતકાળમાં ભીષ્મની પ્રતિજ્ઞાનું ઘણું મહત્વ છે. તેમણે હસ્તિનાપુર રાજ્યના રક્ષણ માટે આજીવન બ્રહ્મચારી રહેવાના અને હસ્તિનાપુરનું રક્ષણ કરવાના શપથ લીધા હતા.
તે સિવાય મહાભારતકાળમાં મહાબલી ભીમે પણ દુર્યોધનના મૃત્યુના શપથ લીધા હતા. તે સમયે કોઈપણ મૂર્તિ કે પ્રકૃતિના તત્વને સાક્ષી માનીને શપથ લેવામાં આવતા હતા. પિતામહ ભીષ્મે માતા ગંગાને સાક્ષીમાં રાખીને હસ્તિનાપુરની રક્ષા કરવાના શપથ લીધા હતા. તે ઉપરાંત પ્રાચીનકાળમાં ક્ષત્રિય રાજા-મહારાજાઓ પણ શપથ લેતા હતા. તેઓ પવિત્ર સેંગોલ (બ્રહ્મદંડ/રાજદંડ)ને સાક્ષીમાં રાખીને શપથ લેતા હતા. ઘણીવાર બ્રાહ્મણ કે કોઈ ઋષિને સાક્ષીમાં રાખીને પણ શપથ લેવામાં આવતા હતા.
પ્રાચીન રાજાઓ શપથમાં રાજ્યની પ્રજાના કલ્યાણ અને સુખાકારીની કામના કરતાં હતા. તે સિવાય રાજ્યના તમામ પ્રજાજનોની રક્ષા કરવી અને રાજ્ય સાથે વફાદાર રહેવાના પણ શપથ લેવામાં આવતા હતા. શપથગ્રહણ સમારોહ છેક બ્રિટિશકાળ સુધી ભારતીય પરંપરાનો એક ભાગ હતો. 1873માં બ્રિટિશ સરકારે ‘ભારતીય ન્યાયાલય અધિનિયમ’ લાગુ કર્યો હતો, જેમાં ધાર્મિક પુસ્તકો પર શપથ લેવાની જોગવાઈ હતી. સ્વતંત્રતા બાદ 1969માં ભારતીય ન્યાયાલય અધિનિયમમાં સંશોધન કરીને તેને ‘શપથ અધિનિયમ’ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેનાથી આ પ્રક્રિયા ધર્મનિરપેક્ષ બની ગઈ હતી. જોકે, બાદમાં કોર્ટે ધર્મના નામે શપથ લેવાની પ્રથાને ફરીથી શરૂ કરી દીધી હતી. નોંધવા જેવું છે કે, સ્વતંત્રતા બાદ પહેલો શપથગ્રહણ સમારોહ જવાહરલાલ નહેરુ માટે યોજવામાં આવ્યો હતો, જેનું સંચાલન ગવર્નર-જનરલ લૉર્ડ માઉન્ટબેટને કર્યું હતું.
શપથગ્રહણનું મહત્વ
સાંસદો, ધારાસભ્યો, વડાપ્રધાન અને મંત્રીઓએ પદભાર ગ્રહણ કર્યા પહેલાં ભારતીય બંધારણનું સન્માન કરવાના શપથ લેવા અનિવાર્ય છે. શપથગ્રહણનું ધાર્મિક મહત્વ તો છે જ, પણ તેની સાથે તેનું બંધારણીય મહત્વ પણ છે. શપથ લીધા વગરના કોઈપણ નાયકને નેતા તરીકેનો દરજ્જો મળી શકતો નથી. શપથ લીધા વિના કોઈપણ નેતા સરકારી કામમાં ભાગ લઈ શકે નહીં. તેમને ગૃહમાં બેઠક ફાળવી શકાતી નથી. એટલું જ નહીં, પરંતુ તેમને ગૃહમાં બોલવાનો, મુદ્દાઓ ઉઠાવવાનો, નોટિસ આપવાનો અને ત્યાં સુધી કે, પગાર મેળવવાનો અધિકાર પણ રહેતો નથી. શપથ બંધારણીય પદ ગ્રહણ કરવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જે સરકારી કાર્ય અને સંસદીય કાર્યવાહીમાં ભાગીદારીને સક્ષમ બનાવે છે.
શપથગ્રહણ કોઈપણ નેતાને પોતાના રાષ્ટ્ર પ્રત્યે અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા માટે સજાગ કરે છે. દેશની સંપ્રભુતા અને અખંડિતતા બનાવી રાખવા માટે શપથનું ઘણું મહત્વ છે. તેથી શપથગ્રહણ સમારોહને સરકારનો સૌથી મોટો ઉત્સવ ગણવામાં આવે છે. જ્યારે કોઈ નેતા શપથગ્રહણ કરી લે છે, ત્યારે જ તેઓ તે પદ પર નિયુક્ત થઈ શકે છે. લોકોએ ચૂંટીને મોકલ્યા હોવા છતાં, જ્યાં સુધી શપથગ્રહણ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારના પદ પર રહી શકતા નથી.
શપથના પ્રકારો
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી, પંચ-સરપંચ અને સરકારી કર્મચારીઓ પોતાના પદની ગરિમા જાળવી રાખવા, ઈમાનદારી અને નિષ્પક્ષતાથી કામ કરવા અને દેશની સંપ્રભુતા અને અખંડિતતાને જાળવી રાખવા માટેના શપથ લે છે. શપથ હિન્દી અને અંગ્રેજી સહિત કોઈપણ ભારતીય ભાષામાં લઈ શકાય છે. નોંધવા જેવું છે કે, ભારતના 13મા રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંસ્કૃત ભાષામાં શપથગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવે છે. સાથે જ મંત્રીઓને પણ તેઓ શપથ લેવડાવે છે. પહેલાં કેબિનેટ મંત્રીઓ અને ત્યારબાદ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય મંત્રીઓને સૌથી છેલ્લે રાજ્ય મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે છે. અહીં મહત્વની વાત એ છે કે, મંત્રીઓ માટે બે પ્રકારના શપથ હોય છે. જે આપણે મુદ્દાસર સમજવા પ્રયાસ કરીએ.
પદના શપથ- સાંસદ અને ધારાસભ્ય પોતાના પદની ગરિમા બનાવી રાખવા માટે, ઈમાનદારી અને નિષ્પક્ષતાથી કામ કરવા તથા દેશની સંપ્રભુતા અને અખંડિતતાને જાળવી રાખવાના શપથ લે છે. સાંસદ અને ધારાસભ્ય બનેલા દરેક સભ્યને આ શપથ લેવા અનિવાર્ય છે. તેમાં મંત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે. પદભાર ગ્રહણ કરવાના શપથ વિશેષ માનવામાં આવે છે.
“मैं (नाम) इश्वर की शपथ लेता हूँ, की मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठां रखूँगा. मैं भारत की प्रभुता और अखंडता को अक्षुण रखूँगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक एवं शुद्ध अंतःकरण से निर्वहन करूँगा. तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा.”
ગોપનીયતાના શપથ- શપથનો બીજો પ્રકાર ગોપનીયતાનો છે. કેન્દ્ર અને રાજ્યમાં મંત્રીપદ પર નિયુકત સાંસદ અને ધારાસભ્ય ગોપનીયતાના શપથ લે છે. તેમાં વડાપ્રધાન તેમનું મંત્રીમંડળ પણ શપથગ્રહણ કરે છે. તેમને શપથ લેવડાવવામાં આવે છે કે, તેમની સાથે જે ગોપનીય મામલાને લાવવામાં આવશે કે, તેમને જાણ હશે તો તેઓ તેને ગોપનીય જ રાખશે.
“मैं (नाम) इश्वर की शपथ लेता हूँ की जो विषय संध के प्रधानमंत्री/मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी भी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के संवहन निर्वहन के लिए एसा करना अपेक्षित हो. में प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा.”
શપથ માટેના બંધારણીય નિયમો
આર્ટિકલ 75 અનુસાર, વડાપ્રધાને રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લેવાના રહેશે. શપથ લેવા માટે એક વિશિષ્ઠ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેને વડાપ્રધાન વાંચે છે અને સ્વીકાર કરે છે. શપથ બાદ એક સત્તાવાર પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. જેમાં શપથ ગ્રહણની તિથી અને તેનું વિવરણ આપેલું હોય છે. વડાપ્રધાને આ પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કરવા પણ અનિવાર્ય છે. આર્ટિકલ 75 (4)માં વડાપ્રધાન અને મંત્રીઓના શપથનું ફોર્મેટ આપવામાં આવ્યું છે. તે મુજબ જ શપથગ્રહણ સમારોહ યોજવામાં આવે છે. તે સિવાય આપણાં બંધારણમાં શપથ માટેના નિયમો વિસ્તારથી દર્શાવવામાં આવ્યા છે. આપણે મુદ્દાસર સમજીએ.
- બંધારણની કલમ 60માં રાષ્ટ્રપતિના શપથ વિશેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
- આર્ટીકલ 75 અને 75(4)માં વડાપ્રધાન અને મંત્રીઓના શપથ વિશેની સપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
- કલમ 99માં સંસદના તમામ સભ્યોના શપથગ્રહણ માટેના નિયમો વિશે માહિતી આપવામાં આવી છે.
- કલમ 124(6)માં સુપ્રીમ કોર્ટના જજોના શપથગ્રહણ માટેના નિયમો વિશે માહિતી આપવામાં આવી છે.
- આર્ટીકલ 148(8)માં નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના શપથગ્રહણના નિયમો વિશે વાત કરવામાં આવી છે.
શપથ ભંગ થવા પર શું થાય છે?
બંધારણના નિષ્ણાંતો કહે છે કે, બંધારણીય પદ અથવા ગુપ્તતાના શપથ તોડવા માટે બે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. પ્રથમ રાષ્ટ્રપતિના કિસ્સામાં મહાભિયોગ છે. વડાપ્રધાન, મંત્રી કે સાંસદના કિસ્સામાં સંસદમાંથી સસ્પેન્શન, સભ્યપદ સમાપ્ત કરવા જેવાં પગલાં લઈ શકાય છે. આ સિવાય ફોજદારી મામલે કેસ પણ નોંધી શકાય છે. દોષિત ઠેરવ્યા બાદ બે વર્ષથી વધુ સજા થાય તો સભ્યપદ આંચકી લેવામાં આવે છે અને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે.
નોંધનીય છે કે, ભારતમાં પ્રાચીનકાળથી શપથગ્રહણની પરંપરા ચાલી આવે છે. જે આજે પણ અકબંધ છે. હવે તેમાં થોડા પરિવર્તનો કરી દેવામાં આવ્યાં છે, પરંતુ લોકતાંત્રિક ઢબે થતી આ પ્રક્રિયા આપણા દેશમાં રાજાશાહીમાં પણ થતી હતી. રાજાઓ પણ પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે શપથગ્રહણ કરતા હતા. હવે વડાપ્રધાન સહિતના નેતાઓ અને મંત્રીઓ માટે શપથગ્રહણ સમારોહ યોજવામાં આવે છે.