દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ બાદ એજન્સી EDએ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. આ દરમિયાન એજન્સીએ કોર્ટ સમક્ષ અમુક ઘટસ્ફોટ કર્યા. એજન્સીએ કહ્યું કે, કેજરીવાલ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે અને તેમની દેખરેખ હેઠળ જ બધું થયું હતું. EDએ કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી.
ED તરફથી કોર્ટમાં દલીલ કરતાં ASGએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. તેઓ પોલિસીના અમલીકરણમાં સીધી રીતે સામેલ હતા અને સાઉથ ગ્રૂપ સાથે પણ સાંઠગાંઠ હતી. તેમણે આ કેસના અન્ય એક આરોપી વિજય નાયરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તે આમ આદમી પાર્ટીનો મીડિયા ઈન્ચાર્જ હતો અને સાઉથ ગ્રુપ અને AAP વચ્ચે વચેટિયા (મિડલ મેન)ની ભૂમિકા ભજવી હતી. તેનું ઘર કેજરીવાલના ઘર પાસે જ આવેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
Raju: Please look at the role of Kejriwal.
— Live Law (@LiveLawIndia) March 22, 2024
Arvind Kejriwal is the Kingpin of Delhi excise scam. He is directly involved in the implementation of the policy and giving favour to the South group,Raju reads.
He is involved in the use of proceeds of crime, he reads further.…
એજન્સીએ કહ્યું કે, સાઉથ ગ્રુપને લાભ પહોંચાડવા માટે કેજરીવાલે પૈસા માગ્યા હતા. આ જ કેસમાં સરકારી ગવાહ બની ગયેલા શરત રેડ્ડીના નિવેદનને ટાંકીને એજન્સીના વકીલે જણાવ્યું કે ‘સાઉથ ગ્રૂપ’ પાસેથી મળેલી રકમમાંથી ₹45 કરોડ રૂપિયા 2021-22માં યોજાયેલી ગોવાની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે વાપરવામાં આવ્યા હતા. આ પૈસા કુલ 4 ઠેકાણેથી આવ્યા હોવાનું ખુલ્યું હતું.
EDએ કોર્ટમાં કેજરીવાલને વારંવાર પાઠવવામાં આવેલાં સમન્સનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે તેમણે જાણીજોઈને તેની અવગણના કરી હતી. નોંધવું જોઈએ કે એજન્સી નવેમ્બરથી માર્ચ સુધીમાં કેજરીવાલને 9 વખત સમન્સ પાઠવી ચૂકી હતી. સાથે અગત્યનો ઘટસ્ફોટ કરતાં એમ પણ જણાવવામાં આવ્યું કે ધરપકડ પહેલાં તેમના ઘરે સર્ચ ઑપરશન હાથ ધરવામાં આવ્યું ત્યારે પણ તેમણે સહકાર આપ્યો ન હતો અને તથ્યો વિશે જાણકારી આપી ન હતી.
Raju: I'm not going into details. I'm just giving brief facts.
— Live Law (@LiveLawIndia) March 22, 2024
Proceeds of crime of about Rs. 45 crores received from the South group were used by Aam Aadmi Party in the Goa campaign in 2021-22, Raju says.
EDએ કહ્યું કે, કેજરીવાલે તપાસમાં કોઇ પ્રકારનો સહયોગ આપ્યો નથી અને અમે તેમની પૂછપરછ કરીને માહિતી મેળવવા માંગીએ છીએ. એજન્સીએ કોર્ટ સમક્ષ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ગુરુવારે (21 માર્ચ) કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં તેઓ હાજર ન થતાં એજન્સી ઘરે પહોંચી ગઈ હતી અને ધરપકડ કરી લીધી હતી.