Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'જોજો, એક દિવસ આ જગ્યા એક તીર્થસ્થળ બનશે': જ્યારે અંદામાનની જેલમાં અંગ્રેજોએ...

    ‘જોજો, એક દિવસ આ જગ્યા એક તીર્થસ્થળ બનશે’: જ્યારે અંદામાનની જેલમાં અંગ્રેજોએ બળદની જગ્યાએ જોત્યા હતા વીર સાવરકરને – ગાથા કાળાપાણીના એ સંઘર્ષની

    અંગ્રેજો પ્રત્યેના ડરને બાજુ પર મૂકીને, સાવરકરે અંદામાનની જેલમાં દરેક ભારતીય કેદીઓને કહ્યું હતું કે, "આજે ભલે આખા વિશ્વમાં આપણું અપમાન થઈ રહ્યું છે, પરંતુ જોજો.. એક દિવસ આ જ જગ્યા એક તીર્થસ્થળ બની જશે અને લોકો કહેશે કે, જુઓ અહીં હિન્દુસ્તાની કેદીઓ રહેતા હતા."

    - Advertisement -

    વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકર. આ માત્ર એક નામ નથી પણ સંઘર્ષની એક એવી ગાથા છે જેનું વર્ણન શબ્દોથી પરે છે. જે વ્યક્તિએ એક દાયકાથી પણ વધુ સમય સુધી કાળાપાણીની સજા ભોગવી, આજે તેમને અપમાનિત કરવામાં આવે છે. જે રાણી લક્ષ્મીબાઈ, પેશ્વા નાના અને વીર કુંવર સિંઘ જેવા નેતાઓની વીરતાને દુનિયા સમક્ષ લાવ્યા, તેમના યોગદાનો પર હાંસી ઉડાવવામાં આવે છે. શા માટે? કારણ કે તેઓ એક હિંદુ રાષ્ટ્રવાદી હતા.

    શું હોય છે કાળાપાણી? આટલા લાંબા સમય સુધી કાળાપાણીની સજા ભોગવનાર અન્ય કોઈ સ્વાતંત્ર્ય સેનાનીનું નામ તમારા મગજમાં આવે છે? અથવા તેવા કોઈ નેતાનું નામ કે જેમણે કાળાપાણીની સજા ભોગવી હોય. મગજ પર જોર આપવું પડશે. શોધ કરવી પડશે. સ્વતંત્રતામાં નેહરુ અને ગાંધીનું પણ યોગદાન હતું પરંતુ તેમણે ક્યારેય કાળાપાણીનો સામનો કર્યો ન હતો. કાળાપાણી એટલે યાતના. કાળાપાણી એટલે નરક. કાળાપાણી એટલે ક્રૂર અત્યાચાર. કાળાપાણી એટલે 24 કલાક ત્રાસદીવાળું જીવન. શું બધાના વશની વાત હતી?

    કાળાપાણીમાં ચેમ્બર જેલોને સેલ્યુલર જેલ કહેવામાં આવતી હતી. ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. સાવરકરે તેમના પુસ્તક ‘કાલા પાની’માં આ નરક યાતનાનું વર્ણન કર્યું છે. 750 ઓરડીઓ, જેમાં બંધ થતાં જ કેદીના દિલોદિમાગ પર અંધકાર છવાઈ જતો હતો. અંદામાનના સુંદર દ્વીપ પર અંગ્રેજોનું આ નરક હતું. જોકે, ‘કાલા પાની’ એક ગદ્ય નવલકથા જેવી છે, જેને સાવરકરે તેમના જીવનચરિત્ર તરીકે લખી નથી અને તેના તમામ પાત્રો પણ કાલ્પનિક છે, પરંતુ યાતનાઓ અને જેલનું જે વિવરણ છે, તે સમજનારા સમજી જાય છે કે, આ સત્ય છે.

    - Advertisement -

    આ પુસ્તક વિશે કહેવાય છે કે, સાવરકરને તેના પર ફિલ્મ બનાવવાની ઓફર મળી હતી. તેમના અંગત સચિવ બાલ સાવરકર લખે છે કે, સુધીર ફડકે તે પુસ્તક પર ફિલ્મ બનાવવા માંગતા હતા પરંતુ તેમની માંગ હતી કે રફીઉદ્દીન નામનું પાત્ર બદલીને તેના સ્થાને કોઈ હિંદુ પાત્ર રાખવું જોઈએ. સાવરકરને આ સ્વીકાર્ય ન હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ ક્યારેય અન્ય મઝહબના પાત્રનું નામ આ રીતે હિંદુ રાખવાની મંજૂરી આપી શકે નહીં.

    ક્રૂર અંગ્રેજોના નર્કમાં કાળાપાણીની ભયંકર યાતનાઓ

    વીર સાવરકરે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, કેવી રીતે ત્યાં (જેલમાં) માણસોને પ્રાણીઓ કરતાં પણ ખરાબ ગણવામાં આવતા હતા. અંગ્રેજો તેમને ઘાણીના બળદની જગ્યાએ જોતી દેતા હતા. પગથી ચાલતા ઘાણામાં એક મોટી લાકડી જોડવામાં આવી હતી અને તેની બંને બાજુ બે માણસોને જોતી દેવામાં આવતા હતા અને તેમને આખો દિવસ કામ કરાવવામાં આવતું હતું. જે કામ બળદો કરતાં હતા તે જ કામ માણસો પાસે કરાવવામાં આવતું હતું. જે લોકો તેમાં કામ કરી શકે તેમ નહોતા તેમને રાત્રિ ભોજન પણ આપવામાં આવતું નહોતું. તેમના પર યાતના ગુજારવા માટે વૉર્ડરો પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

    સાવરકર જ્યાં પણ જતાં હતા, ત્યાં તેમને ‘પોતાના લોકો’ મળી જ જતાં હતા. એ જ રીતે અંદામાનમાં પણ કેટલાક પીઢ સ્વતંત્રતા સેનાનીઓ રહેતા હતા. જેઓ 1857ના યુદ્ધમાં તેમની ભૂમિકાને કારણે અહીં કેદ કરવામાં આવ્યા હતા. આ એવા લોકો હતા જેઓ વૃદ્ધાવસ્થા સુધી તેમની સજા ભોગવીને ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા. આવા દેશભક્તોએ સાવરકરનો સંપર્ક કર્યો હતો અને તે લોકો વચ્ચે વાતચીત પણ થતી રહેતી હતી. તેમના અનુભવોમાંથી સાવરકરે ઘણુંબધું શીખ્યું હતું. તેથી જ તેમણે આંદામાનમાં કાગળ-કલમ ન મળવા પર દીવાલો પર કિલો, કાંટા અને પોતાના નખથી પણ સાહિત્યનું સર્જન કર્યું હતું. ઘણી પંક્તિઓને કંઠસ્થ કરીને સામાન્ય લોકો સુધી પહોંચાડી હતી.

    સાવરકરે ‘કાલા પાની’માં કાલ્પનિક પાત્રો બનાવ્યા હોવા છતાં, તે તમામ વાસ્તવિક પાત્રોથી પ્રેરિત હતા. માત્ર તેમના નામો જ બદલાયા હતા. યાતનાઓ અને ચીખો એની એ જ હતી. અંદામાનમાં ઘણા બદમાશો પણ હતા, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાવરકર પોતાની એક અન્ય પુસ્તક ‘મેરા આજીવન કારાવાસ’માં લખે છે કે, તેમને પણ બળદનું કામ સોંપવામાં આવ્યું હતું. તે પહેલાં તેમને છાલ પીસવાનું કામ આપવામાં આવતું હતું. અચાનક એક દિવસ અંગ્રેજોએ કહ્યું કે, આ કરતાં-કરતાં તેના (સાવરકરના) હાથ કઠોર થઈ ગયા હશે, તેથી હવે તેને બળદવાળું કામ આપવામાં આવે છે.

    એવી કઠોર યાતનાઓ કે પ્રાણીઓ પણ કાંપી ઉઠે

    માથું ચકરાતું હતું, લંગોટી પહેરીને ઘાણીમાં કામ કરવામાં આવતું હતું અને તે પણ દિવસભર. શરીર એટલું થાકી જતું હતું કે, તેમની રાતો પડખા ફરવામાં જ નીકળી જતી હતી. અન્ય કેદીઓ સાવરકરને પ્રેમ કરવા લાગ્યા હતા. તેથી જ તેઓ આવીને સાવરકરની મદદ કરી દેતા હતા. તેમના કપડાંથી લઈને વાસણો ધોવા સુધીનું કામ કરી આપતા હતા. સાવરકરને આ બધુ ગમતું નહોતું. તેમ છતાં તે લોકો વિનંતી કરવા લાગતાં હતા, ત્યારબાદ સાવરકરે તેમને ના કહેવાનું છોડી દીધું હતું, કારણ કે, તે લોકોને આમાં ખુશી મળી રહી હતી. ધીરે-ધીરે યાતનાઓ વધુ અસહ્ય થતી ગઈ.

    પરિસ્થિતિ એવા તબક્કે આવી પહોંચી હતી કે, સાવરકરને આત્મહત્યા કરવાનું મન થઈ ગયું હતું. એટલી ભયંકર યાતનાઓ આપવામાં આવતી હતી અને ત્યાંથી નીકળવાનો પણ કોઈ માર્ગ નહોતો, ભવિષ્ય અંધકારમય ભાસતું હતું- જેના કારણે તેઓ (સાવરકર) વિચારતા રહેતા કે, તેઓ ફરીથી દેશ માટે કોઈ કામમાં આવી શકશે કે નહીં. એકવાર ભયંકર યાતનાઓથી તેમને ચક્કર આવી ગયા અને ત્યારબાદ તેમને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. સાવરકર લખે છે કે, તેમના મન અને મસ્તિષ્કમાં આ દરમિયાન તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો હતો અને બુદ્ધિની તેમાં હાર દેખાઈ રહી હતી.

    લાંબા સમય સુધી સાવરકર એ બારી તરફ જોતાં રહ્યા જ્યાંથી કેદીઓએ અગાઉ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કેટલાય દિવસો સુધી વિચાર્યા પછી તેમણે નક્કી કર્યું કે, જો મરવું જ છે તો એક એવું કાર્ય કરીને મરીએ, જેનાથી લાગે કે તેઓ સૈનિક છે. ખૂબ વિચાર કર્યા બાદ તેઓ માત્ર તેમના મગજમાંથી જ નહીં, પરંતુ અન્ય ઘણા કેદીઓના મનમાંથી પણ આત્મહત્યાનો વિચાર દૂર કરવામાં સફળ થયા હતા. હવે ત્યાં જ તેમણે સંગઠનનું કાર્ય શરૂ કરી દીધું હતું. કેદીઓને શિક્ષિત કરવાની જવાબદારી ઉપાડી લીધી અને તેમને દેશભક્તિની સાથે રાષ્ટ્ર માટે મરવાનું પણ શીખવ્યું હતું. અગ્રેજો તેમને અન્ય કેદીઓથી દૂર રાખવા માંગતા હતા. બાદમાં તેમનું કામ પણ બદલી નાખવામાં આવ્યું હતું.

    અંદામાનમાં ઘણા રાજબંધીઓ રહેતા હતા. જ્યારે સાવરકર તેમને પહેલીવાર મળ્યા ત્યારે તેઓ તેમની વેદનાથી વાકેફ થયા. અંગ્રેજો પ્રત્યેના ડરને બાજુ પર મૂકીને, તેમણે દરેકની સાથે પોતાનો પરિચય કર્યો હતો. સાથે જ તેમણે બધાને કહ્યું હતું કે, જોજો, એક દિવસ જ્યારે ભારત સ્વતંત્ર થશે ત્યારે આ જ જેલમાં આપણા બધાના પૂતળા લગાવવામાં આવશે. સાવરકરે કહ્યું- “આજે ભલે આખા વિશ્વમાં આપણું અપમાન થઈ રહ્યું છે, પરંતુ જોજો.. એક દિવસ આ જ જગ્યા એક તીર્થસ્થળ બની જશે અને લોકો કહેશે કે, જુઓ અહીં હિન્દુસ્તાની કેદીઓ રહેતા હતા. તેવું થશે જ અને આવું થવું જ જોઈએ.”

    આજે તે ઓરડો કોઈ તીર્થસ્થળથી ઓછો નથી, જ્યાં સાવરકર રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્યાં જઈને લાંબો સમય ધ્યાન કર્યું હતું. આજે તે જેલમાં સાવરકરની પ્રતિમા સ્થાપિત છે. લોકો ત્યાં જતાંની સાથે જ અભિભૂત થઈ જાય છે અને સાવરકરના બલિદાનને યાદ કરે છે. પોર્ટ બ્લેર એરપોર્ટનું નામ વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. સાવરકરનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે હિંદુઓની અંદર જાગૃતિ આવશે અને ભારત ફરીથી વિશ્વનું નેતૃત્વ કરીને વિશ્વગુરુ બનશે. દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હંમેશા કહેતા હતા કે, આપણે સાવરકરને યોગ્ય રીતે સમજવાની જરૂર છે.

    આજે એ કહી દેવું એકદમ સરળ છે કે, સાવરકરે માફી માંગી હતી. વાસ્તવમાં, આ બધું એટલા માટે કરવામાં આવે છે કે, જેથી લોકો તેમના યોગદાનને ભૂલી જાય, હિંદુત્વની વાત ન કરે, સાવરકરને સન્માન આપવામાં હીનતાના સંકુલનો શિકાર બને અને રાષ્ટ્રવાદ માટે દેશમાં કોઈ સ્થાન ન બને. આવા લોકોએ એક અઠવાડિયું અંદામાનની એ અંધારકોટડીમાં પોતાની જાતને માત્ર બંધ કરીને રહેવું જોઈએ. યાતનાઓ સહેવી તો દૂરની વાત છે, ખરી વાત એ છે કે સાવરકરે દેશ માટે જે સહન કર્યું તે દરેકની ક્ષમતા બહારનું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં