દિલ્હી લિકર પોલીસી થકી કરોડોના કૌભાંડ કરવાના મામલે જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને BRS નેતા કે. કવિતાને રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ફટકો આપ્યો છે. કોર્ટે બંનેની ન્યાયિક કસ્ટડીની અવધી વધારી દીધી છે. કોર્ટે આ અવધી 7 મે સુધી વધારી છે. આજે તેમની કસ્ટડીની અવધી પૂર્ણ થવાની હતી અને એજન્સીએ આપેલા કારણોને ધ્યાને લઈને આ નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ન્યાયિક કસ્ટડીનો સમયગાળો પૂર્ણ થયા બાદ અરવિંદ કેજરીવાલ અને કવિતા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજુ થયા હતા. જે બાદ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ બંને નેતાઓની કસ્ટડીની અવધી વધારી દીધી હતી. આ મામલે EDએ બંને નેતાઓની કસ્ટડીનો સમય વધારવા માટે પહેલા જ અરજી કરી હતી. આ પહેલા પણ એજન્સીનું કહેવું હતું કે જો તેઓ બહાર આવશે તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અને પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે.
Delhi's Rouse Avenue Court extends the judicial custody of Delhi CM Arvind Kejriwal and BRS leader K Kavitha until May 7th, in the ED case related to the liquor policy scam. pic.twitter.com/JSXsNUWV9e
— DeshGujarat (@DeshGujarat) April 23, 2024
તેવામાં જજ કાવેરીએ વર્ચ્યુઅલી હાજર થયેલા બંને નેતાઓની ન્યાયિક કસ્ટડીનો સમય વધારી દેતા હવે બંને નેતાઓને અગામી 7 મે 2024 સુધી તિહાડ જેલમાં જ રહેવું પડશે. આ પહેલા પણ EDએ કવિતાના જામીનનો વિરોધ કર્યો હતો. ત્યારે હવે કોર્ટ દ્વારા આ મામલે અગામી સુનાવણી 7 મેના રોજ કરવામાં આવશે. બંને નેતાઓને 7 મેના રોજ બપોરે 2 વાગ્યા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવશે.
એક મહિનાથી જેલમાં છે કેજરીવાલ
ઉલ્લેખનીય છે કે 21 માર્ચ 2024ના રોજ ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કેજરીવાલે અનેકવાર જામીન મેળવવાના પ્રયત્નો કર્યા, પણ કોર્ટે તેમની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. બીજી તરફ BRS નેતા કે. કવિતાની 15 માર્ચ 2024ના રોજ ધરપકડ થઇ હતી. આ આખા કેસમાં ED અને CBI એમ બંને એજન્સીઓ તપાસ કરી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે તેઓ લિકર પોલીસી થકી થયેલા કરોડોના કૌભાંડનું કાવતરું રચવામાં મુખ્ય રૂપે સંમેલિત હતા. જયારે કે. કવિતા પર આરોપ છે કે તેઓ આ આખા કૌભાંડમાં સાઉથ ગ્રુપની મુખ્ય સભ્ય હતું અને તેમણે કૌભાંડના ₹100 કરોડ દિલ્હીની આમ આદમી પાર્ટીને આપ્યા હતા.