અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીને લઈને ભારતીય એજન્સીઓ ધાક લગાવીને બેઠી છે. ડ્રગ્સ માફિયાઓના બધા મનસૂબાઓ પર એજન્સીઓ પાણી ફેરવી રહી છે. હજુ તો અમુક કલાકો પહેલાં જ ગુજરાત ATS, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને NCBએ 14 પાકિસ્તાની નાગરિકોને 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. જે બાદ હવે વધુ એક ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરના દરિયામાં આવી રહેલી એક બોટમાંથી બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુકત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાતના દરિયા કિનારેથી સતત ડ્રગ્સના જથ્થા ઝડપાઈ રહ્યા છે.
તાજેતરમાં જ ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ 14 પાકિસ્તાની નાગરિકોને 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. તે ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત ₹600 કરોડ હોવાનું સામે આવ્યું હતું. તેના વળતાં જ દિવસે એજન્સીઓએ પોરબંદરના દરિયામાંથી 173 કિલો ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ વિશેની માહિતી ઇન્ડિયન કોસ્ટગાર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. કોસ્ટગાર્ડે લખ્યું છે કે, “બેક ટુ બેક એન્ટિ નાર્કો ઓપરેશનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ જહાજે ગુજરાત ATS સાથે સંયુકત રીતે સમુદ્રમાંથી 173 કિલોગ્રામ ડ્રગ્સ અને 2 અપરાધીઓ સહિત એક માછલી પકડવાવાળી નાવને ઝડપી પાડી છે.”
In back to back Anti #Narco #Operations @IndiaCoastGuard Ship jointly with #ATS #Gujarat apprehended a Fishing Boat with 173Kg narcotics and 2 perpetrators at sea.
— Indian Coast Guard (@IndiaCoastGuard) April 29, 2024
Further investigations in progress.
The operation follows the seizure of #Pakistani Fishing Boat on 28 Apr.… pic.twitter.com/tHu0OKkKFD
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ATSને 173 કિલો ડ્રગ્સ પોરબંદરના દરિયા કિનારે આવતું હોવાની બાતમી મળી હતી. ATSની બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડે વ્યૂહાત્મક રીતે તેના જહાજો અને વિમાનોને દરિયાના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા હતા. જેથી શંકાસ્પદ બોટ ભારતીય કોસ્ટગાર્ડના સર્વેલન્સમાંથી છટકી શકે નહીં. શંકાસ્પદ બોટની ઓળખ બાદ તુરંત તેને અટકાવી દેવામાં આવી હતી. તે ફિશિંગ બોટની તલાશી લેવામાં આવતા 173 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભારતીય એજન્સી અને તેમાં ખાસ કરીને ગુજરાત ATSએ બે જ દિવસમાં 2 મોટા ઓપરેશનો પાર પાડતા સમગ્ર દેશમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી આવી રહેલા ડ્રગ્સના જથ્થાને એજન્સીઓ ગુજરાતની અંદર પ્રવેશ જ નથી કરવા દઈ રહી. જેને લઈને દેશભરમાં એજન્સીઓના આ મોટા ઓપરેશનોની સરાહના થઈ રહી છે.
નોંધવું જોઈએ કે, હજુ તો રવિવારે (28 માર્ચ, 2024) જ પોરબંદરના દરિયામાંથી ₹600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકો પાકિસ્તાની બોટમાં સવાર હતા અને કાંઠા વિસ્તારથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાની ફિરાકમાં હતા. આખા ઓપરેશનમાં ગુજરાત ATS, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને પોરબંદર SOGએ સક્રિય ભૂમિકા નિભાવી હતી. સુરક્ષા એજન્સીઓએ આપેલી માહિતી અનુસાર ઝડપાયેલું ડ્રગ્સ હેરોઈન હતું અને તેની માર્કેટ વેલ્યુ ₹602 કરોડ જેટલી થાય છે. આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી.
આ ઓપરેશન પાર પાડ્યાને હજુ માંડ 24 કલાક થયા કે એજન્સીઓએ બીજું મોટું ઓપરેશન પણ પાર પાડી દીધું હતું. એજન્સીઓની આ કાર્યવાહી ડ્રગ્સ વિરુદ્ધના સરકારના કડલ વલણ અને સુરક્ષા તંત્રની ચાંપતી નજરને દર્શાવે છે.