કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં પહોંચી છે. શનિવારે (9 માર્ચ) આ યાત્રાનો ત્રીજો દિવસ છે અને રવિવારે (10 માર્ચ) આ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. શુક્રવારે (8 માર્ચ, 2024) તેમની ભારત જોડો ન્યાય યાત્રા છોટાઉદેપુરના બોડેલીમાં પહોંચી હતી. જ્યાં એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક ખિસ્સાકાતરુ યાત્રામાં ઘૂસી ગયા હતા. ન્યાય યાત્રામાં અનેક લોકોના ખિસ્સાં કપાયાં હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ છે.
છોટાઉદેપુરમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ખિસ્સાકાતરુ બેફામ બન્યા હતા. ભીડમાં કેટલાક શખ્સો નેતાઓ અને કાર્યકર્તાઓના ખિસ્સાં કાપી ગયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના પણ 42 હજાર રૂપિયા ચોરી થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જ્યારે યાત્રા દરમિયાન એક ખિસ્સાકાતરુને સ્થાનિકોએ મેથીપાક ચખાડીને પોલીસ હવાલે કર્યો હતો.
20-25 લોકોનો ચોરાયો માલસામાન
યાત્રા દરમિયાન સભામાંથી 20થી 25 જેટલા લોકોનો માલસામાન ચોરી થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે પણ તે દિશામાં તપાસ આદરી છે. તેમાંથી એક શખ્સને તો સ્થાનિકોએ જ પોલીસ હવાલે કર્યો હતો. જ્યારે બાકીના અન્ય શખ્સોને શોધવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ત્રીજા દિવસે નર્મદા જિલ્લામાં પહોંચી હતી. જે બાદ હવે ચોથા દિવસે આ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
નોંધનીય છે કે, રાહુલ ગાંધીની આ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે કોંગ્રેસ અત્યંત નબળી બની ચૂકી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી 17 બેઠકો જીતી હતી, પરંતુ હવે માત્ર 13 જ ધારાસભ્યો રહી ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં પાર્ટીના 4 ધારાસભ્યોએ વારાફરતી રાજીનામાં ધરી દીધાં હતાં અને તમામ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અને પોરબંદરથી પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું હતું. તેઓ પછીથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા. તે પહેલાં ખંભાત MLA ચિરાગ પટેલ, વિજાપુરના ધરાસભ્ય સી.જે ચાવડા પણ રાજીનામું ધરી ચૂક્યા હતા તો મોઢવાડિયાના રાજીનમાં બાદ માણાવદરના MLA અરવિંદ લાડાણીએ પણ રાજીનામું આપી દીધું.
આ સ્થિતિમાં એવી ચર્ચાઓ પણ ચાલે છે કે રાહુલ ગાંધીએ ભારત જોડવાને બદલે પહેલાં પાર્ટી જોડવા પર ધ્યાન આપવું જોઈએ.