Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણઅરવિંદ કેજરીવાલને અન્ય કેસમાં EDનું વધુ એક સમન્સ: દિલ્હી જલ બોર્ડ સાથે...

    અરવિંદ કેજરીવાલને અન્ય કેસમાં EDનું વધુ એક સમન્સ: દિલ્હી જલ બોર્ડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં હાજર રહેવા નિર્દેશ, એજન્સી કરી રહી છે તપાસ

    પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ AAP સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નોંધાયેલો આ બીજો કેસ છે. આ પહેલાં દિલ્હીના એક્સાઈઝ પોલિસીના કેસમાં તેમની સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધાયેલો છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે ED તેમને ઘણા સમયથી સમન્સ મોકલી રહી છે. તાજેતરમાં જ EDએ તેમને 9મુ સમન્સ મોકલ્યું છે. જ્યારે હવે એક નવા જ કેસમાં ફરી EDએ કેજરીવાલને સમન્સ ફટકાર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હી જલ બોર્ડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આ સમન્સ મોકલવામાં આવ્યું છે. એજન્સીએ કેજરીવાલને આ મામલે 18 માર્ચના રોજ હાજર રહેવા માટે કહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, ED દ્વારા નવા કેસ મામલે મોકલવામાં આવેલું સમન્સ, કેજરીવાલની ધરપકડ માટેનો બેકઅપ પ્લાન છે.

    દિલ્હી જલ બોર્ડ મામલે કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ તેમને 18 માર્ચે પૂછપરછ માટે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નોંધાયેલો આ બીજો કેસ છે. આ પહેલાં દિલ્હીના એક્સાઈઝ પોલિસીના કેસમાં તેમની સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધાયેલો છે.

    તે પહેલાં એજન્સીએ અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ નીતિ કૌભાંડ મામલે પણ પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. તાજેતરમાં જ EDએ તેમને 9મુ સમન્સ મોકલ્યું છે. પરંતુ કેજરીવાલ એકપણ વાર એજન્સી સમક્ષ હાજર થયા નથી. જ્યારે, આમ આદમી પાર્ટી તો કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહી છે કે, તે એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.

    - Advertisement -

    નોંધવું જોઈએ કે, દિલ્હી જલ બોર્ડ સાથે સંબંધિત કેસમાં ફેબ્રુઆરી મહિનામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમાર, આમ આદમી પાર્ટીના ખજાનચી અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તા અને કેટલાક અન્ય લોકોના ઠેકાણાં પર દરોડા પાડયા હતા. દિલ્હી જલ બોર્ડના સભ્યો શલભ કુમારના ઠેકાણાં પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીએ બોર્ડના ચીફ એન્જિનિયર જગદીશ અરોરા અને અનિલ કુમારની ધરપકડ પણ કરી હતી.

    ₹38 કરોડથી પણ વધુ રકમનો કેસ

    દિલ્હી જલ બોર્ડ સાથે સંબંધિત કેસની ED તપાસ CBIની FIR પર આધારિત છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જગદીશ અરોરાએ એક NKG ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને ₹38 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે ટેકનિકલ તેના માટે નહોતો. EDનો દાવો છે કે, NKG ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે નકલી દસ્તાવેજો સબમિટ કરીને આ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. ED આ સમગ્ર મામલે તપાસ કરી છે.

    જલ બોર્ડના અધિકારીઓ EDના રડાર પર છે. આ કોન્ટ્રાક્ટ 3 વર્ષ માટે આપવામાં આવ્યો હતો, જે બાદમાં સમયાંતરે લંબાવવામાં આવ્યો હતો. તેમ છતાં કંપની દ્વારા જલ બોર્ડને ચૂકવણી કરવામાં આવતી ન હોવા છતાં આ તમામ બાબતોની અવગણના કરવામાં આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, નોટબંધી દરમિયાન લગભગ ₹10 કરોડ 40 લાખની ચુકવણી એક સાથે કરવામાં આવી હતી, પરંતુ તે પણ જલ બોર્ડ સુધી પહોંચી ન હતી.

    આ કિસ્સામાં, જલ બોર્ડને લગભગ ₹14 કરોડ 41 લાખનું નુકસાન થયું છે અને આ નાણાં હજુ પણ કંપની પાસે બાકી છે. જ્યારે EDએ દરોડા પાડ્યા હતા, ત્યારે ED દ્વારા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, રોકડ અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય જગદીશ કુમાર અરોરાની ઘણી બેનામી પ્રોપર્ટી વિશે પણ માહિતી મળી હતી, જેને તે પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી ચલાવતો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં