બાંગ્લાદેશના દિનાજપુરમાં એક પ્રાચીન હિંદુ મંદિરની જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનો મામલો સામે આવ્યો છે. આ કબજો ઇસ્લામિક જૂથો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મંદિર પરિસરની જમીન પર મસ્જિદ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આ ગેરકાયદે બાંધકામનું ઉદ્ઘાટન બાંગ્લાદેશના મુસ્લિમ સાંસદે કર્યું છે. સ્થાનિક હિંદુ ભક્તોએ તેને મંદિર પર કબજો કરવાનો પ્રયાસ ગણાવીને વિરોધ શરૂ કર્યો છે. બાંગ્લાદેશના લઘુમતી જૂથોએ સર્વસંમતિથી વડાપ્રધાન શેખ હસીનાને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો બાંગ્લાદેશના દિનાજપુરનો છે. હિંદુઓનું ઐતિહાસિક કાંતાજ્યૂ મંદિર અહીં કહરુલ તાલુકામાં સ્થિત છે. અહીંના રહેવાસી રંજીત કુમારે જણાવ્યું છે કે, હિંદુ મંદિરની કુલ જમીન 62.46 એકર છે. આ જમીન વિવિધ સરકારી રેકર્ડમાં પણ નોંધાયેલી છે. આરોપ છે કે, હવે મંદિરની એ જ જમીન પર મસ્જિદનું ગેરકાયદે બાંધકામ શરૂ થઈ ગયું છે. કેટલાક સ્થાનિક મુસ્લિમો જ આ મસ્જિદ બનાવી રહ્યા છે. આ મસ્જિદનું ઉદ્ઘાટન દિનાજપુર 1 સંસદીય ક્ષેત્રના સાંસદ મોહમ્મદ ઝકરિયા ઝાકા દ્વારા કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશની હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી એકતા કાઉન્સિલે મંદિરની જમીન પરના આ ગેરકાયદેસર કબજા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સર્વસંમતિથી આ સ્થળને પુરાતત્વીય અને ઐતિહાસિક સ્થળ તરીકે ગણાવ્યું. સાંસદ મોહમ્મદ ઝકરિયા ઉપરાંત વિરોધ કરી રહેલા લઘુમતીઓએ વિસ્તારના ડેપ્યુટી કમિશનર શકીલ અહેમદ પર પણ કબજાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ તમામે આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે બાંગ્લાદેશની છબી ખરાબ કરવા અને દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું કૃત્ય ગણાવ્યું છે.
After Chandranath Temple,this time Kantajew Temple has been occupied by Islamists. Muslims started building mosques by occupying the site of Kantajew Temple .Awami League leader inaugurated the mosque. We are seeking help from the Govt of India.@ihcdhaka#SaveKantajewTemple pic.twitter.com/kNcnvAOe9V
— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VoiceofHindu71) March 23, 2024
બાંગ્લાદેશમાં લઘુમતી સંગઠને વડાપ્રધાન શેખ હસીનાને પત્ર લખીને આ ગેરકાયદે બાંધકામને રોકવાની માંગ કરી છે. હિંદુ સંગઠનો દ્વારા વહીવટી સ્તરે કરવામાં આવેલા પ્રયાસો બાદ હાલ બાંધકામનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. જોકે, બાંધકામનો વિરોધ કરી રહેલા રતનસિંહે આક્ષેપ કર્યો છે કે, હજુ પણ રાત્રીના સમયે છુપી રીતે ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, કાંતાજ્યૂ મંદિર બાંગ્લાદેશના હિંદુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ મંદિર સેંકડો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આ સાથે જ સ્થાનિક હિંદુઓની લાગણી પણ આ મંદિર સાથે ગાઢ રીતે જોડાયેલી છે.