આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારકૂટ કરવાના કેસમાં અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની જામીન અરજી પર સોમવારે (27 મે) દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અરજી પર આદેશ સુરક્ષિત કરી લીધો છે. આ દરમિયાન સ્વાતિ પણ કોર્ટમાં હાજર હતાં. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે સાંભળીને તેઓ કોર્ટમાં રડવા લાગ્યાં હતાં.
મીડિયા અહેવાલો અનુસાર, સ્વાતિએ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતાં કહ્યું હતું કે, “મેં FIR કરાવડાવી, મારી પાર્ટીના (આમ આદમી પાર્ટી) નેતાઓએ એક દિવસમાં જ અનેક વાર પ્રેસ કોન્ફરન્સ કરીને મને ભાજપની એજન્ટ કહી. મુખ્યમંત્રી બિભવને લઈને મુંબઈ અને લખનૌ ગયા. પાર્ટી પાસે ટ્રોલિંગ કરવા માટે આખી ફૌજ છે. પાર્ટીના નેતાઓને કહેવામાં આવ્યું છે કે જે સ્વાતિ માલીવાલને સપોર્ટ કરશે તેમને બક્ષવામાં નહીં આવે. બિભવ કોઈ સામાન્ય માણસ નથી, જે સુરક્ષા કોઈ મંત્રીને આપવામાં આવે છે તેવી જ સુરક્ષા તેને પણ આપવામાં આવી છે. જો બિભવને જામીન મળી જશે અને જો તે બહાર આવશે તો મને અને મારા પરિવારના જીવ પર જોખમ ઉભું થશે.”
Triple test not satisfied in this case, Khurana argued
— ANI (@ANI) May 27, 2024
Swati Maliwal is addressing the court. She said after recording my statement APP leaders organised a press conference. I was called a BJP agent.
સુનાવણી દરમિયાન સ્વાતિના વકીલે કોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે, “બિભવ કુમારે તપાસમાં સહયોગ નથી આપ્યો. તે સવાલોના સીધા જવાબ પણ નથી આપી રહ્યા. જો સ્વાતિની મેડિકલ તપાસ ત્રણ-ચાર દિવસમાં પણ થઈ હોય, તેનો મતલબ એ નથી કે તે તપાસનો કોઈ અર્થ નથી.” બિભવ તરફે વકીલે કહ્યું હતું કે સ્વાતિ માલીવાલ બળજબરીથી સીએમ આવાસમાં ઘૂસી ગયાં હતાં. જેની ઉપર સ્વાતિના વકીલે જણાવ્યું કે, “બિભવના વકીલની દલીલ અનુસાર જો સ્વાતિ બળજબરીથી ઘૂસ્યાં હતાં તો પછી સીએમ આવાસ સિક્યુરીટીએ અત્યાર સુધી તે બાબતે ફરિયાદ કેમ નથી આપી?”
આ દરમિયાન સરકારી વકીલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, “બિભવ કુમારના ફોનની તપાસ કરવી જરૂરી છે. સ્વાતિ માલીવાલના વકીલ દલીલ આપી રહ્યા છે કે તેઓ તેમના ક્લાયન્ટની ઈમેજ ખરાબ કરવા માંગી રહ્યા છે, પણ તેઓ એવા વ્યક્તિની ઈમેજ શા માટે ખરાબ કરે જે પોતે કાયમી કર્મચારી નથી? સ્વાતિ સાથે સીએમ હાઉસમાં સિક્યુરિટી પણ ગઈ હતી. સિક્યુરિટીએ એસ્કોર્ટ કરીને તેમને વેઈટિંગ રૂમ સુધી પહોંચાડ્યાં. તો પછી આમાં અનધિકૃત પ્રવેશની વાત ક્યાંથી આવી?”
શું છે આખી ઘટના?
સ્વાતિ માલીવાલનો આરોપ છે કે ગત 13 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી આવાસમાં અરવિંદ કેજરીવાલના પૂર્વ PS વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. આરોપ છે કે આ દરમિયાન તેમણે અભદ્ર શબ્દોમાં ગાળો પણ ભાંડી હતી. ઘટના બાદ તેમણે ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે ગુનો દાખલ થયા બાદ બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમણે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. બીજી તરફ દિલ્હી પોલીસે આ આખી ઘટનાની તપાસ માટે SITની પણ રચના કરી છે.