Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતજે અભિનેત્રીના નામ-ફોટા સાથે દિવ્ય ભાસ્કરે છાપી માર્યું કથન, તેમણે કહ્યું- મેં...

    જે અભિનેત્રીના નામ-ફોટા સાથે દિવ્ય ભાસ્કરે છાપી માર્યું કથન, તેમણે કહ્યું- મેં અખબાર સાથે વાત જ નથી કરી, માહિતી ખોટી; પોલ ખુલતાં ‘બ્લેકલિસ્ટ’ થઈ જવાનો ડર બતાવાયો

    કિંજલ રાજપ્રિયાના ધ્યાને પછીથી આ ચડ્યું તો તેમણે સોશિયલ મીડિયા મારફતે ચોખવટ કરીને કહેવું પડ્યું કે ભાસ્કરે છાપેલી બધી જ માહિતી ખોટી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી જણાવ્યું અને X પર પણ એક પોસ્ટ કરી.

    - Advertisement -

    આપણી મરજીના અખબાર દિવ્ય ભાસ્કરે બુધવારે (15 મે) ઇન્ટરનેશનલ ડે ઑફ ફેમિલિઝ (વિશ્વ પરિવાર દિવસ) પર એક લેખ પ્રકાશિત કર્યો. છાપાંની ભાષામાં એને ‘સ્ટોરી’ કહેવાય. આ સ્ટોરીમાં તેમણે જુદા-જુદા કલાકારો પાસેથી પરિવારની પરિભાષા જાણીને તેને શબ્દોનું સ્વરૂપ આપ્યું. આ સ્ટોરી છપાઇ પણ ખરી. પણ સ્ટોરી અને અખબાર બંને વિવાદમાં ત્યારે આવી ગયાં, જ્યારે તેમાં જે એક અભિનેત્રીના નામ અને ફોટા સાથે કથન છપાયું તેમણે સામે આવીને કહ્યું કે તેમણે તો અખબાર સાથે વાત જ નથી કરી!

    આ અભિનેત્રી છે કિંજલ રાજપ્રિયા. ગુજરાતી ફિલ્મોમાં અવારનવાર જોવા મળતાં હોય છે. ભાસ્કરે તેમની સાથે વાતચીત કરી હોવાનો દાવો કરીને આ જ સ્ટોરીમાં એક કથન છાપ્યું છે. જે આ પ્રમાણે છે. ‘જ્યારે હું એમબીએ પૂરું કરીને એક કંપનીમાં જોડાવાની તૈયારી કરી રહી હતી, ત્યારે ફિલ્મોની ઘણી ઓફર્સ આવી. તે સમયે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને મારી પહેલી ફિલ્મ કઈ બનશે તે અંગેનો નિર્ણય મારા પેરેન્ટ્સનો જ હતો. મિસ ઇન્ડિયા સ્પર્ધા વખતે પણ મમ્મી મારી સાથે હતી. મારી આ સફર પેરેન્ટ્સ વગર શક્ય ન થઈ શકત.’

    કિંજલ રાજપ્રિયાના ધ્યાને પછીથી આ ચડ્યું તો તેમણે સોશિયલ મીડિયા મારફતે ચોખવટ કરીને કહેવું પડ્યું કે ભાસ્કરે છાપેલી બધી જ માહિતી ખોટી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી જણાવ્યું અને X પર પણ એક પોસ્ટ કરી. તેમણે કહ્યું કે, કામની વ્યસ્તતાના કારણે તેઓ દિવ્ય ભાસ્કર સાથે વાત કરવાનું ચૂકી ગયાં હતાં અને સંભવતઃ છાપાંએ કોઇ બીજાના વિચારો તેમના નામે ચડાવી દીધા છે. 

    - Advertisement -

    ભાસ્કરે કિંજલના નામે MBAથી માંડીને મિસ ઇન્ડિયા સુધીના ગપગોળા ચલાવ્યા છે, પણ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય MBA કર્યું જ નથી, કે ક્યારે આવી કોઇ કોન્ટેસ્ટમાં ભાગ લીધો નથી. તેમણે B.Sc બાયોટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે અને કોલેજ સમયે થોડું થિએટર કર્યું હતું. જોકે, પછીથી કહ્યું કે તેઓ સતત આપવામાં આવેલા ટેકા બદલ પરિવારનાં આભારી છે, પરંતુ અખબારે આપેલી માહિતી ખોટી છે. 

    વાત આટલેથી પૂરી થઈ જતી નથી. કિંજલ રાજપ્રિયાનું કહેવું છે કે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો તો દિવ્ય ભાસ્કરમાંથી એક પત્રકારે તેમને ફોન કરીને કહ્યું કે, આવું કરવાથી ‘બ્લેક લિસ્ટ’ થઈ જવાય! કિંજલે કહ્યું કે તેમણે અખબારની ભૂલ સુધારી અને તેમ છતાં તેમને ફોન કરીને કહેવામાં આવ્યું કે આમાં મોટું સ્વરૂપ આપવાની જરૂર ન હતી. એટલે કે ભૂલ સુધારવાને બદલે અભિનેત્રીને ગર્ભિત ધમકી આપવામાં આવી કે તેઓ બ્લેકલિસ્ટ થઈ શકે છે! 

    ‘અખબારોમાં આવ્યું તે બધું સાચું જ’ એવી માન્યતા હવે અખબારો જ ખોટી પાડી રહ્યાં છે. જોડણીની ભૂલો કે પછી સરતચૂકથી રહી ગયેલી બાબતો તો સમજી શકાય તેમ છે, પરંતુ આખેઆખું નિવેદન જ કઈ રીતે સરતચૂકથી છપાય શકે? ગામ આખાને જવાબદારીનાં ભાષણો આપતું મીડિયા આમ બિનજવાબદારીપૂર્વક છાપકામ કરે અને વળી ઉપરથી ‘બ્લેકલિસ્ટ’ થવાની ધમકીઓ આપે તો વાચકોમાં શું સંદેશ જાય? 

    આ મામલે દિવ્ય ભાસ્કરે કોઇ પ્રતિક્રિયા આપી હોવાનું આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં ધ્યાને નથી. બીજી તરફ, કિંજલ રાજપ્રિયાનો પણ સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ સ્થાપિત થઈ શક્યો નથી. સંપર્ક થયે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં