ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા માટે રૂમાલ રાખીને જગ્યા રાખી હતી, તે નેતાએ હવે કોંગ્રેસને રામ-રામ કહી દીધા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના મોટા કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બે વાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા હતા કે, અંબરીશ ડેર માટે તેઓએ રૂમાલ રાખીને જગ્યા રાખી છે. તેઓ ડેરને હાથ પકડીને ભાજપમાં લાવશે. ત્યારે હવે ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું છે.
સોમવારે (4 માર્ચ) સવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના લોક સાહિત્યકાર માયાભાઈ આહીર પણ ઉપસ્થિત હતા. બેઠક પૂર્ણ થયા બાદ જ અંબરીશ ડેરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલાં પ્રદેશ કોંગ્રેસે ડેરને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. તેના ગણતરીના કલાકોમાં જ ડેરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, તેઓ મંગળવારે (5 માર્ચ) પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે.
‘સૌથી વધુ દુખ કોંગ્રેસના રામ મંદિર પ્રત્યેના વલણનું’- ડેર
દિવ્ય ભાસ્કર અનુસાર, રાજીનામું આપ્યા બાદ અંબરીશ ડેરે કહ્યું કે, “આવતી કાલે (5 માર્ચ) હું 12:30 કલાકે ભાજપમાં જોડાઈશ. રાજનીતિમાં આવ્યા બાદ હું પદ પાછળ દોડ્યો નથી. જ્યાં લાગણી હોય ત્યાં સોદા ના હોય. ભાજપ જે કોઈપણ જવાબદારી આપશે તે નિભાવીશ. મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસના રામ મંદિર પ્રત્યેના વલણનું છે. મે કોઈ ડીલ કરી નથી.”
અંબરીશ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું છે. આ રાજીનામાંમાં તેમણે લખ્યું છે કે, “જય હિન્દ સાથે જણાવવાનું કે, હું તમને માહિતગાર કરવા માંગુ છું કે, વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને હું કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. ભૂતકાળમાં મે કોંગ્રેસના બેનર હેઠળ જીત હાંસલ કરી અને લોકોની સેવા કરી છે. તેમાં સહયોગ કરવા બદલ હું પાર્ટીનો આભાર માનું છું.”
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અંબરીશ ડેર રાજીનામું આપશે એવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે તેવી સ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં અંબરીશ ડેરના ઘરે એક બેઠક થઈ હતી. જેમાં સીઆર પાટીલ અને માયાભાઈ આહીર પણ ઉપસ્થિત હતા. જે બાદ ડેરે રાજીનામું આપી દીધું છે. સાથે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, માયાભાઈ આહીરે અંબરીશ ડેરને ભાજપમાં જોડવા માટે મહેનત કરી હતી. ઑપઇન્ડિયાએ માયાભાઈ આહીરનો અને અંબરીશ ડેરનો સંપર્ક કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહાસમારોહને લઈને કોંગ્રેસ નેતૃત્વને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે હાઈકમાન્ડે રામ મંદિરના આમંત્રણનો જાહેરમાં અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસની આ પ્રકારની હરકતથી અનેક કોંગ્રેસી નેતાઓ વ્યથિત થઈ ગયા હતા. તેમાં અંબરીશ ડેરનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાના X હેન્ડલ પર આ મામલે પોસ્ટ લખીને પાર્ટીનો વિરોધ કર્યો હતો.