Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણઘોષણાપત્રમાં ‘ધરપકડથી આઝાદી’ની વાત, બીજી તરફ સોશિયલ મીડિયા પોસ્ટ માટે ઉઠાવી લાવતી...

    ઘોષણાપત્રમાં ‘ધરપકડથી આઝાદી’ની વાત, બીજી તરફ સોશિયલ મીડિયા પોસ્ટ માટે ઉઠાવી લાવતી કોંગ્રેસશાસિત રાજ્યની પોલીસ: છાશવારે ‘લોકતંત્રની હત્યા’ની વાતો કરતી ગેંગ હવે મૌન

    દેશના મોટા ભાગના લોકો કોંગ્રેસ અને તેની મેલી મંશાને ઓળખી ગયા છે. લોકો સમજી ગયા છે કે, તેના દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે.

    - Advertisement -

    કોંગ્રેસના ઘોષણાપત્ર પર ટિપ્પણીને લઈને ભીખુ મ્હાત્રે નામના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. કોંગ્રેસ શાસિત કર્ણાટકની પોલીસ ગોવા જઈને તેમને ઉઠાવી લાવી. તેમનો ‘ગુનો’ એ હતો કે, તેમણે કોંગ્રેસના લોકસભા ચૂંટણી 2024ના ઘોષણપત્ર પર ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ @MumbaichaDon પર પોસ્ટ કરીને કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે લખ્યું હતું કે, ‘જેઓ દલીલ કરતા હોય કે, કોંગ્રેસ મેનિફેસ્ટોમાં ‘મુસ્લિમો’નો વિશેષપણે ઉલ્લેખ નથી અને SC/STનો પણ ઉલ્લેખ છે, તેમના મોઢા પર આ મારો.” તેમની વિરુદ્ધ 29 એપ્રિલે FIR નોંધાઈ હતી. ધરપકડ 18 મેની રાત્રે કરવામાં આવી. હાલ તેઓ બેંગ્લોર પોલીસની કસ્ટડીમાં છે.

    ખાસ વાત તો એ છે કે, ભીખુ મ્હાત્રે એ જ કોંગ્રેસ પાર્ટી વિશે વાત કરી રહ્યા હતા, જે કાયમ ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ની વાતો કરતી રહે છે. ઉપરાંત મેનિફેસ્ટોમાં પણ કોંગ્રેસ પાર્ટીએ ‘અભિવ્યક્તિની આઝાદી’ જેવી મોટી-મોટી વાતો લખી હતી. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં દાવો કર્યો હતો કે, તે ‘મીડિયા’, ‘સોશિયલ મીડિયા’, ‘કારણ વગર ધરપકડ’ જેવા મુદ્દાઓથી લોકોની રક્ષા કરશે. નોંધવા જેવું છે કે, કર્ણાટકમાં તે જ કોંગ્રેસનું શાસન છે અને તેની પોલીસે જ એક સામાન્ય વ્યક્તિની એટલા માટે ધરપકડ કરી લીધી છે કે, તેમણે મેનિફેસ્ટો અંગે પોસ્ટ કરી.

    દરેક મુદ્દે અને દરેક પગલે સરકારને ટાર્ગેટ કરીને અભિવ્યક્તિનું જ્ઞાન આપતી કોંગ્રેસ આખરે તે જ્ઞાન પોતાની સરકાર ધરાવતા રાજ્યોને આપવાનું જ ભૂલી ગઈ. નહીં તો પોતાના વિચારોને રજૂ કરવા પર સામાન્ય માણસની ધરપકડ થવા દે ખરી! બની શકે કે, અભિવ્યક્તિની આઝાદી માત્ર કોંગ્રેસીઓ અને તેના સહયોગીઓ માટે જ હશે. ભીખુ મ્હાત્રે તો એક ઉદાહરણ છે, આવાં અનેક નામ છે, જેમની ધરપકડ આ જ કોંગ્રેસ કે પછી INDI ગઠબંધનમાં જેઓ સદસ્ય છે તેવી વિપક્ષી પાર્ટીઓની જ્યાં સરકારો છે ત્યાં કરવામાં આવી છે.

    - Advertisement -

    કોંગ્રેસના દેખાડવાના અલગ અને ચાવવાના અલગ

    ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ’. તેનો સામાન્ય અર્થ એ થાય છે કે, કહેવું કઈક બીજું અને કરવું કઈક બીજું. એટલે પહેલાં મોટા-મોટા બણગાં ફૂંકવા અને પછી આચરણનો વારો આવે તો હસીને જતું રહેવું. આવું જ હવે એક ઈકોસિસ્ટમ સાથે થઈ રહ્યું છે. કોંગ્રેસ દેખાડવા કઈક અલગ માંગે છે અને કરવા પણ કઈક અલગ માંગે છે. કોંગ્રેસનું મેનિફેસ્ટો જોવામાં આવે તો ખ્યાલ આવશે કે, તેમાં અભિવ્યક્તિની આઝાદીને લઈને ઘણું બધું ‘જ્ઞાન’ આપવામાં આવ્યું છે. મેનિફેસ્ટોમાં કોંગ્રેસે સરકારને ટાર્ગેટ કરીને કહ્યું છે કે, મનમાની અને બળજબરીથી કોઈની ધરપકડ કરવામાં ન આવવી જોઈએ અને કોંગ્રેસ સત્તામાં આવશે તો તે સદંતર બંધ થઈ જશે. જ્યારે જે રાજ્યોમાં તેની સત્તા છે, ત્યાં તદ્દન જુદું જ જોવા મળી રહ્યું છે.

    સવાલો કરનારાઓની થઈ રહી છે ધરપકડ

    કોંગ્રેસની જે રાજ્યોમાં સરકાર છે, અથવા તો તેના ઇન્ડી ગઠબંધનની જ્યાં સરકાર છે, ત્યાં તેઓ જે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાતો કરે છે તેનાથી તદ્દન ભિન્ન આચરણ જોવા મળે છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારની પોલીસ ગોવાથી ‘ભીખુ મ્હાત્રે’ની ધરપકડ કરે છે, જ્યારે કોંગ્રેસની સહયોગી DMKની પોલીસ બિહારથી મનીષ કશ્યપની ધરપકડ કરીને NSA લગાવી દે છે. માત્ર આટલે નથી અટકતું. આમ આદમી પાર્ટીની પંજાબ સરકારની પોલીસ રીતસર ‘ધરપકડ માટે કિડનેપિંગ’ કરે છે, તો મમતા બેનર્જીની સરકાર સંદેશખાલી મુદ્દે કવરેજ આપવા માત્રથી મીડિયાકર્મી પર આગની જેમ વરસી પડે છે. તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા યુઝરને મમતા બેનર્જી પર એક મિમ શેર કરવાને લઈને નોટિસ ફટકારી કાર્યવાહી સુધીની વાત કરવામાં આવી હતી, બીજી તરફ અન્ય એક યુઝરે PM મોદી પર પણ તેવું જ એક મિમ બનાવી શેર કર્યું તો વડાપ્રધાને પોતે તેની ક્રિએટિવિટીની પ્રશંસા કરી છે.

    જોકે, મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારે પત્રકારો વિરુદ્ધ કેવા પગલાં ભર્યા તે કોઈને યાદ અપાવવાની પણ જરૂર નથી. અર્નબ ગોસ્વામીના કેસમાં તેને કોર્ટ તરફથી ખરાબ રીતે લપડાક મળી હતી. મરાઠી અભિનેત્રી કેતકીની ધરપકડ પણ તે જ મહારાષ્ટ્ર સરકારે કરી હતી. હવે આ જ ઈકોસિસ્ટમ સાથે જોડાયેલા લોકો ‘લોકતંત્રની હત્યા’ અને ‘અભિવ્યક્તિની આઝાદી’ના ઝંડા લઈને નીકળી પડ્યા છે. કથિત યુટ્યુબરો પણ મોઢામાં મગ ભરીને માત્ર મૂકદર્શક બનીને એક બાજુના દ્રશ્યો દેખાડી લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે.

    જોકે, આ બધી ઘટનાઓ કોંગ્રેસની મનોવૃતિને દર્શાવે છે. જેમાં તે એક તરફ ન્યાય, સમાનતા, અધિકાર, ગરીબી, ઓબીસી અને અન્ય પણ ઘણી બધી જ્ઞાનની વાતો કરે છે. તો બીજી તરફ તેમના જ રાજ્યોમાં જુદા જ આચરણ કરે છે. રાહુલ ગાંધી પોતે જ એક સમુદાયને ટાર્ગેટ કરીને ભાષણો આપે છે, નરેન્દ્ર મોદી સુધી પણ તેઓ ટિપ્પણી કરી બેસે છે. તો બીજી તરફ કોઈ જો કોંગ્રેસ સામે સવાલ મૂકે તો તેની ધરપકડ કરી લે છે. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર ન હોય ત્યાં પોલીસ મોકલીને સામાન્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે છે. ભીખુ મ્હાત્રેની ઘટના પણ તેમાંની જ એક છે. હવે આમાં ખરેખર તાનાશાહ કોણ છે?

    જો કેન્દ્રની ભાજપ સરકાર આવા કારસ્તાન કરવા લાગે તો આખું વિપક્ષ આજે જેલભેગું થઈ જાય તેમ છે. કારણ કે, તે લોકો તો માત્ર ભાજપ અને મોદીને ટાર્ગેટ જ કરતા રહ્યા છે. પરંતુ જો તેમ થાય તો તરત ઝંડાધારી ગેંગ બહાર આવી જશે અને લોકતંત્ર જોખમમાં હોવાનાં રોદણાં રડશે. એક તરફ તો તે લોકોને ‘બંધારણ ખતરામાં’, ‘અભિવ્યક્તિની આઝાદી’, ‘લોકતંત્રની હત્યા’, ‘દેશ તાનાશાહી તરફ’ જેવા બણગાં ફૂંકવા છે અને બીજી તરફ આચરણ તદ્દન જુદું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં