AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ તાજેતરમાં ચર્ચામાં ઘેરાયા છે. તેમણે મુખ્યમંત્રી કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર પર મારામારીનો આરોપ લગાવ્યા બાદથી જ તેઓ આમ આદમી પાર્ટીના નિશાને ચડી ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે જાણવા મળી રહ્યું છે કે, સ્વાતિ માલીવાલે દિલ્હીના LG સાથે ટેલિફોનિક વાત કરીને પોતાની આપવીતી જણાવી છે. આ સાથે તેમણે ઉપરાજ્યપાલ સમક્ષ તે ચિંતા પણ વ્યક્ત કરી છે કે, AAPના નેતાઓ તમામ પુરાવાઓનો નાશ કરી શકે છે. હવે આ અંગે દિલ્હી LGનું પ્રથમ આધિકારિક નિવેદન પણ સામે આવ્યું છે.
દિલ્હી રાજ નિવાસે LGનું નિવેદન જારી કર્યું છે. સ્વાતિ માલીવાલ મામલે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કહ્યું કે, “મુખ્યમંત્રીના આવાસ પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના મુદ્દા પર છેલ્લા ઘણા સમયથી મીડિયામાં ચાલી રહેલા સમાચારોથી હું ખૂબ વ્યથિત છું. કાલે તેમણે (સ્વાતિ માલીવાલે) ઘણા દુઃખ સાથે મને ફોન કર્યો હતો અને પોતાના દર્દનાક અનુભવ અને ત્યારબાદ સહકર્મીઓ દ્વારા આપવામાં આવેલી ધમકીઓ વિશે પણ વિસ્તારથી વાત કરી હતી. તેમણે પુરાવાઓ સાથે કથિત છેડછાડ અને પુરાવાઓનો નાશ કરવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.”
Statement issued by Hon'ble Lt. Governor pic.twitter.com/BTuF5bEcD8
— Raj Niwas Delhi 🇮🇳 (@RajNiwasDelhi) May 21, 2024
‘હેરાન કરનારી વાત તે છે કે અપરાધ મુખ્યમંત્રીના ઘરમાં થયો’- LG
દિલ્હી LGએ નિવેદન જારી કરીને વધુમાં કહ્યું કે, “જોકે, સુશ્રી માલીવાલ મારા અને મારા કાર્યાલય પ્રત્યે ઉગ્ર, પ્રતિકૂળ અને સ્પષ્ટ રીતે પક્ષપાતી રહ્યા છે, ઘણીવાર મારી ગેરવ્યાજબી ટીકા પણ કરી છે. તેમ છતાં તેમના પર આચરવામાં આવેલ શારીરિક હિંસા અને મારપીટ અક્ષમ્ય અને અસ્વીકાર્ય છે. તે નોંધવું ખૂબ જ વધુ પરેશાન કરનારું છે કે, કથિત અપરાધનું સ્થળ મુખ્યમંત્રીનો ડ્રોઈંગ રૂમ હતો. જ્યારે તેઓ (કેજરીવાલ) પણ ઘરમાં હાજર હતા અને આ ઘટના તેમના નજીકના સહયોગી દ્વારા એકલી મહિલા પર આચરવામાં આવી હતી.”
તેમણે વધુમાં કહ્યું કે, “રાજ્યસભાના તેમના સહયોગી સાથી સભ્યએ મીડિયાની સામે તે ઘટનાની પુષ્ટિ કરી અને તેમને આશ્વાસન આપ્યું કે, મુખ્યમંત્રી આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. પરંતુ ત્યારબાદ આ મામલે સંપૂર્ણપણે યુ-ટર્ન લઈ લેવામાં આવ્યો. દેખીતી રીતે આ પણ આશ્ચર્યજનક છે.” આ સાથે તેમણે મુખ્યમંત્રી કેજરીવાલના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
કેજરીવાલના મૌન પર ઉપરાજ્યપાલના સવાલ
ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મૌન પર પણ સવાલ કર્યા છે. તેમણે નિવેદનમાં કહ્યું કે, “પહેલાં તેમના સાથી રાજ્યસભાના સભ્યએ મીડિયા સામે ઘટનાની પુષ્ટિ કરી અને કાર્યવાહીની વાત કરીને પછી તરત જ યુ-ટર્ન લઈ લીધો. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રીનું મૌન મહિલાઓની સુરક્ષા પર તેમના વલણ વિશે ઘણુંબધું કહી દે છે. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હું આશ્વાસન આપું છું કે, આ કેસને નિષ્કર્ષ સુધી પહોંચાડવામાં આવશે.
નોંધવા જેવુ છે કે, સ્વાતિ માલીવાસ સાથે ઘટેલી ઘટના બાદ ઉપરાજ્યપાલની આ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, સ્વાતિ માલીવાલે વારંવાર તેમની આલોચના કરી હોવા છતાં તેમની સાથે થયેલી કથિત ગેરવર્તણૂક અસ્વીકાર્ય છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે.