મે, 2024ના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. બીજી તરફ મતદાનના થોડા જ કલાક પહેલા દિલ્હીની જેમ હવે અમદાવાદની કેટલીક સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એકસાથે 9 સ્કૂલોને આ ધમકી ઇમેઇલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મતદાનના ઠીક એક દિવસ પહેલાં આવી ઘટના બનતાં પોલીસ સહિતની સુરક્ષા ટીમોએ તપાસ હાથ ધરી છે.
સોમવારે (6 મે, 2024) અમદાવાદની 9 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પહેલાં દિલ્હીમાં પણ અનેક સ્કૂલોમાં બૉમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તાજેતરમાં જ આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે. જે સ્કૂલોને ધમકી મળી છે, તે તમામ સ્કૂલો પર પોલીસે તપાસ હાથ ધરી છે. બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ધમકી રશિયન સર્વરમાંથી આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી શકાયું છે.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના DCP અજિત રાજિયાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, 9 જેટલી સ્કૂલોને ઇમેઇલથી ધમકી મળી છે. હાલ પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે. આ ધમકીભર્યો મેઇલ ફેક ઇમેઇલથી આવ્યો છે. આ સાથે સાયબર ટીમ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે. અમદાવાદમાં આવેલી ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા, એશિયા ઇંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર, અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા, કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા, ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી (નરોડા), ડીપીએસ સ્કૂલ બોપલ, ઉદગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ અને આનંદનિકેતન સ્કૂલ બોપલને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. હાલ પોલીસ આ મામલે તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ સાથે સાયબર ટીમ પણ ઇમેઇલ મોકલનારાની તપાસ કરી રહી છે.
નોંધવા જેવુ છે કે, તાજેતરમાં જ દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં પણ આ પ્રકારની બૉમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. એક જ ઇમેઇલ પરથી આ ધમકી મોકલવાના આવી હતી. જે બાદ રાજધાની દિલ્હીમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. તમામ સ્કૂલોએ બાળકોને ઘરે મોકલી દીધા હતા અને મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસ બાદ એક વિદ્યાર્થીની જ ધરપકડ કરવામાં આવી હતી, તેણે આ કૃત્ય પ્રેન્ક માટે કર્યું હોવાનું જાણી શકાયું હતું.