ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાએ કરેલા એક નિવેદનને લઈને ગુજરાતનો રાજપૂત સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે અને રાજકોટ બેઠક પરથી ટીકીટ રદ કરવાની માંગ થઈ રહી છે. કોઇ પણ વિવાદ ચાલતો હોય ત્યારે મીડિયામાં તેનું રિપોર્ટિંગ સામાન્ય કરતાં વધારે થાય તે સ્વાભાવિક છે, પરંતુ અમુક ઠેકાણે એવું રિપોર્ટિંગ શરૂ થઈ ગયું છે, જે બે સમુદાયો વચ્ચે તણાવ પણ પેદા કરી શકે છે. જેના કારણે નેટિઝન્સમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. તાજું ઉદાહરણ ઝી24 કલાક છે.
વાસ્તવમાં ઝી 24 કલાકે 4 એપ્રિલ 2024ના રોજ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વિવાદને લઈને એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટની હેડલાઈન આવી છે-, ‘ચૂંટણી ટાણે સળગ્યું ગુજરાત: વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ શરૂ, રાજપૂતો અને પાટીદારો સામસામે.’ (અમુક જોડણીની ભૂલો સુધારવામાં આવી છે.) અંદર લેખમાં લખવામાં આવ્યું છે કે, “રૂપાલાનો વિવાદ લોકસભાની ચૂંટણી પહેલાં 2 સમાજોને સામસામે લાવે તેવી સ્થિતિઓ પેદા કરી રહ્યો છે. ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી એ સામે હવે પાટીદારો આગળ આવ્યા છે. આગામી દિવસોમાં રાજકોટથી ફેલાયેલી આગ દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં.”
આવું લખીને પૂછ્યું- કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે?
ત્યારબાદ રિપોર્ટ આગળ જણાવે છે કે, “આ આગમાં કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે, એ સૌથી મોટો સવાલ છે.” આગળ ‘રાજકોટથી ઊઠેલી આગ દેશભરમાં ફેલાશે’ તેવા ઉપ-શીર્ષક સાથે જણાવાયું છે કે, “પાટીદારોએ સોશિયલ મીડિયા અનેક પોસ્ટ કરીને આરપારની જંગ શરૂ કરી. ત્યારે હવે પરશોત્તમ રૂપાલા સામેની ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ રૂપાલાનો વિરોધ થવાનો એંધાણ છે. રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ક્ષત્રિયોને વિરોધમાં જોડવા ચર્ચા ઉઠી છે.”
પોસ્ટમાં કોઇ પણ સોશિયલ મીડિયા પોસ્ટ ટાંકવામાં આવી નથી કે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં કોણ વિરોધમાં સામેલ થશે તેનો પણ ફોડ પાડવામાં આવ્યો નથી. આખા લેખમાં અનેક ઠેકાણે ગુજરાતના ક્ષત્રિય અને પાટીદાર સમાજોને ઉદ્દેશીને ‘ગુજરાતમાં બે કોમ સામસામે છે’ તેવા દાવા કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકોએ ઝાટકણી કાઢી
લેખ તણાવ સર્જી શકે તે પ્રકારનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર યુઝરો આ વાતોમાં ન આવ્યા અને ઉપરથી બે સમુદાયો વચ્ચે કારણ વગર વૈમનસ્ય ઊભું કરવા માટે મીડિયા સંસ્થાની ઝાટકણી કાઢી. લોકોએ કડક શબ્દોમાં જણાવ્યું કે, આખરે શા માટે ચૂંટણી સમયે મીડિયા એવા પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી સામાજિક શાંતિને નુકસાન થાય. બીજી તરફ, ઘણાએ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
ચૂંટણી ટાંણે સળગ્યું ગુજરાત : વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ શરૂ, રાજપૂતો અને પાટીદારો સામસામે#parsottamrupala #rupala #Rupala4Rajkot #Rupalacontroversy #rajput #Patidar #PatidarVsRajput #BreakingNews https://t.co/eCu0vyUkXg
— Zee 24 Kalak (@Zee24Kalak) April 4, 2024
બંને સમાજના લોકોએ ઝી 24 કલાક પર કર્યા આકરા પ્રહારો
લોકોએ કહ્યું કે, ગુજરાતને સળગાવવાનું મન મીડિયાએ જ બનાવી લીધું હોય તેમ જણાય છે અને એમ પણ પૂછ્યું કે આખરે આ કયા પ્રકારનું પત્રકારત્વ છે?
તમારા જેવા પડ્યા છે પછી પાકિસ્તાન જેવા દુશ્મન દેશ ની જરૂર શું છે, પાકિસ્તાન ની તાકાત પરમાણુ બૉમ્બ નહિ પણ તમારા જેવા કીટાણું બૉમ્બ છે, તમો લોકો એ મન બનાવીજ લીધું છે ગુજરાત ને સળગાવવાનું, ક્યાં પ્રકાર ની પત્રકારિતા કરી રહ્યા છો.
— Narendrasinh Zala 🇮🇳 (@narendrasinh_97) April 4, 2024
અન્ય એક વ્યક્તિએ ટિપ્પણી કરતાં કહ્યું કે, રાજપૂત સમાજના કોઇ વ્યક્તિએ પાટીદાર સમાજનો વિરોધ કર્યો નથી અને ઝીન્યૂઝ પાસે એવું કોઇ નિવેદન હોય તો તે જણાવવું જોઈએ. તેમણે આવા બિનજવાબદારીભર્યા પત્રકારત્વ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
zee ચોવીશ કલાક , સામે મારો મોટ્ટો વિરોધ છે, શુ હાલી નીકળ્યો છોવ ?
— DHARMRAJSINH JETHWA (@Dhambha_jayhind) April 4, 2024
એક પણ રાજપુત સમાજના વ્યક્તિ એ એવુ નથી કીધુકે અમને પાટીદાર નો વિરોધ છે, જો તમારી પાસે કોય નું એવુ સ્ટેટમેન્ટ હોય તો બતાવો ! ફક્ત અને ફક્ત રૂપાલા ભાઈ નો વિરોધ છે, તો આવી હલકી પત્રકારિતા કરવાનું રેવા દયો ૧/૨
ઘણા યુઝરોએ સ્પષ્ટ કર્યું કે, આ મુદ્દો ક્યારેય બે સમાજ વચ્ચેનો બન્યો નથી, પરંતુ તેને એવી રીતે રજૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
રેવા દયો મીડિયા વાળા હુંય પાટીદાર છું. પણ હજુ સુધી ક્યાય મને એવું નથી દેખાતું કે આમાં બે સમાજ વચ્ચે જંગ જેવું થાય. તમારા જેવા ચાલુ કરાવે તો આગળ નક્કી નહી.
— Law Sahitya – India (@SrKalpesh) April 4, 2024
આ સિવાય પણ અનેક લોકોએ ઝાટકણી કાઢી અને કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.
Bhul bhareli media
— Saurabh Patel🇮🇳 (@saurabhpatel55) April 5, 2024
Bhan ma rahejo!
Koi pn samaj ne muddo banavi bhadkavi tmey kamava na dhandha tmne nthi shobhata
રોનિત બારોટે હેડલાઈન પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, આવી હેડલાઇનો શા માટે લખવી જોઈએ, જ્યારે બે સમુદાયો સામસામે છે જ નહીં. તેમણે કહ્યું કે, 2015નું પુનરાવર્તન કરીને ગુજરાત સળગાવવાના પ્રયાસો ન કરવા જોઈએ.
શું કામ આવી હેડલાઈનો ચલાવો છો ??
— Ronit Barot (@ronit_barot) April 5, 2024
રાજપૂતો અને પાટીદારો કોઈ સામસામે નથી .
2015નું પુનરાવર્તન કરીને ગુજરાતમાં ભડકા કરવાના પ્રયાસો ન કરો.
જ્યારે જતન આચાર્યે ‘સળગ્યું’ શબ્દ પર વાંધો ઉઠાવ્યો હતો અને સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને આ પ્રકારના ઉશ્કેરણીજનક સમાચારો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી.
'સળગ્યું' ?
— Jatan Acharya (Modi Ka Parivar) (@jatanacharya) April 5, 2024
સગળ્યું તો નથી, પણ તમારો ઇરાદો સળગાવવાનો લાગે છે.
શ્રી @sanghaviharsh ને વિનંતી કે આવા ફેક અને ઉશ્કેરણીજનક સમાચારો વિરૂદ્ધ પગલા લેવા જોઈએ.