Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમોદી સરકારના 10 વર્ષોમાં ગામડાઓમાં આવી સમૃદ્ધિ, નાગરિકોની ખર્ચ કરવાની શક્તિ વધી:...

    મોદી સરકારના 10 વર્ષોમાં ગામડાઓમાં આવી સમૃદ્ધિ, નાગરિકોની ખર્ચ કરવાની શક્તિ વધી: શહેરીઓની સરખામણીએ વધુ ખરીદી ગ્રામીણોમાં, ગરીબી હવે માત્ર 5%ની આસપાસ

    લોકો 2011-12ની સરખામણીમાં 2.5 ગણો વધુ ખર્ચ કરી રહ્યા છે અને આ ભારતની સફળતાની ગાથા છે, જે દર્શાવે છે કે, દેશની સમૃદ્ધિ અમુક લોકો સુધી મર્યાદિત નથી પરંતુ મોટી વસ્તીને ફાયદો આપી રહી છે.

    - Advertisement -

    દેશમાં છેલ્લા 10-11 વર્ષોમાં ગામડાઓ અને શહેરો વચ્ચેની ખાઈ ઓછી થઈ છે. હવે તો ગામના લોકો પણ શહેરોના લોકોની જેમ ખર્ચ કરી રહ્યા છે. આ દરમિયાન લોકોનો ખોરાક પર ખર્ચ ઓછો થયો છે, જ્યારે બાકી બધી વસ્તુઓ પર ખર્ચ વધ્યો છે. આ દરમિયાન દેશમાં ગરીબી ઓછી થઈ છે. આ તમામ જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં સામે આવી છે. જેમાં દર્શાવાયું છે કે મોદી સરકારમાં ગામડાઓમાં પણ સમૃદ્ધિ આવી છે.

    કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)એ 25 ફેબ્રુઆરી, 2024ના રોજ દેશના પરિવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર કૌટુંબિક વપરાશ ખર્ચ સર્વેનો ડેટા જાહેર કર્યો હતો. આ સર્વે ઓગસ્ટ 2022થી જુલાઈ 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેની આ 76મી આવૃત્તિ હતી. તેમાં ઘણી મહત્વની માહિતી બહાર આવી છે. આ રિપોર્ટમાં એક વ્યક્તિના માસિક ખર્ચ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગામડાઓમાં રહેતા લોકો અને શહેરોમાં રહેતા લોકો માટે અલગ-અલગ આંકડા આપવામાં આવ્યા છે.

    મોદી સરકારમાં ગામડાઓમાં આવી સમૃદ્ધિ, શહેરની તુલનામાં ઓછું થયું અંતર

    સર્વે અનુસાર, દેશના ગામડાઓમાં રહેતી વસ્તીમાં માથાદીઠ માસિક ખર્ચ ₹3773 છે જ્યારે શહેરમાં રહેતી વ્યક્તિ પોતાના પર સરેરાશ ₹6459 પ્રતિ મહિને ખર્ચ કરે છે. 2011-12માં કરાયેલા સર્વેની સરખામણીમાં આ ખર્ચ અંદાજે 2.5 ગણો છે. 2011-12માં, ગામમાં રહેતા દરેક વ્યક્તિએ પોતાના પર ₹1430 ખર્ચ્યા હતા, જ્યારે શહેરી વ્યક્તિએ ₹2630 ખર્ચ્યા હતા. ગામડામાં રહેતો વ્યક્તિ તેના કુલ ખર્ચના 46% ખર્ચ ખોરાક પાછળ કરે છે જ્યારે શહેરમાં રહેતો વ્યક્તિ 39% ખોરાક પાછળ ખર્ચે છે.

    - Advertisement -

    નવા રિપોર્ટના ડેટા દર્શાવે છે કે, ગામડાઓ અને શહેરોના ખર્ચ વચ્ચેનું અંતર પણ ઘટ્યું છે. હવે બંનેના ખર્ચમાં 71%નો તફાવત છે. જ્યારે 2011-12માં તે લગભગ 84% હતો. તેનો અર્થ એ થયો કે, હવે જે સુવિધાઓ પહેલાં માત્ર શહેરોમાં મળતી હતી તે હવે ગામડાઓમાં પહોંચી રહી છે અને લોકો તેના પર ખર્ચ પણ કરી રહ્યા છે.

    રિપોર્ટ દર્શાવે છે કે, શહેરોમાં ટોચના 5% લોકો દર મહિને ₹20,824 ખર્ચે છે જ્યારે ગામડાઓમાં ટોચના 5% લોકો ₹10,501 ખર્ચે છે. સૌથી નીચે આવતા શહેરી 5% લોકો દર મહિને ₹2001 ખર્ચે છે જ્યારે ગ્રામીણ 5% લોકો ₹1373 ખર્ચે છે. ખાદ્યપદાર્થો પર થતા ખર્ચ પર નજર કરીએ તો ગામડાઓમાં એક વ્યક્તિ મહિનામાં ₹1750 ખર્ચે છે જ્યારે શહેરમાં વ્યક્તિ ₹2530 ખર્ચે છે. અહેવાલ દર્શાવે છે કે, દેશના લોકોના ખર્ચમાં ખોરાક પરના ખર્ચનો હિસ્સો ઘટી રહ્યો છે.

    આ મુજબ, જ્યાં વર્ષ 1999-2000માં, ગ્રામીણ વ્યક્તિના કુલ ખર્ચના 59% હિસ્સો માત્ર ખોરાક પર ખર્ચવામાં આવતો હતો, તાજેતરના સર્વેમાં તે ઘટીને 46% થયો છે. શહેરોમાં તે આ સમયગાળા દરમિયાન 48% હતો, જે હવે 39% થઈ ગયો છે. આ અહેવાલમાં રાજ્યવાર આંકડા પણ આપવામાં આવ્યા છે.

    કયા રાજ્યના લોકો વધુ ખર્ચીલા?

    રિપોર્ટ અનુસાર, સિક્કિમના લોકો રાજ્યોમાં સૌથી વધુ ખર્ચ કરી રહ્યા છે. સિક્કિમમાં, એક ગ્રામીણ વ્યક્તિ ₹7731 ખર્ચે છે જ્યારે શહેરી વ્યક્તિ ₹12,105 ખર્ચે છે. તેનાથી વિપરીત, છત્તીસગઢમાં ખર્ચ સૌથી ઓછો છે. અહીં ગ્રામીણ વ્યક્તિ ₹2466 ખર્ચે છે જ્યારે શહેરી વ્યક્તિ ₹4483 ખર્ચે છે. ઉત્તર પ્રદેશમાં આ જ ખર્ચ ₹3191 અને ₹5040 છે. બિહારમાં તે ₹3384 અને ₹4768 છે. આ આંકડાઓમાં વિવિધ નોકરીઓ ધરાવતા લોકો કેટલો ખર્ચ કરે છે તેનો પણ ઉલ્લેખ છે.

    ગામડાઓમાં ખેતીમાં રોકાયેલા લોકો દર મહિને ₹3702 ખર્ચે છે જ્યારે નોકરી કરતા લોકો ₹4533 ખર્ચે છે. બીજી તરફ, શહેરોમાં સ્વ-રોજગાર ધરાવતા લોકો ₹6067 ખર્ચે છે જ્યારે નોકરિયાત લોકો ₹7146 ખર્ચે છે. જો સામાજિક માળખા પરથી જોવામાં આવે તો, દેશના અનુસૂચિત જનજાતિના લોકો ગ્રામીણ વિસ્તારોમાં દર મહિને ₹3016 અને શહેરી વિસ્તારોમાં ₹5414 ખર્ચે છે. અન્ય પછાત વર્ગો માટે, ગામડાઓમાં સમાન ખર્ચ ₹4392 છે જ્યારે શહેરોમાં ₹7333 છે.

    ગામડા-શહેરો બંનેમાં અનાજ-શાકભાજી પર ઓછો થયો ખર્ચ, કોલ્ડડ્રિંક્સ-ફળો પર વધ્યો

    આ સર્વેમાં લોકોની ખર્ચ પેટર્ન વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ મુજબ, 2011-12 દરમિયાન ગામડાઓમાં લોકો તેમના ખર્ચના 10.6% અનાજ પર ખર્ચ કરતા હતા, જે હવે ઘટીને 4.89% થઈ ગયા છે. તેવી જ રીતે, કઠોળ પરનો ખર્ચ 2.76%થી ઘટીને 1.77% થયો છે. શાકભાજી પરનો ખર્ચ 6.6%થી ઘટીને 5.38% થયો છે. તેનાથી વિપરીત, ફળો પરનો ખર્ચ 2.25%થી વધીને 2.54% થયો છે અને ઠંડા પીણાં અને રાંધેલા ખાદ્ય પદાર્થો પરનો ખર્ચ 7.9%થી વધીને 9.62% થયો છે.

    આવો જ ટ્રેન્ડ શહેરોમાં પણ જોવા મળ્યો છે. શહેરોમાં રહેતા લોકો 2011-12 દરમિયાન અનાજ પર 6.6% ખર્ચ કરતા હતા, જે હવે ઘટીને 3.62% થઈ ગયા છે. કઠોળ પરનો ખર્ચ 1.93%થી ઘટીને 1.21% થયો છે. તેનાથી વિપરીત, રાંધેલા ખોરાક અને ઠંડા પીણાં પરનો ખર્ચ 8.9%થી વધીને 10.6% થયો છે.

    દેશમાં ગરીબીની વાસ્તવિકતા જણાવે છે આ આંકડા

    આ સર્વેમાં સામે આવેલા આંકડાઓ દેશમાં ગરીબીનું વાસ્તવિક ચિત્ર પણ રજૂ કરી રહ્યા છે. તે આંકડા દર્શાવે છે કે કઈ રીતે મોદી સરકારમાં ગામડાઓમાં પણ સમૃદ્ધિ આવે છે અને શહેરોમાં પણ. NITI આયોગના CEO બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું છે કે, જો આપણે આ આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં ગરીબીનું સ્તર 5% અથવા તેનાથી ઓછું હોઈ શકે છે. તેમનું કહેવું છે કે, આ આંકડા મુજબ હવે ગામડાઓમાં ભૂખમરાની સ્થિતિ નથી. તેમણે એ દાવાને ફગાવી દીધો કે, ગામડાઓમાં ખર્ચ ઘટી રહ્યો છે અને તેમની પરિસ્થિતિ બદલાઈ નથી.

    તેમણે કહ્યું, “હું માનું છું કે, દેશમાં ગરીબી હવે એકમના આંકડા પર પહોંચી ગઈ છે અને જો આપણે આ આંકડાને ધ્યાનમાં લઈએ તો તે 5% છે.” તેમણે કહ્યું કે, લોકો 2011-12ની સરખામણીમાં 2.5 ગણો વધુ ખર્ચ કરી રહ્યા છે અને આ ભારતની સફળતાની ગાથા છે, જે દર્શાવે છે કે દેશની સમૃદ્ધિ અમુક લોકો સુધી મર્યાદિત નથી પરંતુ મોટી વસ્તીને ફાયદો આપી રહી છે. નોંધનીય છે કે, આ પહેલાં પણ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા 9 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં