કચ્છ જિલ્લામાં હાલ સરકારી જમીન પરથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ખાસ કરીને કચ્છના અબડાસામાં આ કાર્યવાહી ખૂબ ઝડપથી કરવામાં આવી છે. થોડા સમય પહેલાં કચ્છના કાળા ડુંગર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જ્યારે હવે કચ્છના અબડાસામાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારે સુરક્ષા વચ્ચે તંત્ર દ્વારા અબડાસામાં સ્થિત ભંગોરી વાઢમાં આવેલી બે ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા આ કાર્યવાહી સોમવારે (11 માર્ચ, 2024) સાંજે કરવામાં આવી હતી. અબડાસામાં સ્થિત બે ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ સાથે 2 પાણીના ટાંકા પણ તોડી પાડવામાં આવ્યા હતા. સરકારે આ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી તેજ કરી દીધી છે. નોંધનીય છે કે, બુલડોઝર કાર્યવાહી પહેલાં દરગાહની સારસંભાળ રાખતા વ્યક્તિઓને નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં દરગાહ ન હટાવાતાં આખરે સ્થાનિક તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે.
સઘન સુરક્ષા વચ્ચે થઈ કાર્યવાહી
કચ્છના અબડાસામાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સઘન સુરક્ષા સાથે કરવામાં આવી હતી. SDM કે.જે વાઘેલા, મામલતદાર મહેશ કતિરા, Dy.SP બી.બી ભગોરા, સર્કલ ઓફિસર વિનોદ ચૌધરી, CPI ડી. આર ચૌધરી, વાયોર PSI આઈ.આર ગોહિલ, PSI એમ.બી ચાવડા, કોઠારા PSI જે.જે રાણા, નિરોણા PSI હરદીપસિંહ પરમાર સહિતના અધિકારીઓ આ કાર્યવાહી દરમિયાન હાજર હતા.
આ ઉપરાંત અબડાસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. સાથે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમને પણ રાખવામાં આવી હતી. આ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ હવે અલગ-અલગ વિસ્તારોમાં આ રીતે જ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત સરકારની બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે તેજ
ગુજરાત સરકાર છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અતિક્રમણ સામે આક્રમણ કરી રહી છે અને અનેક ઠેકાણે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ જૂનાગઢના મજેવડી ગેટ પાસે આવેલી વિવાદિત દરગાહને તોડી પાડવામાં આવી હતી. તે પહેલાં કચ્છના જ ખાવડા વિસ્તારમાં ત્રણ ગેરકાયદેસર મદરેસાઓ તોડવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી આ મદરેસાઓને સ્થાનિક તંત્રે બુલડોઝર ફેરવીને હટાવી દીધી હતી. જ્યારે શુક્રવારે (8 માર્ચ) જામનગરમાં કુખ્યાત ગુનેગાર રઝાક સાઈચા અને તેના ભાઈના 2 ગેરકાયદેસર બંગલા પર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું.