બિહારમાં એક જિલ્લો છે – દરભંગા. દરભંગા એ બિહારના મિથિલા નામના પ્રદેશનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મૈથિલી ભાષી દરભંગા પ્રદેશની સ્થિતિ હવે એવી છે કે ત્યાં મુસ્લિમોની વસ્તી 23%ને વટાવી ગઈ છે. તેનો દુષ્પ્રભાવ ઈદના દિવસે જોવા મળ્યો હતો, જ્યારે દરભંગાના સ્વર્ગસ્થ મહારાજ રામેશ્વર સિંઘની પ્રતિમાનું મુસ્લિમ ટોળા દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું. કેટલાક મુસ્લિમો દરભંગા મહારાજની પ્રતિમા પર પગ મૂકીને બેઠા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે ઈદના દિવસે દરભંગા રાજ પરિસરમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારે હવે દરભંગા મહારાજની પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે.
ચૌરંઘી ચોક ખાતે રામેશ્વર સિંઘની પ્રતિમા સાથે આ પ્રકારના દુર્વ્યવહારથી દરભંગાના લાખો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે, જેઓ આજે પણ તેમનો આદર કરે છે. મુસ્લિમ સમાજના લોકો શ્યામા માઈ મંદિરમાં બોટિંગની મજા લેતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન પણ અભદ્રતાના આરોપો લાગ્યા હતા, જેના કારણે બોટિંગ બંધ કરવી પડી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, સગીર બાળકોએ કેટલીક હરકતો કરી હતી, જેને સમજાવીને દૂર કરી દેવામાં આવ્યા હતા.
દરભંગા પોલીસનું કહેવું છે કે, વિશ્વવિદ્યાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં બાળકો સામેલ હતા. તળાવમાં અભદ્રતાના મુદ્દાને નકારી કાઢતા પોલીસે કહ્યું કે, પૂજારી અને ગાર્ડ્સ સિવાય જ્યારે પોલીસ સ્ટેશનના વડાએ અન્ય લોકોની પૂછપરછ કરી તો તેમણે આ ઘટના વિશે અજ્ઞાન વ્યક્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર , કોઈ પુરાવા મળ્યા નથી. જ્યારે લોકોએ કહ્યું કે દરભંગા મહારાજની પ્રતિમા સાથેનું અપમાન સમગ્ર મૈથિલ સમાજનું અપમાન છે, મિથિલાનું અપમાન છે.
હવે રામનવમીના દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મૂર્તિ અને આસપાસના વિસ્તારનું શુદ્ધિકરણ કર્યું હતું. તેનું નેતૃત્વ દરભંગા રજવાડાના ઉત્તરાધિકારી કપિલેશ્વર સિંઘે કર્યું હતું. યુવા કપિલેશ્વર સિંઘે રામનવમીને મહાન પર્વ ગણાવ્યો અને રામને પ્રેમ અને સંવાદિતાના પ્રતીક અને તેમના આદર્શ ગણાવ્યા. તેમણે કહ્યું કે રામની શાલીનતા દુર્બળતાની નહીં પરંતુ સબળતાની નિશાની છે, તેમણે અન્યાયનો વિરોધ કર્યો અને અન્યાયીનો અંત કર્યો.
કપિલેશ્વર સિંઘે કહ્યું, “1577માં આ દિવસે મારા પૂર્વજોને મિથિલા રાજ્ય પ્રાપ્ત થયું હતું. મારા દાદા કામેશ્વર સિંઘ પણ આ વંશના રાજા હતા. મારા પરદાદા રામેશ્વર સિંઘ રાજર્ષિ, વિશુદ્ધ સનાતની, ‘હિંદુ ધર્મ મહામંડળ’ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આધ્યાત્મિક પુરુષ હતા. તેમની ચિતા પર જ માધવેશ્વર સ્મશાન પરિસરમાં મા શ્યામા માઈ વિરાજે છે. તે મિથિલા અને નેપાળના ધાર્મિક અનુયાયીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીંનું તળાવ પવિત્ર નદીઓના પાણીથી ભરેલું છે. લોકોએ તેમાં બોટિંગ કરવા પર પ્રતિબંધ મૂકી તળાવની પવિત્રતા જાળવવામાં સહકાર આપવો જોઈએ.”
તેમણે જૂતા અને ચપ્પલ પહેરીને રામેશ્વર સિંઘની પ્રતિમા પર ચઢવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ હવે તેમના પિતૃ-પુરુષોની મૂર્તિઓની સુરક્ષા માટે આજુબાજુ ગ્રીલ લગાવી દેશે. દરભંગા મહારાજની પ્રતિમા સામે નૃત્યની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી અને મિથિલાની કલા પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. મા શ્યામા માઈ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગંગા-યમુના સહિત 5 પવિત્ર નદીઓના પાણીથી દરભંગા મહારાજની પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં દરભંગાની ધરોહરનું સન્માન કરવામાં આવે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.