કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે. જે અનુસાર આ વખતે ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ, જ્યારે અંતિમ તબક્કો 1 જૂનના દિવસે યોજાશે. પરિણામો 4 જૂનના રોજ ઘોષિત કરવામાં આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7મેના રોજ ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે.
શનિવારે (16 માર્ચ) ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ યોજીને ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જેની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે. મતગણતરી 4 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી, ગુજરાતમાં 5 બેઠકો પર ચૂંટણી
SCHEDULE OF Bye Elections in 26 ACs along with #GE2024.
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
Details 👇#ECI #Elections2024 #ElectionSchedule #MCC pic.twitter.com/G05xPXZpO9
કુલ 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની પણ 5 બેઠકો સામેલ છે. ગુજરાતમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય બિહાર, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુમાં પણ જ્યાં-જ્યાં વિધાનસભા બેઠકો ખાલી હશે ત્યાં ચૂંટણી યોજાશે.
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ જાહેર
આ સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં અરુણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલના રોજ મતદાન થશે. આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી થશે. જ્યારે ઓડિશામાં 2 તબક્કામાં ચૂંટણી થઈ રહી છે. પહેલા તબક્કાનું મતદાન 13 મે અને બીજાનું 20 મેના રોજ યોજાશે. તમામની મતગણતરી 4 જૂનના રોજ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પરિણામો ઘોષિત થશે.
કુલ 96.8 કરોડ મતદારો, 1.8 કરોડ મતદારો પહેલી વખત મતદાન કરશે
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ચૂંટણીમાં કુલ 96.8 કરોડ મતદારો મતદાન કરશે. મતદારોમાં પુરુષો 49.7 કરોડ, જ્યારે મહિલાઓની સંખ્યા 47.1 કરોડ જેટલી છે. 12 રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતાં વધુ છે. કુલ મતદારો પૈકી 1.82 કરોડ મતદારો પહેલી વખત મતદાન કરશે. 20થી 29 વર્ષની વયજૂથમાં હોય તેવા મતદારોની સંખ્યા 19.74 કરોડ જેટલી છે. 85થી વધુ ઉંમરના કુલ 82 લાખ વૃદ્ધો આ ચૂંટણીમાં મતદાન કરશે. 85+ ઉંમર ધરાવતા વ્યક્તિઓ ઇચ્છે તો ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેમ પણ ચૂંટણી પંચે જણાવ્યું છે. આ વ્યવસ્થા ભૂતકાળમાં અમુક રાજ્યોમાં લાગુ કરવામાં આવી ચૂકી છે, પરંતુ દેશભરમાં એકસાથે પહેલી વખત લાગુ કરવામાં આવશે.
Delhi: Chief Election Commissioner Rajiv Kumar says, "We have a total of 96.8 crore electors." pic.twitter.com/bORb5L2uce
— ANI (@ANI) March 16, 2024
ચૂંટણી માટે દેશભરમાં સાડા દસ લાખ મતદાન કેન્દ્રો ઊભાં કરવામાં આવશે. મતદાન માટે કુલ 55 લાખ ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે કુલ 1.5 કરોડ પોલિંગ અધિકારીઓ-સુરક્ષાકર્મીઓ મળીને આ ચૂંટણી સંપન્ન કરાવશે. સમગ્ર પ્રક્રિયામાં 4 લાખ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.