લોકસભા ચૂંટણી પહેલાં જ સુરત લોકસભા સીટ પર રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના ફોર્મને લઈને ભાજપ દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ કુંભાણીનું ફોર્મ પણ રદ થયું હતું. જ્યારે હવે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન સુરત બેઠક પરથી બસપાના ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ સુરત દેશની પહેલી લોકસભા બેઠક બની છે, જ્યાં ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
સુરત દેશની પ્રથમ બિનહરીફ લોકસભા બેઠક બની ગઈ છે. બસપા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે. 22 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ કુલ 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી અપક્ષ સહિત 1 ઉમેદવાર સિવાય બધાએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જ્યારે બસપાના એક ઉમેદવાર જ બાકી હતા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!
— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) April 22, 2024
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! #PhirEKBarModiSarkar#AbkiBaar400Paar pic.twitter.com/w87WSrla5s
બપોરે 2:30 આસપાસ બસપાના ઉમેદવાર પ્યારેલાલ સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે એકપણ પ્રતિસ્પર્ધી ઉમેદવાર વધ્યા જ નહીં. તેવી સ્થિતિમાં ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ લોકસભા ચૂંટણી 2024માં સુરત દેશની પ્રથમ બિનહરીફ લોકસભા બેઠક બની ગઈ હતી. ઉપરાંત સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને પણ મળવા પહોંચ્યા હતા. સીઆર પાટીલે તેમને શુભકામનાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, છેલ્લા બે ત્રણ દિવસથી સુરતનું રાજકારણ ગરમાયું હતું. કારણ કે, ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફોર્મ પર વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. ત્રણ ટેકેદારોની ખોટી સહી હોવાનો આરોપ પણ લાગ્યો હતો. જે બાદ તે વિષય પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવારના એકપણ ટેકેદાર હાજર ન રહેતા તેમનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું.