મહારાષ્ટ્રના પુણેમાં એક કંપનીની કેન્ટીનમાં સમોસામાં કોન્ડોમ, પથ્થર અને તંબાકુ જેવી વસ્તુઓ મળી આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ મામલે 5 લોકો વિરુદ્ધ નામજોગ FIR નોંધાઈ છે. 1 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આરોપીઓના નામ રહીમ શેખ, અઝહર શેખ, મઝાર શેખ, અઝર શેખ અને વિક્કી શેખ છે. જાણવા મળી રહ્યું છે કે, કંપની દ્વારા કોન્ટ્રાક્ટ રદ્દ કરવાના ગુસ્સામાં તમામ આરોપીઓએ આવું પગલું ભર્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના પુણેના પિંપરી ચિંચવાડ વિસ્તારમાં બની હતી. અહીં ચિખલી સ્થિત એક કંપનીના અધિકારી કીર્તિકુમાર શંકરરાવ દેસાઈએ રવિવારે (7 એપ્રિલ, 2024) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચિખલી પોલીસ સ્ટેશનમાં આપેલી આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેમની કંપનીને ચિખલીની બીજી એક મોટી કંપનીમાંથી ફૂડ સપ્લાયનો ઓર્ડર મળ્યો છે. આ ક્રમમાં કીર્તિકુમારે સમોસાના સપ્લાય માટે SRS એન્ટરપ્રાઇઝ નામની કંપની સાથે કરાર કર્યો હતો.
SRS કંપનીના માલિકનું નામ રહીમ શેખ છે. કીર્તિકુમારના જણાવ્યા મુજબ, એક દિવસ SRS કંપનીમાંથી સપ્લાય કરવામાં આવતા સમોસામાંથી ઘા પર લગાવવામાં આવતી પટ્ટી મળી આવી હતી. આ ફરિયાદ મળ્યા બાદ કીર્તિકુમારની કંપનીએ રહીમ ખાનની કંપની SRS સાથેનો તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી દીધો હતો અને પુણે સ્થિત અન્ય એક કંપની મનોહર એન્ટરપ્રાઈઝને સમોસા સપ્લાય કરવાનો ઓર્ડર આપ્યો હતો. તેને લઈને SRSનો માલિક રહીમ ખાન ગુસ્સે થઈ ગયો હતો. તેણે તેના સહયોગી અઝહર શેખ અને મઝાર શેખ સાથે મળીને એક મોટું ષડયંત્ર રચ્યું હતું.
27 માર્ચ, 2024 ના રોજ, રહીમ ખાને તેના કર્મચારીઓને ઓર્ડર આપીને સમોસામાં કોન્ડોમ, ગુટખા અને પથ્થર ભરાવ્યા હતા. રહીમે આ સમોસા સવારે 7:30 થી 9 વચ્ચે પુણેમાં આવેલા ચિખલી સ્થિત એ જ કંપનીમાં વહેચાવ્યાં હતા, જ્યાં તેનો કોન્ટ્રાક્ટ પૂરો થવાનો હતો. કંપનીના સ્ટાફે આ અંગે ફરિયાદ કરતાં કીર્તિકુમારે 7 માર્ચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રહીમ શેખ, ફિરોઝ શેખ, વિક્કી શેખ, અઝર શેખ અને મઝાર શેખ વિરુદ્ધ FIR નોંધી છે.
આ તમામ સામે IPCની કલમ 328, 120-બી અને 34 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરામાં પણ સમોસાના નામે ખવડાવાતું હતું ગૌમાંસ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂનીગઢી છીપવાડામાં પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 326 કિલો ગૌમાંસ ઝડપ્યું હતું. પોલીસે જ્યાં દરોડા પાડ્યા, તે પાણીગેટમાં ‘પ્રખ્યાત’ હુસૈની સમોસાવાળાનું ઘર હતું. બાતમીના આધારે જ્યારે પોલીસે દરોડા પાડ્યા, ત્યારે ઘરમાંથી ગૌમાંસ સહિત હાઈટેક ક્રશર અને મોટું રૂમ જેવડું ડીપ ફ્રીજ પણ મળી આવ્યું હતું. વડોદરાના હુસૈની સમોસાવાળાના સમોસામાં ગૌમાંસ ઝડપાયું હતું અને તે આ સમોસા અન્ય દુકાનદારોને પણ વેચવા માટે આપતો હતો.
પોલીસે આ મામલે મહંમદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ, મહંમદ નઈમ મહંમદ યુસુફ શેખ, મહંમદ હનીફ ગની ભઠીયારા, દિલાવરખાન ઈસ્માઈલખાન પઠાણ, મોઈન મહેબૂબશા હબદાલ અને મોબીન યુસુફ શેખ એમ કૂલ 6ની ધરપકડ કરી છે. દરમિયાન પૂછપરછમાં તે પણ સામે આવ્યું હતું કે, આ ગૌમાંસનો જથ્થો તેઓ આણંદથી લાવતા હતા.