વડોદરાના સયાજીગંજમાં હિંદુ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પ્રખ્યાત પ્રતાપ ટોકીઝ પાસે જનરલ સ્ટોર ચલાવતા સુભાષ અગ્રવાલ નામના વેપારીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે ગત 25 એપ્રિલ 2024ના રોજ તેમની દુકાને સિગારેટ પીવા આવેલા કેટલાક યુવાનોએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપીને પિસ્ટલ બતાવી હતી. પીડિત વેપારીએ પોતાની ફરિયાદની સાબિતી આપતા કેટલાક CCTV પણ જાહેર કર્યા છે.
વડોદરાના સયાજીગંજમાં વેપારીને ધમકી આપવાની આ સમગ્ર ઘટના વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પ્રતાપ કોલોનીમાં રહેતા સુભાષ અગ્રવાલ પ્રતાપ ટોકીઝ નજીક સત્કાર નામે જનરલ-કરિયાણાનો સ્ટોર ચલાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત 25 તારીખે સાંજે જયારે તેઓ દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે 5 યુવકો તેમની દુકાને આવ્યા હતા અને 60 રૂપિયાની કિંમતના સિગારેટના 2 પાકીટ ખરીદ્યા હતા.
સિગરેટના પાકીટ ખરીદીને યુવકોએ 100 રૂપિયા ચૂકવ્યા હતા. જેથી સુભાષ અગ્રવાલે તેમની પાસે ઉપરના 20 રૂપિયા માંગ્યા હતા. બાકીના પૈસાની માંગણી કરતા જ યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનદારને અભદ્ર શબ્દોમાં ગાળો ભાંડી હતી. આ દરમિયાન તેમણે ગાળો બોલવાની ના પાડતા યુવકો વધુ ઉશ્કેરાયા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળ્યાના બીજા દિવસે તેમણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ અને વેપારીએ મોકલાવેલા CCTV ફૂટેજ ઉપલબ્ધ છે.
મને ધમકી આપનાર તમામ યુવકો મુસ્લિમ, મને પિસ્ટલ દેખાડી- સુભાષ અગ્રવાલ
આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ સુભાષ અગ્રવાલનો સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન સુભાષ અગ્રવાલે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “મેં તો મારા બાકી નીકળતા પૈસા જ માંગ્યા હતા. તે લોકોએ મને કહ્યું કે, “હમ લોગ કિસીકો પૈસે નહીં દેતે, તુમારેકો દિયે હે તો ચુપચાપ લેલો.” આથી મેં કહ્યું કે જે દુકાને તમારું ચાલતું હોય ત્યાં જઈને આવું કરજો, મને મારા પૈસા આપી દો. આ સાંભળીને તે તમામ ઉશ્કેરાઈ ગયા.”
પીડિતે આગળ જણાવ્યું કે, “આ બધા ઉશ્કેરાઈ ગયા એટલે મારી સાથે બહુ ગાળાગાળી કરી. તેવામાં એક છોકરો તેના સ્કુટર તરફ ગયો અને ડીકીમાંથી પિસ્ટલ કાઢી. પણ આ પિસ્ટલ ત્યાં જ નીચે પડી ગઈ અને તેના સાથીદારે તેને લઈને ખીસામાં મૂકી દીધી. પિસ્ટલ જમીન પર પડી એટલે મારો બચાવ થઈ ગયો. મારી પાસે ઘટનાના CCTV પણ છે અને મેં તે પોલીસને પણ આપ્યા છે.”
આરોપીઓ કોણ હતા અને ક્યાંના હતા તે સવાલ પર તેઓ જણાવે છે કે, “આરોપી તમામ ફતેગંજ કલ્યાણનગર આસપાસના વિસ્તારના જ છે, પણ મને એટલી ખબર છે કે જેટલા છોકરાઓ હતા તે તમામ મુસ્લિમ સમાજના છે. તેમાંથી બેના અબ્બુના નામ મને ખબર છે જેમાં એક ફૈઝલ ફારૂક છાપરાનો છોકરો હતો અને બીજો આફતાબ અમજદબાવાનો છોકરો હતો. બાકીના ત્રણ કોણ હતા તેની મને નથી ખબર. પોલીસે તેમને પકડીને ઓળખ પરેડ કરવી દીધી છે.”
સુભાષ અગ્રવાલ ભાજપના વોર્ડ મંત્રી
આ વાતચીત દરમિયાન ફરીયાદી સુભાષ અગ્રવાલે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે તેઓ અને તેમનું પરિવાર વર્ષોથી ભાજપમાં સક્રિય છે અને હાલ તેવો વોર્ડ નંબર ત્રણમાં ભાજપના મંત્રી તરીકે જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે, “હું વોર્ડ નંબર ત્રણમાં મંત્રી છું, મારા પિતા ભાજપમાંથી જ કોર્પોરેટર રહી ચૂક્યા છે. મારું આખું પરિવાર વર્ષોથી ભાજપમાં છે.”
ઉલ્લેખનીય છે કે આ મામલે ઑપઇન્ડિયાએ વડોદરાના સયાજીગંજ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ પોલીસે પિસ્ટલવાળી વાત નકારીને જણાવ્યું હતું કે હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. આ મામલે સયાજીગંજ પોલીસે ફૈઝલ ફારૂક છાપરાના પુત્ર, આફતાબ અમજદબાવાના છોકરા સહિત 5 લોકો વિરુદ્ધ IPCની કલમ 294 (b) 506 (2) અને 114 NS અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.