દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ મામલે ધરપકડ બાદ કસ્ટડી પૂર્ણ થતાં EDએ અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા અને વધુ 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સુનાવણી દરમિયાન કોર્ટમાં કેજરીવાલે વ્યક્તિગત રીતે પણ અમુક દલીલો કરી હતી અને પોતાને ફસાવવામાં આવી રહ્યા હોવાના રાગ આલાપ્યા હતા.
આ ઘટનાક્રમ પર ગુજરાતી મીડિયા ચેનલ VTVએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે કેજરીવાલે કોર્ટમાં મોદી-શાહનાં નામ લઈને સવાલ કર્યો હતો અને જેના કારણે જજ અને ED પણ ‘ખળભળી ઊઠ્યાં’ હતાં. (અપડેટ: ઑપઇન્ડિયાના રિપોર્ટ બાદ VTVએ ટ્વિટ ડિલીટ કરીને રિપોર્ટ પણ હટાવી દીધો હતો. પરંતુ તેનું આર્કાઈવ વર્ઝન અહીંથી જોઈ શકાશે.)
કેજરીવાલે કોર્ટમાં આ બે મોટા નામ આપી દેતાં જજ-ઈડી ખળભળ્યાં? તરત ચૂપ, કોણ છે?#ArvindKejriwal #ArvindKejriwalnewshttps://t.co/WqEKzpw5sV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 28, 2024
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, કેજરીવાલે ED તરફથી હાજર વકીલને પૂછ્યું હતું કે જો તેઓ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહને 100 કરોડ આપવાનું કહે તો માત્ર તેમના નિવેદનના આધારે જ બંને નેતાઓની ધરપકડ કરશો કે કેમ? આગળ કહેવામાં આવ્યું કે, કેજરીવાલના આ સવાલ પર જજ અને EDના વકીલ ચૂપ રહ્યા હતા.
રિપોર્ટમાં એક @risingsurbhi હેન્ડલનું ટ્વિટ ક્વોટ કરવામાં આવ્યું છે, જેમાં કથિત રીતે આ સંવાદો કોર્ટરૂમમાં થયા હોવાનો દાવો કરવામાં આવ્યો. ટ્વિટ આ પ્રમાણે છે-
કોર્ટમાં અરવિંદ કેજરીવાલ: તમે મારી ધરપકડ શા માટે કરી છે?
ASG રાજુ: અમારી પાસે તમારી વિરુદ્ધ નિવેદનો છે.
કેજરીવાલ: તો હું કહું કે મેં મોદી અને અમિત શાહને 100 કરોડ આપ્યા છે તો તમે માત્ર મારા નિવેદનના આધારે બંનેની ધરપકડ કરશો?
જજ અને ASG બંને ચૂપ થઈ ગયા.
આ સિવાય ‘વાઇબ્સ ઑફ ઇન્ડિયા’ પોર્ટલના ટ્વિટર હેન્ડલ પરથી પણ આવી જ પોસ્ટ કરવામાં આવી. જેમાં AAP આઈટી સેલ જે લખાણ અંગ્રેજીમાં ફેરવી રહ્યું છે, તેનું ગુજરાતી કરી નાખવામાં આવ્યું અને આ સંવાદ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો.
અપડેટ: ઑપઇન્ડિયાના રિપોર્ટ બાદ વાઈબ્સ ઑફ ઇન્ડિયાએ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. પરંતુ અહીંથી તેનું આર્કાઇવ વર્ઝન જોઈ શકાશે.
હકીકત શું છે?
વાસ્તવમાં આ ટ્વિટ અને રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા સદંતર ખોટા છે અને કોર્ટરૂમમાં આવું કશું જ થયું નથી. જે પત્રકારો સુનાવણી સમયે હાજર હતા તેમણે પણ તેનું ખંડન કર્યું છે. ‘ધ ન્યૂ ઇન્ડિયન’ના સિનિયર આસિસ્ટન્ટ એડિટર અતુલ ક્રિશને એક AAP સમર્થક અકાઉન્ટે કરેલા આવા જ ટ્વિટને ક્વોટ કરીને લખ્યું કે, ‘હું કોર્ટરૂમમાં હાજર છું. આવું કશું જ બન્યું નથી.’
I am in the Courtroom, nothing happened like this https://t.co/iuceVp4Hjt
— Atulkrishan (@iAtulKrishan1) March 28, 2024
અન્ય એક પત્રકાર પણ કોર્ટરૂમમાં હાજર હતા. તેમણે પણ પુષ્ટિ કરી કે ત્યાં આવું કશું જ બન્યું નથી.
I was in court and this never happened https://t.co/O6zescvcSE
— Thyagarajan Narendran (@thyagarajan_law) March 28, 2024
આ સિવાય કોર્ટરૂમમાં ચાલતી કાર્યવાહીની પળેપળની માહિતી આપતી મીડિયા સંસ્થાઓ ‘લાઇવ લૉ’, ’બાર એન્ડ બેન્ચ’ અને ‘લૉ બીટ’ના કવરેજમાં પણ કેજરીવાલના મોઢે આ શબ્દો બોલાયા હોવાનો અને પછી કોઇ પ્રતિક્રિયા મળી હોવાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ મીડિયા સંસ્થાઓએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારથી લઈને 4 દિવસની કસ્ટડીનો આદેશ પસાર કરવામાં આવ્યો ત્યાં સુધીની તમામ કાર્યવાહીનું રિપોર્ટિંગ કર્યું છે. પરંતુ એકમાં પણ આ પ્રકારનો કોઇ સંવાદ થયો હોવાનું જણાવવામાં આવ્યું નથી.
કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે કેજરીવાલના વકીલે જજને કહ્યું હતું કે તેઓ (કેજરીવાલ) વ્યક્તિગત રીતે કોર્ટને કશુંક કહેવા માંગે છે. ત્યારબાદ તેમણે કોર્ટમાં બોલવાનું શરૂ કર્યું હતું. જેમાંથી એક-એક વાક્યનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. કેજરીવાલે કહ્યું કે, કોઇ કોર્ટે મને દોષી ઠેરવ્યો નથી કે ન મારી વિરુદ્ધ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. છતાં મારી ધરપકડ કરવામાં આવી છે. આગળ પોતાને ફસાવવામાં આવી રહ્યા હોવાના દાવા કર્યા.
Court reserves order. Order will be passed in some time. #ArvindKejriwal #ED
— Live Law (@LiveLawIndia) March 28, 2024
કેજરીવાલે અન્ય આરોપીઓનાં નિવેદનોનો હવાલો આપીને કહ્યું કે, એક નિવેદન માત્રથી સિટિંગ સીએમની ધરપકડ કરવી જોઈએ નહીં. કેજરીવાલે આ દરમિયાન એવા પણ દાવા કર્યા કે EDની તપાસ બાદ અસલી શરાબ ગોટાળો શરૂ થયો હતો અને એજન્સીનો એકમાત્ર ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. તેમણે આ દરમિયાન ભાજપ પર આરોપ લગાવ્યા હતા, પરંતુ જે પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યો છે, તે અનુસાર ક્યાંય મોદી-શાહનું નામ લઈને કોઇ વાત કરવામાં આવી નથી.
અહીં દાવો એવો પણ છે કે કેજરીવાલ અને EDના વકીલ વચ્ચે આ વાતચીત થઈ હતી. પરંતુ કોર્ટમાં કાર્યવાહી આવી રીતે સામસામે વાતચીત કરીને ચાલતી હોતી નથી અને તમામે જજને સંબોધવા પડે છે. કોર્ટમાં કેજરીવાલ અને EDના વકીલ ASG એસવી રાજુ વચ્ચે વાતચીત માત્ર એક જ વાક્યમાં થઈ હતી, જ્યારે ASGએ કેજરીવાલના બોલવા પર વાંધો ઉઠાવ્યો હતો અને કેજરીવાલે તેમને અટકાવીને કહ્યું હતું કે, તેઓ તેમને બોલવા દે. બાકીની કોઇ વાતચીત બંને વચ્ચે થઈ નથી.
Raju objects.
— Live Law (@LiveLawIndia) March 28, 2024
Kejriwal: Raju sahab Mai aapse aashirwad chahta hu. Please mujhe bolne dein.#ArvindKejriwal #ED
વાયરલ થઈ રહેલાં ટ્વીટ આમ આદમી પાર્ટી IT સેલ દ્વારા ફેરવવામાં આવી રહ્યાં છે, જેનો કોઇ આધાર નથી. IT સેલ અને સમર્થકો તો ઠીક, પણ હવે ગુજરાતી મીડિયામાં પણ અમુકે ખરાઈ કર્યા વગર છાપકામ શરૂ કરી દીધું છે.