આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુલ 195 બેઠકો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની પણ 15 બેઠકો આ યાદીમાં સામેલ છે. ભારતીય જનતા પાર્ટીએ શનિવારે (2 માર્ચ, 2024) એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધીને આ બાબતની જાણકારી આપી હતી. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાતના 15 ઉમેદવારોમાંથી ત્રણ ચહેરાઓ જનતા માટે નવા છે. અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા અને પંચમહાલ બેઠકના ઉમેદવારો વિશે લોકોને ખૂબ ઓછી માહિતી છે.
આ ત્રણ ઉમેદવારોમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, પંચમહાલ લોકસભા બેઠક પરથી રાજપાલસિંહ જાદવ અને બનાસકાંઠા બેઠક પરથી ડૉ. રેખાબેન હિતેશભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ત્રણ ઉમેદવારો ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોણ છે દિનેશ મકવાણા?
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાતના 15 ઉમેદવારો પૈકીનું એક નામ દિનેશ મકવાણાનું પણ છે. દિનેશભાઈ કોદરભાઈ મકવાણાને પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે સીટ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે આરક્ષિત છે. દિનેશ મકવાણા અમદાવાદના નરોડા વિસ્તારના રહેવાસી છે. તેઓની ઉંમર 54 વર્ષ છે અને તેઓ વણકર સમાજમાંથી આવે છે. તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેઓ BA, LLB છે અને વ્યવસાયે વકીલ છે.
તેઓ તાજેતરમાં કર્ણાવતી શહેર એકમના ભાજપના શહેર પ્રવક્તા છે. તેઓ ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ડેપ્યુટી મેયર અને લીગલ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. અમદાવાદ પશ્ચિમ સીટ પર તાજેતરમાં ભાજપ સાંસદ ડૉ. કિરીટ સોલંકી પદાધિકારી તરીકે કાર્યરત છે.
પંચમહાલ સીટ પરના ઉમેદવાર છે રાજપાલસિંહ જાદવ
રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ પંચમહાલ જિલ્લાના કાલોલના રહેવાસી છે. તેમનો જન્મ જુલાઈ 1982માં થયો હતો. હાલમાં તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ બારૈયા ક્ષત્રિય સમાજ સાથે સંબંધ ધરાવે છે. તેઓ અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણી હેઠળ આવે છે. શૈક્ષણિક લાયકાતમાં તેઓ આર્ટસમાં સ્નાતક છે અને વ્યવસાયે ખેડૂત છે. તેઓ બે ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે.
તેઓ 24 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય પણ છે. તેઓ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. રાજપાલસિંહ જાદવ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા 15 ઉમેદવારો પૈકીના એક છે અને પંચમહાલ સીટ પરથી ભાજપની ટિકિટે લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પંચમહાલ બેઠક પર તાજેતરમાં ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ કાર્યરત છે.
બનાસકાંઠા સીટ પર ઉમેદવાર છે ડૉ. રેખાબેન
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ડૉ. રેખાબેન ચૌધરી એક માત્ર નવા મહિલા ઉમેદવાર છે. ડૉ. રેખાબેન બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે. તેમની શૈક્ષણિક લાયકાત M.Sc, M.Phil, અને Ph.D (ગણિત) છે. તેમની ઉંમર 44 વર્ષ છે અને તેઓ પાલનપુરના રહેવાસી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.
ડૉ. રેખાબેન ચૌધરી ભાજપના મોરબી જિલ્લા પ્રભારી ડૉ. હિતેશ ચૌધરીનાં પત્ની છે. ડૉ. હિતેશ ચૌધરી અગાઉ પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રભારી, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અને રાજ્ય સ્તર પર ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચાના ત્રણ ટર્મના પદાધિકારી હતાં. તેઓ ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય પણ રહી ચૂક્યાં છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) કેડર છે.