બનાવટી ઓળખપત્રો બનાવવાનાં કૌભાંડ અનેક સામે આવ્યાં, પરંતુ અમદાવાદમાં સામે આવેલો કિસ્સો ચોંકાવનારો છે. ઘટનામાં રેહાન અહેમદ અબ્દુલ રશીદ શેખ નામના એક મુસ્લિમ યુવકે એક હિંદુ યુવતીના અસલ આધાર કાર્ડ પરથી બનાવટી આધાર કાર્ડ બનાવી નાખ્યું. આટલું જ નહીં, આરોપીએ બનાવેલા આધાર કાર્ડમાં યુવતીનું અસલ નામ નહીં, પરંતુ મુસ્લિમ નામ આમીનાબાનો શેખ કરી નાખ્યું હતું. હાલ વસ્ત્રાપુર પોલીસે આ મામલામાં સંજ્ઞાન લઈને પોતે જ ફરિયાદી બનીને કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે નોંધેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી મૂળ છોટાઉદેપુરના કસ્બાના મસ્જિદ મહોલ્લાનો રહેવાસી છે. છેલ્લા એક વર્ષથી તે અમદાવાદની એક હિંદુ યુવતીના સંપર્કમાં હતો. દરમ્યાન ગત ફેબ્રુઆરીમાં તેણે યુવતી પાસે વોટ્સએપના માધ્યમથી યુવતી પાસે તેના આધાર કાર્ડની નકલ મંગાવી હતી. FIRમાં જણાવ્યા અનુસાર, ત્યારબાદ તેણે આ ફોટામાં એક મોબાઇલ એપ્લિકેશન વડે એડિટિંગ કરીને છેડછાડ કરીને યુવતીનાં નામ-સરનામાં બદલી નાખ્યાં હતાં.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રેહાને પહેલાં હિંદુ યુવતીનું આધાર કાર્ડ પોતાના ફોનમાં લઈને એપ્લિકેશનની મદદથી તેની સાચી માહિતી ઉડાવી દીધી હતી. ત્યારબાદ તેણે યુવતીના અસલ નામની જગ્યાએ એડિટિંગ કરીને શેખ આમીનાબાનો, વાઈફ ઓફ રેહાન અહેમદ કરી નાખ્યું હતું. આટલું જ નહીં, તેણે યુવતીના અમદાવાદના અસલ સરનામાની જગ્યાએ છોટાઉદેપુર જુમ્મા-મસ્જિદ રોડ પાસેનું ખોટું સરનામું નાખી દીધું હતું. પછીથી તેણે બનાવટી આધાર કાર્ડની ઝેરોક્ષ કઢાવી લીધી હતી. જોકે, આ બાબતની યુવતીને પણ જાણ હતી.
આ ખોટું આધાર કાર્ડ બનાવ્યા બાદ રેહાન હિંદુ યુવતીને વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી હોટલ જિંજર ખાતે લઈ ગયો હતો. ત્યાં તેણે ઓળખના પુરાવા તરીકે આ ખોટા આધાર કાર્ડની ઝેરોક્ષ આપી હતી. મહત્વની વાત છે કે હોટેલ સ્ટાફને પણ આ આધાર કાર્ડ ખોટું હોવાની શંકા ન ગઈ અને બંનેને સરળતાથી રહેવા માટે રૂમ મળી ગયો.
અમદાવાદમાં હિંદુ સંગઠનોએ પોલ ખોલી નાંખી
બનાવટી આધાર કાર્ડના આધારે સરળતાથી હોટલ રૂમ મળી જતાં રેહાનની હિંમત વધી ગઈ હતી. આથી તેણે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સુબા સ્ટાર હોટલમાં ચેક ઇન કર્યું હતું. બીજી તરફ હિંદુ સંગઠનોને કોઈ રીતે આ વાતની જાણ થઈ ગઈ હતી. તેમણે તાત્કાલિક હોટલ પર પહોંચીને બંને જણાને અટકાવીને તેમની ઓળખ પૂછી હતી.
બીજી તરફ વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કર્મચારીઓ પણ હોટલ પર પહોંચ્યા હતા. જ્યાં પહોંચી તેમણે યુવતીની પૂછપરછ કરીને ઓળખપત્ર તપાસતાં તે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રેહાન અહેમદ અબ્દુલ રશીદ શેખ અને તેની સાથે રહેલી હિંદુ યુવતીની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ પોલીસે યુવતીના માતા-પિતાને પણ આ વિશે જાણ કરી હતી, જોકે તેઓ ફરિયાદ કરવા તૈયાર થયા નહતા. બનાવટી ઓળખપત્રો બનાવવાના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ પોતે જ ફરિયાદી બની છે.
હાલ પોલીસે બંનેની અટકાયત કરીને IPCની કલમ 465, 467, 468,471, તેમજ 114 મુજબ FIR નોંધી છે, ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ વસ્ત્રાપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હાલ બંનેની ધરપકડ નથી કરવામાં આવી, અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે. પોલીસ ધારાધોરણ અનુસાર કાર્યવાહી કરી રહી છે.