PM મોદી રાજસ્થાનના પ્રવાસ પર છે. હવે તેમણે રાજસ્થાનમાં ચૂંટણી અભિયાનના બ્યૂગલો ફૂંક્યાં છે. રાજસ્થાનમાં સ્થિત જયપુર પાસે આવેલા કોટપૂતલીમાં PM મોદીએ સભાને સંબોધિત કરી હતી. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય ભાજપના અનેક નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ મોજ કરવા માટે નથી જનમ્યા. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, તેઓ કોંગ્રેસે લગાવેલી આગને શાંત પાડી રહ્યા છે.
મંગળવારે (1 એપ્રિલ, 2024) PM મોદી રાજસ્થાનમાં આવેલા જયપુર સ્થિત કોટપૂતલી પહોંચ્યા હતા. અહીં તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરી છે. આ દરમિયાન તેમણે સંબોધનની શરૂઆત ‘રામ-રામ’થી કરી હતી. તેમણે કહ્યું કે, “આ પહેલી લોકસભા ચૂંટણી છે. જ્યારે બધા ભ્રષ્ટાચારી મળીને ભ્રષ્ટાચાર પર થઈ રહેલી કાર્યવાહીને રોકવા માટે રેલીઓ કાઢી રહ્યા છે.” તેમણે કહ્યું કે, “તેઓ કહે છે કે, મારો પરિવાર નથી. તેમનો પરિવાર છે, તો શું તેમને ભ્રષ્ટાચારનું લાયસન્સ મળી ગયું છે?”
‘ભવ્ય રામ મંદિર બન્યું, પણ આગ ના લાગી’- PM મોદી
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, “આ લોકોએ (વિપક્ષોએ) ડરાવીને રાખ્યા હતા કે, રામ મંદિરનું જો નામ પણ લેશો તો દેશ સળગી ઉઠશે. આગ લાગી જશે. આજે ભવ્ય રામ મંદિર બન્યું છે. દીપક પણ પ્રજજ્વલિત થયા છે. પરંતુ ક્યાંય પણ આગ લાગી નહોતી. આ દસ વર્ષમાં જે થયું તે તો માત્ર ટ્રેલર હતું. હજુ તો ઘણું બધુ બાકી છે. ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો કાર્યકાળ રહેવાનો છે. લોકો કહે છે કે, મોદીજી હવે ઘણું થઈ ગયું, હવે તમે આરામ કરો. પરંતુ મોદી મોજ કરવા માટે નથી જનમ્યો. મોદી મહેનત કરવા માટે જનમ્યો છે. હજુ તો દેશને ઘણો આગળ લઈને જવાનો છે. હવે તો રાજસ્થાનને પણ ઘણું આગળ લઈને જવાનું છે.”
#WATCH | Rajasthan: While addressing the Vijay Shankhnad rally in Kotputli, PM Modi says, "…'Modi mauj karne ke liye paida nahi hua'. 'Modi toh mehnat karne ke liye paida hua hai'. A lot must have happened but whatever has happened in the last ten years is just a trailer…" pic.twitter.com/BV2JGZASb6
— ANI (@ANI) April 2, 2024
આ સાથે PM મોદીએ કહ્યું કે, “ભારતની સફળતાની વચ્ચે ક્યારેય મેં એવો દાવો નથી કર્યો કે, આ 10 વર્ષમાં અમે બધુ જ કામ કરી નાખ્યું છે. પરંતુ તે પણ સત્ય છે કે, જે કામ સ્વતંત્રતા બાદ પાંચ-છ દશક સુધી નથી થયા, તે કામ અમે કરી બતાવ્યા છે. દેશને જે ગતિની જરૂર હતી. અમે એ ગતિથી કાર્ય કર્યું છે. કોંગ્રેસે માત્ર ‘ગરીબી હટાવો’નો નારો આપ્યો છે. ભાજપે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને બતાવ્યા છે. તેમણે એવી રીતે ડરાવીને રાખ્યા હતા કે, કલમ 370ને કોઈ અડકશે તો ભયંકર કરંટ લાગવાનો છે. તેને ખબર નથી કે, આ મોદી છે.”
‘તમારાં સપનાં જ મોદીનો સંકલ્પ છે’
PM મોદીએ ઉમેર્યું કે, “આ રાજસ્થાનની ધરતી છે. આ વીરોની ધરતી છે. આ વચનના પાક્કા લોકોની ધરતી છે. હું આજે આ ધરતી પર કહેવા માંગુ છું કે, તમારાં સપનાં જ મોદીનો સંકલ્પ છે.” તેમણે કહ્યું કે, “પહેલાંની સરકારોએ જેને પૂછ્યું પણ નહીં, તેને મોદીએ પૂજયા છે. કોંગ્રેસે દેશના કરોડો નાના ખેડૂતોને ક્યારેય નથી પૂછ્યું. મોદીએ રાજસ્થાનના 85 લાખથી વધુ ખેડૂતોનાં બેન્ક એકાઉન્ટમાં ‘PM કિસાન સન્માન નિધિ યોજના’ના લગભગ 20 હજાર કરોડ રૂપિયા મોકલ્યા છે.”
#WATCH | Rajasthan: Prime Minister Narendra Modi says, "…Your dream is Modi's resolve. Modi has worshipped what the previous governments did not even ask about…Modi has sent about Rs 20 thousand crores under PM Kisan Samman Nidhi Yojana to the accounts of more than 85 lakh… pic.twitter.com/ZqBC4iMpcj
— ANI (@ANI) April 2, 2024
આ સાથે તેમણે કહ્યું કે, “જનતાના દરબારમાં હારી ગયેલા I.N.D.I ગઠબંધને કેવા મનસૂબાઓ પાળી રાખ્યા છે. તેની ઝલક દેખાઈ રહી છે. કોંગ્રેસના મોટા નેતાઓ પોતે જીતશે એવી વાત પણ નથી કરી રહ્યા. પરંતુ દેશને ધમકી આપી રહ્યા છે કે, જો ભાજપ જીત્યું તો દેશમાં આગ લાગી જશે. મોદી 10 વર્ષથી બેઠો છે. તમારી લગાવેલી આગને શાંત કરી રહ્યો છે. કોંગ્રેસના લોકોએ પોતાના ભયાનક ઈરાદાઓ રજૂ કરવાના શરૂ કરી દીધા છે.” સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસ પરિવારને દેશથી મોટો માની રહી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, “હું તેમના (વિપક્ષોના) ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવું છું, એટલે જ હું તેમના નિશાના પર છું. તે મને ગાળો આપે છે.” તે સિવાય પણ વડાપ્રધાન મોદીએ અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોને આડેહાથ લીધા હતા.