લગભગ સવા બે વર્ષ અગાઉ વડોદરાની સગીરાને કમાટીબાગમાં લઇ જઈ આબરૂ લૂંટનાર તૌહિદ ઉર્ફ કાસિફ મોહંમદસમીમ રંગરેજને સ્થાનીય કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. તે સમયે પીડિત વિદ્યાર્થીની માત્ર 13 વર્ષની હતી અને કોરોનાના કારણે મોબાઈલમાં ઓનલાઈન ભણતી હતી. આ દરમિયાન તૌહિદે બાળકી સાથે ભણતી અન્ય મુસ્લિમ સગીરા દ્વારા તેનો નંબર મેળવીને તેને ફસાવી હતી અને પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
મળતી માહિતી અનુસાર ભોગ બનેલી બાળકી સાવલીની રહેવાસી છે. તૌહિદે લગભગ દોઢ વર્ષ સુધી તેની સાથે ફોનમાં વાત કરીને ફસાવી હતી. તૌહિદ મૂળ ઉત્તર પ્રદેશનો છે અને મુંબઈમાં રહેતો હતો. પોતાનું હિત-અહિત સમજવા અક્ષમ સગીર વયની બાળકી સાથે સંપર્ક કર્યા બાદ તૌહિદ છેક મુંબઈથી તેને મળવા વડોદરા આવી પહોંચ્યો હતો. વડોદરા આવ્યા બાદ તે બાળકીને લઈને કમાટીબાગ લઈ ગયો હતો. કમાટીબાગના અવાવરું ભાગમાં લઇ જઈ તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો અને બાદમાં તેને પરત સાવલી ઉતારીને મુંબઈ ભાગી છુટ્યો હતો.
બાળકી સાથે જ ભણતી મુસ્લિમ સગીરાએ આપ્યો હતો પીડિતાનો નંબર
ઉલ્લેખનીય છે કે પીડિત બાળકી પહેલા જરોદની એક શાળામાં અભ્યાસ કરતી હતી. પરંતુ કોઈ કારણોસર તેને સાવલીની શાળામાં એડમીશન અપાવ્યું હતું. તે સમયે કોરોનાને લઈને શાળાઓમાં શૈક્ષણિક કાર્યો બંધ હતા અને બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવતા હતા. આ કારણોસર બાળકીના વાલીએ પણ તેને મોબાઈલ ફોન અપાવ્યો હતો. તેવામાં એક દિવસ તેના ફોનમાં અજાણ્યા નંબર પરથી કોલ આવતા બાળકીએ ફોન ઉપાડતા સામે છેડેથી પોતે કાસિફ બોલતો હોવાનું જણાવ્યું હતું. જોકે બાળકી તેને ઓળખતી ન હોવાથી તેણે નંબર ક્યાંથી મળ્યો તેમ પૂછ્યું હતું. આ દરમિયાન તૌહિદે કહ્યું હતું કે, “તારી સાથે જે મુસ્લિમ વિદ્યાર્થીની ભણે છે તેણે મને તારો નંબર આપ્યો.” જે પછીથી બાળકીને ભરોસામાં લઇ આરોપીએ વાતચીત ચાલુ કરી હતી.
ત્યાર બાદ તૌહિદ સતત બાળકીના સંપર્કમાં હતો. તેવામાં એક દિવસ તે બાળકીને મળવા આવી પહોંચ્યો અને તેના ઘર નજીકના વિસ્તારમાં તેને મળવા બોલાવી હતી. આ દરમિયાને તેણે બાળકી સાથે મીઠી-મીઠી વાતો કરી અને તેને ભરોસામાં લઈને ફરી મળવાનું નક્કી કર્યું. ત્યાર પછી તે 3 ડિસેમ્બર 2021ના રોજ તૌહિદ ફરી વડોદરા આવ્યો અને તેણે બાળકીને સાવલી ચોકડી મળવા બોલાવી હતી. આ દરમિયાન બાળકીની શાળામાં શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું હતું અને તે શાળાએ જવાને બદલે આરોપીને મળવા પહોંચી હતી. બાળકી જેવી ત્યાં પહોંચી તૌહિદે ઇકો ગાડીમાં તેને ઉઠાવી અને કમાટીબાગ લઈ ગયો હતો. કમાટીબાગ ગયા બાદ તે થોડી વાર બાળકી સાથે બેઠો અને બાદમાં અવાવરુ જગ્યાએ લઈ જઈ બાળકી પર પાશવી બળાત્કાર ગુજાર્યો.
પોલીસે મુંબઈથી ઉઠાવ્યો હતો તૌહિદને
આ આખી ઘટના બાદ તૌહિદ બાળકીને ઘરે મુકીને ભાગી છૂટ્યો હતો. બીજી તરફ સગીરા સમયસર શાળાએ કે શાળાથી ઘરે ન પહોંચતા પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો. તૌહિદ જેવો બાળકીને સાવલી ઉતારી ભાગ્યો, કે બાળકીએ ઘરે જઈને આ વિશે તેના માતાપિતાને જાણ કરી. બાળકીની વાત સાંભળીને પરિવાર તેને લઇ સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જે બાદ વડોદરાની સાવલી પોલીસે તૌહિદ વિરુદ્ધ પોક્સો તેમજ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી હતી.
FIR બાદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે તૌહિદ મૂળ ઉત્તર પ્રદેશનો છે અને મુંબઈના જૂહુ ગલી અંધેરી વેસ્ટમાં રહે છે. પોલીસે એક ટીમ બનાવીને ઉપરોક્ત સરનામે તપાસ કરતા તૌહિદ ઉર્ફ કાસિફ મોહંમદસમીમ રંગરેજ મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
પોક્સો જજે ફટકારી 20 વર્ષની સજા, આર્થિક દંડ પણ કર્યો
આ મામલે આરોપી વિરુદ્ધ સાવલીની પોક્સો સ્પેશીયલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. તેવામાં સરકારી વકિલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને પૂરાવાઓને ધ્યાને રાખી પોક્સો સ્પેશ્યિલ જજ એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જસ્ટીસ જે.એ. ઠક્કરે તૌહિદને અલગ-અલગ કલમો હેઠળ આકરી સજા ફટકારી હતી. તૌહિદને બળાત્કારના ગુનાસર 20 વર્ષની સખળ કેદની સજા આપવામાં આવી છે. સાથે જ 50 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ ન્યાયાલયે પીડિત બાળકીને 4 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.