જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. સાથે જ ગઠિયાઓ પણ લોકોને ઉલ્લુ બનાવવા સક્રિય થઈ ગયા છે. તાજા કિસ્સામાં NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) ના નામે એક આરોપીએ ડોનેશન માંગીને કૌભાંડ આચર્યું છે. આ બાબતે એનસીપીના ખજાનચી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે મોહમ્મદ આમીર નામના આરોપીની ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવેલી જાણકારી મુજબ લોકોને ટેક્સમાં લાભ આપવાના બહાને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે માટે તેણે NCPના નામથી બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. સાથે જ પૈસા આપનારને NCPના નામની ખોટી પાવતીઓ પણ આપવામાં આવતી હતી. સાથે કહેવામાં આવતુ કે 10% જેટલા પૈસા કાપીને બાકીની રકમ ડોનેટ કરનારને પરત કરી દેવામાં આવશે.
કઈ રીતે કરાયું કૌભાંડ?
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મોહમ્મદ આમીર શેખ દાણીલીમડામાં રહે છે અને 12મુ ફેઈલ છે. તે ગૂગલનો ઉયપયોગ કરીને આ પ્રકારે કૌભાંડ કરતા શીખ્યો હતો. તેણે પોતાના એક મિત્રને નોકરી આપવાના બહાને તેના નામે જ નવું બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. સાથે જ નેચરલ સીરિયલ પેકેજિંગ નામની કંપની બનાવી જેનું ટૂંકું નામ NCP જણાવીને તેની મદદથી સમગ્ર કૌભાંડને પાર પાડ્યું હતું.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી હાર્દિક માકડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે હમણાં સુધીની તપાસમાં 86 લોકો સાથે છેતરપીંડી કરાઇ હોવાનું સામે આવ્યું છે. આ લોકો પાસેથી ₹2.8 કરોડની છેતરપીંડી કરાઇ છે. પોલીસે આગળ જણાવ્યું કે આ કેસ વધુ તપાસ માટે ઈન્ક્મટેક્સ વિભાગને સોંપવામાં આવશે.
નોંધનીય છે કે આ કૌભાંડના અમુક કિસ્સા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના (NCP) ખજાનચી હેમાંગ શાહના ધ્યાને આવતા તેઓએ અમદાવાદ સાઇબર ક્રાઈમ વિભાગમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આ કાર્યવાહી થવા પામી છે.