શનિવારે (1 જૂન 2024) ઇન્ડિગોની ચેન્નાઈ-મુંબઈ ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી છે. આ પછી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં કુલ 170 યાત્રિકો હોવાનું સામે આવ્યું છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. પરંતુ ફ્લાઇટમાં પોલીસ સહિતની સુરક્ષા દળોની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાનું જાણી શકાયું નથી.
ચેન્નાઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-5314માં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. આ સાથે ફ્લાઇટમાંથી એક બિનવારસી રિમોટ પણ મળી આવ્યો હતો. તેથી તાત્કાલિક ધોરણે ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ ક્રૂ મેમ્બરોએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને સુરક્ષા એજન્સીઓના આદેશ અનુસાર વિમાનને આઇસોલેશનમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ યાત્રિકોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા.
ઇન્ડિગોની ચેન્નાઈ-મુંબઈ ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મામલે ઇન્ડિગો એરલાઇન્સનું નિવેદન પણ સામે આવ્યું છે. ઇન્ડિગોએ આ વિશે જણાવ્યું કે, વિમાનની આ સમયે તપાસ ચાલી રહી છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ જ વિમાનને ફરીથી ટર્મિનલ એરિયામાં લાવવામાં આવશે. આ સાથે ઇન્ડિગોએ મુસાફરોને લઈને પણ જાણકારી આપી છે. તેણે કહ્યું કે, તમામ યાત્રિકો સુરક્ષિત છે અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, એક અઠવાડિયામાં આ બીજી વખત ઇન્ડિગોની ફ્લાઇટને બૉમ્બની ધમકી મળી છે. આ પહેલાં 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટને બૉમ્બની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે, સવારે 5 કલાકને 35 મિનિટે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બૉમ્બ હોવાની સૂચના મળી હતી. ક્વીક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ યાત્રિકોને પણ ઇમરજન્સી ગેટ પરથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. જોકે, તપાસના અંતે કોઈપણ સંવેદનશીલ વસ્તુ મળી આવી નહોતી.