કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, તે દર વર્ષે 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ ઉજવશે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારનું કહેવું છે કે, આ માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, જે હવે પૂરી થઈ રહી છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા મળ્યા પછી પણ હૈદરાબાદ 13 મહિના સુધી મુક્ત થયું ન હતું અને તે નિઝામના શાસન હેઠળ હતું. ‘ઓપરેશન પોલો’ નામની પોલીસ કાર્યવાહી બાદ 17 સપ્ટેમ્બર, 1948ના રોજ આ વિસ્તારને નિઝામના શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.”
Government of India has decided to celebrate 17th September every year as “Hyderabad Liberation Day”. pic.twitter.com/RfdnGG9frM
— ANI (@ANI) March 13, 2024
ગૃહ મંત્રાલયે કહ્યું કે, હૈદરાબાદની નિઝામશાહી હેઠળના વિસ્તારોના લોકો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે, દર વર્ષે આ દિવસને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે. આ માંગને સ્વીકારીને સરકારે 17 સપ્ટેમ્બરને ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આનાથી યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજજ્વલિત થશે અને આ ક્ષેત્રને સ્વતંત્ર કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓનું તે સન્માન હશે.
મંગળવારે (12 માર્ચ, 2024), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના સિકંદરાબાદમાં આયોજિત રેલીમાં લોકોને પૂછ્યું હતું કે, શું આપણે 17 સપ્ટેમ્બરે હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવવો જોઈએ. આ અંગે જનતાએ તેમને સમર્થન આપ્યું હતું. ત્યારે જ સરકારે આ વાતને માની લીધી હતી.
હૈદરાબાદનો નિઝામ અને સરદાર પટેલની મક્કમતા
ઉલ્લેખનીય છે કે, દેશની સ્વતંત્રતા બાદ હૈદરાબાદના નિઝામે ભારતમાં વિલીનીકરણ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હૈદરાબાદનો નિઝામ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને પાકિસ્તાન સાથે વિલીનીકરણની ધમકી આપતો હતો. આ પછી ‘ઓપરેશન પોલો’ દ્વારા હૈદરાબાદને મુક્ત કરવામાં આવ્યું હતું.
નિઝામે નેહરુ સરકારને ભારતમાં વિલીનીકરણ અંગે ઘણી હેરાનગતિ કરી હતી. નિઝામે જાહેરાત કરી હતી કે, સ્વતંત્રતા પછી તે બ્રિટિશ કોમનવેલ્થના સભ્ય બનીને અલગ રાજ્યનું સાર્વભૌમત્વ જાળવી રાખવા માંગે છે. તેનો કમાન્ડર કાસિમ રઝવી હતો, જે ઇત્તિહાદ-એ-મુસ્લિમીન (હવે AIMIM તરીકે ઓળખાય છે)નો પ્રમુખ હતો. તેણે ધમકી આપી હતી કે, જો ભારત સરકાર હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો તેને 1.5 કરોડ હિંદુઓના અસ્થિ અને રાખ મળશે.
તેના પર સરદાર પટેલે કહ્યું હતું કે, જો આવું હશે તો તે નિઝામ અને તેના આખા પરિવારના મૂળને નષ્ટ કરી દેશે. સરદારે કહ્યું કે, હૈદરાબાદને અન્ય રાજ્યોની જેમ જ વિલિન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા સેનાનીઓના લોહી અને પરસેવાથી બનેલા ભારતને એક દાગને કારણે બરબાદ થવા દેવામાં નહીં આવે.
ભારતના લશ્કરી હસ્તક્ષેપ પહેલા નિઝામની સેનાએ હિંદુઓ પર ઘણા અત્યાચારો કર્યા હતા, મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યા હતા. બ્રાહ્મણો માર્યા ગયા. આ તમામ અત્યાચારોને લોકો સમક્ષ લાવવા માટે એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. તેનું નામ જ ‘રઝાકાર’ રાખવામાં આવ્યું છે .