17 મે, 2024ના રોજ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સ્વીકાર્યું કે, 14 ફેબ્રુઆરી, 2019ના રોજ થયેલા પુલવામાં આતંકી હુમલા બાદ ભારત સાથેના વેપારી સંબંધો ખરાબ થઈ ગયા છે. પુલવામાં હુમલામાં ભારતના 40 જવાનો વીરગતિ પામ્યા હતા. હુમલા બાદ તરત જ ભારતે શત્રુતાપૂર્ણ પાડોશી દેશ સાથે વેપાર ઓછો કરવા માટે 200% ઇમ્પોર્ટ ડયુટી લગાવવા જેવા તાત્કાલિક પગલાં લીધા હતા. જેના કારણે આજે પાકિસ્તાન કંગાળ થયું છે અને દુનિયાના દેશો તેને ‘ઉધાર’ આપવા પણ સહમત થતાં નથી.
હુમલા બાદ સૌપ્રથમ તો ભારતે ઘોષણા કરી કે, પાકિસ્તાન હવે ‘મોસ્ટ ફેવર્ડ નેશન્સ’ અથવા MFNની યાદીમાં નથી. ભારતે બીજું અને મહત્વપૂર્ણ પગલું એ ભર્યું કે, પાકિસ્તાનથી આવતા તમામ ઉત્પાદનો પર 200% ઇમ્પોર્ટ ડયુટી લાદી દીધી. ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને સમર્થન આપવાના પાડોશી દેશના ટ્રેક રેકોર્ડના પરિણામે મોટા પાયે આર્થિક ફટકો લાગ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, પાકિસ્તાન પાસે વિમાનોમાં ફ્યુલ પુરાવવાના પણ પૈસા નથી!
પાકિસ્તાનનું આર્થિક રીતે મનોબળ તોડવાના પ્રારંભિક પગલાંઓ પછી સીધી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. એરસ્ટ્રાઈકના નિર્ણય બાદ તત્કાલીન નાણામંત્રી સ્વર્ગીય અરુણ જેટલીએ X (તત્કાલીન ટ્વિટર) પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસેથી MFNનો દરજ્જો પરત ખેંચી લીધો છે. ત્યારપછી ભારતે પાકિસ્તાનથી નિકાસ થતી તમામ ચીજવસ્તુઓ પરની મૂળભૂત કસ્ટમ ડયુટી તાત્કાલિક અસરથી વધારીને 200% કરી દીધી છે.”
India has withdrawn MFN status to Pakistan after the Pulwama incident. Upon withdrawal, basic customs duty on all goods exported from Pakistan to India has been raised to 200% with immediate effect. #Pulwama
— Arun Jaitley (@arunjaitley) February 16, 2019
200% ઇમ્પોર્ટ ડયુટી બાદ ભારત સાથેના વેપારમાં ઘટાડાનો પાકિસ્તાની મંત્રીનો સ્વીકાર
પાકિસ્તાની મંત્રીનું આ નિવેદન શર્મિલા સાહિબા ફારુકી હાશમ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સામે આવ્યું છે. જેમાં મંત્રીને પાડોશી દેશો સાથેના સંબંધો સુધારવા માટે પાકિસ્તાન સામે આવી રહેલા પડકારોની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું હતું. ભારત પર બોલતી વખતે ડારે દાવો કર્યો હતો કે, પાકિસ્તાન ભારત સાથે સહકારી સંબંધો રાખવા ઈચ્છે છે અને બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે રચનાત્મક જોડાણ અને પરિણામલક્ષી વાતચીતની હિમાયત કરે છે. પોતાના નિવેદન દરમિયાન મંત્રીએ જમ્મુ-કાશ્મીરને ‘વિવાદિત વિસ્તાર’ ગણાવતા ભારે હંગામો કર્યો હતો. ડારે દાવો કર્યો કે, ભારતની શત્રુતા અને પ્રતિગામી કાર્યવાહીઓએ એવો માહોલ બનાવ્યો છે, જે શાંતિ અને સહયોગની સંભાવનાઓ માટે યોગ્ય નથી.
ડારે દાવો કર્યો કે, કલમ 370 નાબૂદ કરવી ગેરકાયદેસર હતું. આ સાથે તેમણે કહ્યું કે, ભારત કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનમાં સામેલ પણ છે. ત્યારપછી તેમણે કહ્યું કે, ફેબ્રુઆરી 2019માં પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનથી નિકાસ પર 200% ઇમ્પોર્ટ ડયુટી લાદી હતી અને LoC પાર કાશ્મીર બસ સેવા અને વેપારને સ્થગિત કરી દીધા હતા. ડારે વધુમાં દાવો કર્યો હતો કે, તેના પર આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ હોવાના આરોપો પાયાવિહોણા છે. જોકે, આ વાતના પર્યાપ્ત પુરાવા પણ છે કે, પાકિસ્તાન માત્ર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન જ કરતું નથી, પરંતુ આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પણ પૂરું પાડે છે.
પાકિસ્તાન પર આર્થિક અસર
ભારત દ્વારા લાદવામાં આવેલી 200% ઇમ્પોર્ટ ડયુટીએ ભારતમાં માલની નિકાસ કરવાની પાકિસ્તાનની ક્ષમતાને ગંભીર રીતે અવરોધી છે, નોંધવા જેવુ છે કે, ભારત પાકિસ્તાનના મુખ્ય બજારોમાનું એક હતું. પાકિસ્તાનની નિકાસ આવકમાં, ખાસ કરીને કપડાં અને કૃષિ ઉત્પાદનોમાં ભારે ઘટાડાના કારણે તેની ટકાઉ અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતાને ભારે અસર ઊભી થઈ છે. ડારે કહ્યું કે, “ભારે ડયુટી લગાવવામાં આવી હોવાના કારણે ભારત સાથેના વેપારી સંબંધો સ્થગિત થવાની આપણી નિકાસ પર ગંભીર અસર ઊભી થઈ છે.” તેમના આ નિવેદને ભારતના આર્થિક પગલાંની તેના વિરોધી સામે અસરકારકતા પર ભાર મૂક્યો હતો.
આ વર્ષે માર્ચમાં ડારે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાની વેપારી સમુદાય ભારત સાથે ફરી વેપાર શરૂ કરવા માંગે છે, પરંતુ તેમણે એ પણ જણાવ્યું હતું કે, ભારત સાથે વેપાર સંબંધો ફરી શરૂ કરવાની તેમની પાસે કોઈ યોજના જ નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2016-17 અને 2018-19 વચ્ચે પાકિસ્તાનમાંથી 450 મિલિયન અમેરિકી ડોલરના મૂલ્યના સામાનની આયાત કરી હતી. 200% ડ્યુટી લાદ્યા પછી, 2019-20માં તે ઘટીને 14 મિલિયન ડોલર થઈ, ત્યારબાદ 2020-21માં 2 મિલિયન ડોલર, 2021-22માં 3 મિલિયન ડોલર, 2022-23માં 20 મિલિયન ડોલર અને નાણાકીય વર્ષ 2023-24માં તે ઘટીને 3 મિલિયન ડોલર થઈ થઈ છે. બીજી તરફ, નિકાસમાં ઝડપથી ઘટાડો આવ્યો પરંતુ આયાતની સરખામણીમાં ઘણો વધારો થયો છે.
IMF બેલઆઉટ્સ પર નિર્ભરતા
જોકે, પાકિસ્તાન આર્થિક પાયમાલીનો સામનો કરવામાં અસમર્થ રહ્યું છે. તેથી તેને ઘણી વખત નાણાકીય સહાય માટે ‘ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ (IMF) તરફ વળવું પડ્યું છે. બદલામાંમાં IMFએ પાડોશી દેશને સબસિડી સમાપ્ત કરવા અને સમગ્ર દેશમાં ઈંધણ અને વીજળીના ભાવમાં વધારો કરવાની ફરજ પાડી છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એ હદે પાયમાલ થઈ ગઈ છે કે, કોઈ મંત્રી દુનિયાના કોઈ દેશ અથવા તો સંસ્થા પાસેથી પૈસા મેળવવામાં સફળ થઈ જાય તો દેશના દિગ્ગજો તેની પીઠ થપથપાવા લાગે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને હંમેશા હાંસીપાત્ર બનવું પડી રહ્યું છે.
ભારતનું યોગ્ય વલણ
જ્યારે ભારતમાં કોંગ્રેસ અથવા અન્ય વિપક્ષી નેતાઓ જેવા કે, મણિશંકર ઐયર અને ફારુક અબ્દુલ્લા સહિતના કેટલાક તત્વો છે જેઓ પાકિસ્તાન સાથે ‘સામાન્ય’ સંબંધો ઇચ્છે છે, ત્યારે ભારત દ્વારા કરવામાં આવેલી પાકિસ્તાન સામેની કાર્યવાહી વાજબી અને તેની સતત દુશ્મનાવટ અને આતંકવાદને સમર્થન આપવાની નીતિનો સામનો કરવા માટે જરૂરી છે. ભારત દ્વારા લાદવામાં આવેલ આર્થિક દબાણ એ સ્પષ્ટ સંદેશ છે કે, કોઈપણ પ્રકારની આક્રમકતાનો મજબૂત અને અસરકારક જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને નિશાન બનાવીને, ભારત તેના વિરોધીની આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ અને સમર્થન કરવાની ક્ષમતાને નબળી પાડવામાં સફળ રહ્યું છે.
નોંધનીય છે કે, પાકિસ્તાને વારંવાર કહ્યું છે કે, જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ભાજપ સત્તામાં છે, ત્યાં સુધી ભારત સાથે ‘સામાન્ય’ સંબંધો શક્ય નથી. તાજેતરમાં જ, ભૂતપૂર્વ પાકિસ્તાની મંત્રીએ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે.
ભાવિ અસરો
PM મોદી ફરીવાર વડાપ્રધાન બનશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે અને માહોલ પણ તેવો જ દેખાઈ રહ્યો છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર એક અશક્ય સ્વપ્ન જેવો દેખાય છે, જે પાકિસ્તાનીઓ અને ભારતમાં કેટલાક પાકિસ્તાનપ્રેમી તત્વો જોઈ શકે છે. આગામી વર્ષોમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે જેના કારણે ભારત સામે અનેક મોરચે ઊભા રહેવું પાકિસ્તાન માટે અશક્ય બની જશે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને ફંડિંગ આપવાનું બંધ ન કરે અને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો કાયમ માટે છોડી ન દે ત્યાં સુધી પાકિસ્તાન સાથેની કોઈપણ વાતચીત પર વિચાર ન કરવો જોઈએ. જોકે, આ બે મુદ્દાઓ અશક્ય જેવા લાગે છે. પાકિસ્તાનમાં પરિણામી આર્થિક ઉથલપાથલ ભારતની નીતિઓની અસરકારકતા અને તેની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે તેની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે કામ કરે છે.