બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરે ચાર વર્ષે ફિલ્મ ‘શમશેરા’થી ફિલ્મી પડદે પદાર્પણ કર્યું હતું. પરંતુ તેમની ફિલ્મ કાંઈ ઉકાળી શકી નથી. ફિલ્મ ગઈકાલે રિલીઝ થઇ હતી, પરંતુ દર્શકોનો અત્યંત નબળો પ્રતિસાદ મળ્યો છે. શમશેરા ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે કેટલાક શૉ દર્શકો ન હોવાના કારણે રદ કરી દેવામાં આવ્યા હતા.
મહામારી બાદ ‘શમશેરા’ એવી બીજી ફિલ્મ હતી, જે 4000 જેટલા થીએટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જોકે, આટલા મોટાપાયે રિલીઝ થયાં છતાં ફિલ્મ પહેલા દિવસે ધારેલી કમાણી કરી શકી ન હતી અને યશરાજ ફિલ્મ્સની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરતાં પણ ઓછી કમાણી કરી હતી. અક્ષય કુમાર સ્ટારર ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પહેલા દિવસે 10.7 કરોડ કમાઈ હતી.
150 કરોડના બજેટથી બનાવવામાં આવેલ ફિલ્મ ‘શમશેરા’ શુક્રવારે રિલીઝ તો થઇ પરંતુ ઘણી જગ્યાઓએ લોકો ફિલ્મ જોવા પહોંચ્યા જ ન હતા. દર્શકો ન મળવાના કારણે અનેક શૉ રદ કરવા પડ્યા હતા. ફિલ્મ વિશ્લેષકો અનુસાર, પહેલેથી જ બૉલીવુડની માઠી દશા બેઠી છે ત્યાં વધુ એક ફિલ્મ ફ્લૉપ જાય તો વધુ અસર પડશે.
ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર રિલીઝ થયું તે બાદ ફરીથી બૉલીવુડમાં હિંદુફોબિયાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ફિલ્મના ટ્રેલરમાં ત્રિપુંડવાળા હિંદુ વિલનને દર્શાવવામાં આવ્યો હતો. ફિલ્મમાં સંજય દત્તે વિલનનું પાત્ર ભજવ્યું છે. જેમાં તેને અંગ્રેજો માટે કામ કરતો ગદ્દાર પોલીસ અધિકારી બતાવવામાં આવ્યો છે. તેના માથે એક ત્રિપુંડવાળું ભગવાન શિવનું ચંદન અંકિત થયેલું જોવા મળે છે. ફિલ્મના લગભગ તમામ દ્રશ્યોમાં તેમનો આ જ લૂક જોવા મળે છે. આ ઉપરાંત, ફિલ્મમાં માથે ત્રિપુંડ અને શિખા રાખનાર વ્યક્તિને ફિલ્મમાં અત્યાચાર, ક્રૂર અને ‘મા કી’ જેવા શબ્દો બોલતો બતાવવામાં આવ્યો છે.
આ સાથે હિંદુઘૃણાથી ગ્રસિત વધુ એક બૉલીવુડ ફિલ્મ ફ્લૉપ જવાની તૈયારીમાં છે. આ અગાઉ પણ અનેક આવી હિંદુફોબિક ફિલ્મોને દર્શકો જાકારો આપી ચૂક્યા છે. અને તેને સ્થાને વાસ્તવિક ચિત્રણ કરતી અને પ્રોપોગેન્ડાને ખુલ્લા પાડતી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મોને માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડની એકેય ફિલ્મ સારું પ્રદર્શન કરી શકી નથી. ગત અઠવાડિયે અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ ‘શાબાશ મિથુ’ પણ પહેલા દિવસે માંડ 50 લાખ કમાઈ શકી હતી. આ ફિલ્મ અત્યાર સુધીમાં માત્ર 2.75 કરોડની કમાણી કરી શકી છે. તે પહેલાં ‘જયેશભાઇ જોરદાર’ પણ માંડ 16 કરોડની કમાણી કરી શકી હતી.