25 મે, 2024 ને શનિવારનો દિવસ સમગ્ર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે રાજકોટ અગ્નિકાંડ મામલે ગૃહ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. દુર્ઘટના અંગે રાજ્યસ્તરની SITની રચના કરવામાં આવી છે. IGP સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં SIT સમગ્ર ઘટનાની તપાસ કરશે. ત્રિવેદીની સાથે ચાર સિનિયર અધિકારીઓનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડ મામલે સઘન તપાસ હાથ ધરવાના સરકારના આદેશ છે. સાથે જ SITને 72 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ મામલે SITની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે. CID ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી SITના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. તે ઉપરાંત કમિશનર ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગરના બંછાનિધિ પાની, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરના ડાયરેક્ટર એચપી સંઘવી, અમદાવાદ ચીફ ફાયર ઓફિસર જેએન ખડીયા અને સુપ્રિટેન્ડીંગ એન્જિનિયર એમબી દેસાઈને સભ્યો તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. તપાસનો પ્રાથમિક રિપોર્ટ 72 કલાકમાં સરકારને સોંપવા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત તમામ પાસાંનો અભ્યાસ કરી વિગતવાર રિપોર્ટ 10 દિવસમાં સરકારને આપવાનો રહેશે.
કયા મુદ્દાઓ પર થશે તપાસ?
SITને અનેક મુદ્દે તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગના સચિવ ડૉ. હર્ષિત ગોસાવી દ્વારા રાજ્યપાલના હુકમથી નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં અનેક મુદ્દે તપાસ હાથ ધરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે. કયા સંજોગોમાં અને કયા કારણોસર આગની ઘટના બની, ગેમઝોનની મંજૂરી આપવામાં આવી છે કે કેમ, મંજૂરી આપવામાં આવતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાઈ હતી, બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી લીધી હતી કે કેમ, ફાયર વિભાગની NOC મેળવવામાં આવી હતી કે કેમ, આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા કરવામાં આવી હતી, ગેમઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી, આ મામલે સ્થાનિક તંત્ર, ગેમિંગ ઝોનના સંચાલક તેમજ અન્ય કોઈ વ્યક્તિની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ અને ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ જેવા મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવશે.
#WATCH | Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi took stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/ks1YhRszH2
— ANI (@ANI) May 26, 2024
બીજી તરફ ઘટનાના પગલે ગેમઝોનના માલિક અને મેનેજર સહિત 10ની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મૃત્યુઆંક વધીને 27 સુધી પહોંચી ગયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. હાલ તેઓ હોસ્પિટલની મુલાકાત લેવા માટે રવાના થયા છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે, કસૂરવારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અડધી રાત્રે જ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ઘટનાસ્થળની સાથે રાજકોટ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આખી રાત તેઓ કલેકટર ઓફિસમાં રહ્યા હતા અને કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમણે પણ આશ્વાસન આપ્યું છે કે, એકપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. આ ઉપરાંત IGP સુભાષ ત્રિવેદી પણ સતત નિરીક્ષણ કરી SITની ટીમ સાથે તપાસમાં જોતરાઈ ગયા છે.