એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીને લઈને ત્રીજા ચરણમાં મતદાન થઈ રહ્યું છે તો બીજી તરફ કેટલાક નેતાઓ ધડમાથા વગરના નિવેદનો આપી રહ્યા છે. હવે તે નેતાઓમાં SP (સમાજવાદી પાર્ટી) સુપ્રીમો અખિલેશ યાદવનું નામ પણ જોડાયું છે. લોકસભા ચૂંટણીનું વાતાવરણ જોતાં હવે તેમની પણ ડાગળી છટકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રચંડ મોદીલહેર વચ્ચે તેમણે એક અતાર્કિક નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ભાજપ જાણીજોઇને ગરમીમાં મતદાન કરાવે છે અને તે માટે ભાજપને સજા પણ મળવી જોઈએ.
મંગળવારે (7 મે, 2024) મૈનપુરીમાં SP સુપ્રીમો અખિલેશ યાદવ અને ત્યાંથી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવે મતદાન કર્યું હતું. ભાજપે આ બેઠક પરથી જયવીર સિંઘને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારબાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે મીડિયા સાથે વાત કરી હતી અને ધડમાથા વગરનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “કેટલીક ચૂંટણીમાં આપણે ગરમીમાં મતદાન કર્યું છે. ભાજપને તે વાતની પણ સજા મળવી જોઈએ. ભાજપવાળા જાણીજોઈને ગરમીમાં મતદાન કરાવે છે. તમને બધાને તકલીફ પહોંચાડવા માટે.”
#WATCH | Saifai, Uttar Pradesh: Samajwadi Party (SP) chief Akhilesh Yadav says, "BJP people should also be punished for this, although they will say that this is the decision of the Election Commission, BJP people deliberately make you vote in the summer to hurt you. This voting… pic.twitter.com/bPr25dOWww
— ANI (@ANI) May 7, 2024
તેમણે કહ્યું કે, “અમે લોકો તો મહેનત કરીએ છીએ. આ જે ગરમીમાં મતદાન થઈ રહ્યું છે, તે એક મહિના પહેલાં પણ થઈ શક્યું હોત. હું બધા મારા સાથીઓ અને બધા મતદાતાઓને અપીલ કરું છું કે, વધુમાં વધુ મત પડે. આ જ વોટ છે જે આપણાં જીવનને બદલી શકે છે. સમજી-વિચારીને મત નાખજો. આ જ મત બંધારણ અને લોકતંત્રને મજબૂત કરશે. લોકતંત્ર પર ભરોસો વધારશે.”
આ સાથે તેમણે મોંઘવારી અને રોજગારીને લઈને યુવાનો અને મતદાતાઓને જાગૃત થવા અપીલ કરી હતી. ઉપરાંત તેમણે ભાજપ સરકાર પર અનેક પ્રહારો પણ કર્યા છે. ઉનાળામાં ચૂંટણી યોજવાને લઈને તેમણે ભાજપ પર પ્રહાર કર્યા અને જાણીજોઈને આવું કરવાના આક્ષેપ લગાડ્યા. જોકે, મતદાન કયા સમયે અને ક્યારે યોજાશે તે ભારતનું ચૂંટણી પંચ નક્કી કરે છે, તેમાં કોઈ પણ રાજકીય પાર્ટી નિર્ણય લઈ શકતી નથી. તેમ છતાં આવા ધડમાથા વગરના નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં સપા પ્રમુખ હાંસીપાત્ર બની રહ્યા છે. વધુમાં, નોંધવું જોઈએ કે સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારબાદ લોકસભા ચૂંટણી યોજાય છે. વર્તમાન સરકારનો કાર્યકાળ મેમાં પૂર્ણ થઈ રહ્યો હોઈ ત્યાં સુધીમાં ચૂંટણી કરવી જ પડે છે. એ જ કારણ છે કે ચૂંટણી હમણાં આવે છે. ગરમીને તેની સાથે કશું જ લાગતું-વળગતું નથી.
સોશિયલ મીડિયામાં અખિલેશ યાદવનું આ નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેમના આવ્યા અતાર્કિક નિવેદનને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ટીકા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે મજાક કરતાં એવું પણ કહી દીધું કે, આ ગરમી પણ ભાજપ જ પાડી રહી છે, બાકી આટલી બધી ગરમી હોય શકે નહીં.