સ્કૂલો અને કોલેજો બાદ હવે ફ્લાઇટ્સને બૉમ્બની ધમકી મળતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલાં ઇન્ડિગોની બે ફ્લાઇટ્સને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યારે હવે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટને બૉમ્બની ધમકી મળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ફ્લાઇટમાં 186 મુસાફરો હાજર હોવાનું કહેવાય રહ્યું છે. હાલ સુરક્ષાદળોની વિવિધ ટીમો સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
સોમવારે (3 જૂન, 2024) દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. 186 યાત્રિકોને લઈને જતી અકાસા એરલાઇન્સની દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ટિશ્યૂ પેપરમાં બૉમ્બની ધમકી મળી હોવાથી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સુરક્ષાને પ્રાથમિકતા આપતા તમામ યાત્રિકોને બહાર કાઢી નાખવામાં આવ્યા હતા અને ફ્લાઇટની તપાસ પણ કરવામાં આવી રહી છે.
Akasa Air spokesperson says, "Akasa Air flight QP 1719, flying from Delhi to Mumbai on June 03, 2024, and carrying 186 passengers, 1 infant and six crew members on board, received a security alert on board. As per prescribed safety and security procedures, the plane was diverted… pic.twitter.com/t6W6ITiTPk
— ANI (@ANI) June 3, 2024
અકાસા એરલાઇન્સના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું છે કે, બૉમ્બની ધમકી મળ્યા બાદ કેપ્ટને તમામ ઇમરજન્સી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે અને સવારે લગભગ 10:13 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે વિમાનનું ઉતરાણ કર્યું છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. તેમણે વધુમાં કહ્યું કે, “અકાસા એરલાઇન્સની ફ્લાઇટ QP 1719, જેમાં 186 યાત્રિકો, 1 બાળક અને 6 ક્રૂ મેમ્બરો સવાર હતા, તેને સુરક્ષા એલર્ટ મળ્યા બાદ અમદાવાદ તરફ ડાયવર્ડ કરી દેવામાં આવી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. અકાસા એરલાઇન્સ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન અને સમર્થન કરી રહી છે.”
તાજેતરમાં જ ઇન્ડિગોની બે ફ્લાઇટ્સને પણ મળી હતી ધમકી
નોંધનીય છે કે, શનિવારે (1 જૂન 2024) ઇન્ડિગોની ચેન્નાઈ-મુંબઈની 6E-5314 નંબરની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં કુલ 170 યાત્રિકો હોવાનું સામે આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. પરંતુ ફ્લાઇટમાં પોલીસ સહિતની સુરક્ષા દળોની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તે પહેલાં 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટને બૉમ્બની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે, સવારે 5 કલાકને 35 મિનિટે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બૉમ્બ હોવાની સૂચના મળી હતી. ક્વીક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ યાત્રિકોને પણ ઇમરજન્સી ગેટ પરથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. જોકે, તપાસના અંતે કોઈપણ સંવેદનશીલ વસ્તુ મળી આવી નહોતી.