વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને શાહી પરિવારના ‘રાજમાતા’ અમૃતા રૉય સાથે ટેલિફોનિક વાત કરી હતી. વાતચીત દરમિયાન PM મોદીએ ભાજપ ઉમેદવારને લોકસભા ચૂંટણીની તૈયારીઓ વિશે પણ પૂછ્યું હતું. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, EDએ પશ્ચિમ બંગાળમાંથી જપ્ત કરેલું નાણું પરત રાજ્યના લોકોને જ મળે તે માટે કાયદાકીય વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું હતું કે, એક તરફ ભાજપ દેશમાંથી ભ્રષ્ટાચારને ખતમ કરવા પ્રતિબદ્ધ છે તો બીજી તરફ બધા ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવા માટે ભેગા થયા છે.
PM મોદીએ રાજમાતા અમૃતા રૉય સાથે બુધવારે (27 માર્ચ, 2024) ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે અમૃતા રૉયને કહ્યું કે, “તમારે મહારાજ કૃષ્ણ ચંદ્ર રૉયના વારસાને આગળ વધારવાનો છે.” ઉપરાંત તેમણે કહ્યું કે, “હું કાયદાકીય વિકલ્પ શોધી રહ્યો છું. બંગાળમાં EDએ લગભગ ₹3 હજાર કરોડ જપ્ત કર્યા છે. આ નાણું ગરીબોનું છે. કોઈએ શિક્ષક બનવા માટે પૈસા આપ્યા, કોઈએ ક્લાર્ક બનવા માટે પૈસા આપ્યા. મારી ઈચ્છા એ છે કે, નવી સરકાર બનતાં જ, જે નિયમ બનાવવા પડશે એ બનાવીશું અને ગરીબોને તે નાણું પરત કરીશું.”
In a phone call with 'Rajmata' Amrita Roy (BJP candidate from Krishanagar, West Bengal), PM Modi said that he is exploring legal options to ensure that the money looted from the poor in West Bengal goes back to them through whatever assets and money ED has attached from the… pic.twitter.com/F0oBQMlKWJ
— ANI (@ANI) March 27, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “આ ₹3 હજાર કરોડ ગરીબોના છે. જેમણે આ પૈસા લાંચમાં આપ્યા હતા. હું તેમને જ આ પૈસા પરત કરવા માંગુ છું. તમે લોકોને પણ આ વિશે વાત કરજો કે, મોદીજીએ કહ્યું છે કે, EDએ પશ્ચિમ બંગાળમાંથી તે ₹3 હજાર કરોડ નાણું જપ્ત કર્યું છે, તે ગરીબોને પરત કરવામાં આવશે.મોદીજી આ માટે કોઈને કોઈ વિકલ્પ શોધી જ લેશે.” આ ઉપરાંત લોકસભા બેઠક અને સ્થાનિક રાજકારણ વિશે પણ વડાપ્રધાન મોદીએ માહિતી મેળવી હતી. આ સાથે તેમણે અમૃતા રૉયને વિજય થવાની શુભકામનાઓ પણ આપી છે.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક ખૂબ જ સંવેદનશીલ છે. આ બેઠક પરથી TMC નેતા મહુઆ મોઈત્રા ઉમેદવાર છે. જેમના પર પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે. હાલ ED અને CBI કેસની તપાસ કરી રહી છે. ભાજપે તેમની વિરુદ્ધ ‘રાજમાતા’ અમૃતા રૉયને મેદાનમાં ઉતાર્યાં છે. આ માટે તેમણે તૈયારીઓ પણ તેજ કરી દીધી છે.