રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓએ કવાયત શરૂ કરી છે. જોકે, પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે (TMC) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીએ એક બેઠક યોજ્યા બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો હતો.
મમતા બેનર્જીના નિવાસસ્થાને પાર્ટીની એક બેઠક આયોજિત કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેઓ એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડને તો સમર્થન નહીં જ કરે પરંતુ વિપક્ષ ઉમેદવાર માર્ગારેટ આલ્વાને પણ સમર્થન આપશે નહીં. પાર્ટીએ આ માટે કારણ એવું આપ્યું છે કે આલ્વાને ઉમેદવાર તરીકે જાહેર કરવા પહેલાં ટીએમસી સાથે આ બાબતની ચર્ચા કરવામાં આવી ન હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, માર્ગારેટ આલ્વાના નામની ઘોષણા પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બે વખત મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓ વચ્ચે વિપક્ષ જે ઉમેદવાર પસંદ કરે તેને સમર્થન કરવાની સહમતી બની હતી.
જોકે, આ મામલે TMC સાંસદ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવારનું નામ નક્કી થઇ ગયા બાદ તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જે રીતે 35 સાંસદો ધરાવતી હોવા છતાં પાર્ટી સાથે ચર્ચા કર્યા વગર જ વિપક્ષ ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવ્યું, તેને જોતાં અમે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. અભિષેક બેનર્જીએ કહ્યું કે, બેઠકમાં 85 ટકા સાંસદોનો આ જ મત હતો.
અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે, ટીએમસીએ અમુક ઉમેદવારોના નામોનો પ્રસ્તાવ મૂક્યો હતો અને વાતચીત ચાલી રહી હતી. પરંતુ તેમણે (અન્ય પાર્ટીઓએ) અચાનક બેઠક બોલાવી અને બેઠકનું સ્થળ પણ બદલી નાંખવામાં આવ્યું.
બીજી તરફ, કોંગ્રેસ અને સીપીએમે ટીએમસીના આ દાવા ફગાવી દીધા છે અને પાર્ટી પર ભાજપનો સાથ આપવાનો આરોપ લગાવ્યો છે.
CPI(M)ના ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, ‘મતદાનથી દૂર રહેવું એ સમર્થન કરવા સમાન છે. ટીએમસીએ ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનમાં ભાગ ન લેવાનું નક્કી કરીને ભાજપને સમર્થન કરવાનું નક્કી કર્યું છે. આ પાખંડ છે.”
When 'abstention' equals support
— CPI (M) (@cpimspeak) July 21, 2022
TMC has decided to help BJP in Vice – President's election by 'abstaining'. It's Height of Hypocrisy.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ આ અંગે કહ્યું કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર છે. તેઓ દાર્જિલિંગમાં આસામ સીએમ હિમંત સરમા અને પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. જે બાદ બીજા જ દિવસે તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા. જેનો અર્થ એ થાય કે દાર્જિલિંગમાં તેમની વચ્ચે સમજૂતી થઇ હતી.
When Opposition parties are speaking of unity then it's the Congress party's responsibility to encourage that. WB CM Mamata Banerjee wanted to spearhead the united Opposition, but then, they ran away, and the Congress didn't: Congress leader Adhir Ranjan Chowdhury(21.07) pic.twitter.com/oWY7uujSHb
— ANI (@ANI) July 21, 2022
વિપક્ષી એકતાને લઈને અધીર ચૌધરીએ કહ્યું કે, “જ્યારે વિપક્ષી પાર્ટીઓ એકતાની વાત કરતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવું એ કોંગ્રેસ પાર્ટીની જવાબદારી છે. પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જી વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવા માંગે છે, પરંતુ હવે તેઓ ભાગી છૂટ્યા છે, પરંતુ કોંગ્રેસ ભાગી નથી.”