અમરેલીના AAP નેતા અને 2022માં ધારી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનારા કાંતિ સતાસિયાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે, કાંતિ સતાસિયાએ તેમના અન્ય પુત્રો સાથે મળીને પીડિતાની સગાઈ તોડાવી નાખી હતી. તેથી તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બગસરા પંથકની એક યુવતી સાથે આમ આદમી પાર્ટીના નેતાના પુત્રએ લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. બગસરા પોલીસે AAP નેતા અને તેના પુત્ર સહિત 4 સામે ગુનો નોંધ્યો છે.
અમરેલીના આમ આદમી પાર્ટીના (AAP) નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયા સામે બગસરાની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, હરેશે યુવતી સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, પરંતુ AAP નેતાના પુત્ર હરેશની પત્ની વૈશાલીબેન દ્વારા પણ પીડિતાને ફોન પર ધમકી આપ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ઑપઇન્ડિયાએ આ મામલે બગસરા પોલીસ સ્ટેશનણો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શકયો નહોતો.
20 દિવસ પહેલાં છરીની અણીએ આચર્યું હતું દુષ્કર્મ
ફરિયાદમાં કહેવાયું છે કે, AAP નેતાના પુત્ર હરેશ સતાસિયા છેલ્લા ઘણા સમયથી પીડિતાનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. આરોપ છે કે, 20 દિવસ પહેલાં પણ તેણે પીડિતાને કારમાં લઈ જઈને છરીની અણીએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હરેશ સતાસિયાના ભાઈ ભાવિન સતાસિયા અને પિતા તથા આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતસિયાએ પણ પીડિતાની સગાઈ તોડાવી નાખી અવારનવાર ફોન પર મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં કહેવાયું છે.
હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બગસરા પોલીસે આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયા, હરેશ સતાસિયા, ભાવિન સતાસિયા અને હરેશ સતાસિયાના પત્ની વૈશાલીબેન સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ ચારેય આરોપીઓની શોધખોળ કરી રહી છે. ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે, AAP નેતા કાંતિ સતાસિયા છેલ્લા ઘણા વર્ષોથી આમ આદમી પાર્ટી માટે કામ કરે છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પાર્ટીએ તેમને અમરેલી લોકસભા મતવિસ્તારમાં આવતી ધારી વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. પરંતુ તે પછીથી પણ તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે અને દરેક કાર્યક્રમોમાં પણ ભાગ લેતા જોવા મળ્યા છે. હાલ પોલીસ તેમને શોધી રહી છે.