Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણસૌથી લાંબો સમય સીએમ રહેવાનો રેકોર્ડ ન બનાવી શક્યા નવીન પટનાયક, બે...

    સૌથી લાંબો સમય સીએમ રહેવાનો રેકોર્ડ ન બનાવી શક્યા નવીન પટનાયક, બે બેઠકો પર લડ્યા હતા, એક પર મળ્યો પરાજય: ઓડિશામાં BJP પહેલી વખત બનાવશે CM

    ઓડિશામાં લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ભાજપને 19 બેઠકો મળી, જ્યારે BJD અને કોંગ્રેસ માત્ર 1-1 બેઠકો જીતી શક્યાં. અહીં કુલ બેઠકો 21 છે. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં જીત સાથે જ રાજ્યને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી મળવા જઈ રહ્યો છે.  

    - Advertisement -

    લોકસભા ચૂંટણી સાથે મંગળવારે (4 જૂન) આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પણ જાહેર થયાં. બંનેમાં NDAની જીત થઈ છે. આંધ્રપ્રદેશમાં ભાજપ, TDP અને જનસેના ગઠબંધનની જીત થઈ અને હવે ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી બનશે તે લગભગ નક્કી છે. જ્યારે ઓડિશામાં ભાજપે એકલે હાથે BJDને હરાવીને નવીન પટનાયકના વર્ષોના શાસનનો અંત આણ્યો. કુલ 147 બેઠકો પૈકી ભાજપે 78 બેઠકો જીતી લીધી છે. જ્યારે BJD માત્ર 51 બેઠકો પર અટકી ગઈ. એટલું જ નહીં, 24 વર્ષ સુધી રાજ્યના સીએમ રહેલા નવીન પટનાયક પોતાની બેઠક પરથી પણ હારી ગયા. 

    નવીન પટનાયક કાંતાબંજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. અહીં તેમને 74,273 મત મળ્યા. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર લક્ષ્મણ બેગને 90,594 મત મળ્યા. આમ, ભાજપ ઉમેદવારની 16,321 મતોથી જીત થઈ. જોકે, તેઓ હિંજીલી બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા, જ્યાંથી તેઓ કાયમ લડતા રહ્યા છે. અહીં તેમની 4 હજાર મતથી જીત થઈ. એટલે તેઓ ધારાસભ્ય પદે રહી શકશે. 

    સીએમ નવીન પટનાયક જીવનમાં પહેલી વખત કોઇ ચૂંટણી હાર્યા છે. તેઓ 24 વર્ષ, 91 દિવસ સુધી ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેઓ સૌથી વધુ સમય મુખ્યમંત્રી રહેનાર નેતાઓની યાદીમાં બીજા ક્રમે છે. 5 માર્ચ, 2000ના રોજ તેમણે ઓડિશાના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા, જે આજદિન સુધી તેઓ સીએમ રહ્યા. ટર્મની રીતે જોઈએ તો કુલ 5 ટર્મ થાય છે. 

    - Advertisement -

    નવીન પટનાયક સૌથી વધુ સમય મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ બનાવવાથી 74 દિવસ ચૂકી ગયા. સૌથી વધુ સમય મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચેમલિંગને જાય છે. તેઓ 24 વર્ષ 165 દિવસ સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. 26 મે, 2019ના રોજ તેમણે સત્તા છોડી હતી. આ યાદીમાં ત્રીજા ક્રમે બંગાળના પૂર્વ સીએમ જ્યોતિ બસુ છે, જેઓ 23 વર્ષ 137 દિવસ મુખ્યમંત્રી રહ્યા હતા. ગત વર્ષે નવીન પટનાયકે તેમનો રેકોર્ડ તોડી દીધો હતો અને બીજા ક્રમે પહોંચ્યા હતા. 12 વર્ષ, 227 દિવસ ગુજરાતના મુખ્યમંત્રી રહેનારા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં 33મા ક્રમે છે. 

    ઓડિશા વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, ભાજપે 78 બેઠકો જીતી છે. જ્યારે બીજુ જનતા દળને 51 બેઠકો મળી. કોંગ્રેસને માત્ર 4 અને 1 બેઠક CPI(M)ને મળી. 3 બેઠકો અપક્ષ ઉમેદવારો જીત્યા. કુલ 147 બેઠકોની ઓડિશા વિધાનસભામાં બહુમતી માત્ર 74 બેઠકો જોઈએ છે. 

    ઓડિશામાં લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ભાજપને 19 બેઠકો મળી, જ્યારે BJD અને કોંગ્રેસ માત્ર 1-1 બેઠકો જીતી શક્યાં. અહીં કુલ બેઠકો 21 છે. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં જીત સાથે જ રાજ્યને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી મળવા જઈ રહ્યો છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં