દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. હમણાં સુધીમાં ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. જેમાં કુલ 283 લોકસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી. ત્યારે હવે દેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ સાથે જ કુલ 1717 ઉમેદવારોનું ભાવિ ચોથા તબક્કાના મતદાન દ્વારા નક્કી થશે. આ ઉમેદવારોમાં 5 કેન્દ્રીય મંત્રી, બે ક્રિકેટર અને એક અભિનેતા પણ સામેલ છે.
સોમવારે (13 મે, 2024) લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ચોથા ચરણના મતદાનમાં આંધ્રપ્રદેશની તમામ 25 સીટો પર મતદાન છે. જ્યારે ઉત્તર પ્રદેશની 13 બેઠકો પર પણ વોટિંગ છે. તે જ રીતે તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11, મધ્ય પ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, ઝારખંડ અને ઓડિશાની ચાર-ચાર અને જમ્મુ કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે જ વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે જનતાને અપીલ કરી છે.
In today’s 4th Phase of the Lok Sabha elections, 96 seats across 10 States and UTs are going to the polls. I am sure people in these constituencies will vote in large numbers and the young voters as well as women voters will power this surge in voting. Come, let’s all do our duty…
— Narendra Modi (@narendramodi) May 13, 2024
દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય મતદાતાના હાથમાં
લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓ પણ મેદાનમાં છે. પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંઘ, અર્જુન મુંડા, નિત્યાનંદ રાય, જી કિશન રેડ્ડી અને અજય મિશ્રા પણ ચૂંટણી મેદાનમાં છે. એ ઉપરાંત યુપીની કન્નૌજ લોકસભા બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. અહીં સપા પ્રમુખ અખિલેશ યાદવ મેદાનમાં છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના વિવાદિત નેતા મહુઆ મોઈત્રા, TMC ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, TMC ઉમેદવાર કીર્તિ આઝાદ, અસદુદ્દીન ઔવેસી, ભાજપ ઉમેદવાર માધવી લતા, TMC ઉમેદવાર શત્રુઘ્ન સિંહા, જગન રેડ્ડીની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર વાયએસ શર્મિલા જેવા દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય મતદાતાઓના હાથમાં છે.
ચોથા તબક્કાની હાઇપ્રોફાઇલ લોકસભા બેઠકો
ચોથા તબક્કાની હાઇપ્રોફાઇલ બેઠકોમાં સૌથી પહેલાં હૈદરાબાદ લોકસભા બેઠકનું નામ આવે છે. ભાજપે અહીંથી AIMIM નેતા અને મુસ્લિમસ સાંસદ અસદુદ્દીન ઔવેસી સામે માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ ઔવેસી ભાઈઓને કાંટાની ટક્કર આપી રહ્યા હોવાના સમાચાર છે. બીજી હાઇપ્રોફાઇલ સીટ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક છે. અહીં TMCના વિવાદિત નેતા મહુઆ મોઈત્રા સામે ભાજપે રાજમાતા અમૃતા રૉયને મેદાનમાં ઉતાર્યા છે. મહુઆ મોઈત્રા પર સંસદમાં પૈસા લઈને પ્રશ્નો પૂછવાના આરોપ પણ છે. તેથી આ સીટ પર પણ કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
આ ઉપરાંત બહેરામપુર (પશ્ચિમ બંગાળ) બેઠક પર પણ કાંટાની ટક્કર છે. અહીંથી TMCએ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને , કોંગ્રેસે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ અધીર રંજન ચૌધરીને અને ભાજપે નિર્મલ કુમારને મેદાનમાં ઉતાર્યા છે. એ ઉપરાંત ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘ બેગુસરાય (બિહાર) લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
તે સિવાય આસનસોલ (પશ્ચિમ બંગાળ) લોકસભા બેઠક પરથી TMC નેતા શત્રુઘ્ન સિંહા સામે ભાજપના સુરિન્દરજીત સિંઘ ચૂંટણી લડી રહ્યા છે. યુપીની કન્નૌજ સીટ પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વર્તમાન સાંસદ અને ભાજપ નેતા સુબ્રત પાઠક સામે લડી રહ્યા છે. સાથે જ ઝારખંડમાં ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા કોંગ્રેસના કાલીચરણ મુંડા સામે ચૂંટણી લડી રહ્યા છે.