પ્રતિબંધિત આતંકવાદી સંગઠન PFIના એક વૉન્ટેડ આતંકવાદીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દક્ષિણ આફ્રિકાથી ઝડપી પાડ્યો છે. તેની ઉપર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે પ્રતિબંધિત કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)નો મુખ્ય ચહેરો છે. તેના પર વર્ષ 2016માં બેંગ્લોરમાં RSS કાર્યકર્તા રુદ્રેશની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. RSS નેતાની હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને અલગ-અલગ દેશોમાં રહેવા લાગ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ NIA કરી રહી છે.
આતંકી મોહમ્મદ ગૌસ નિયાઝી સાઉથ આફ્રિકાથી પકડાયો છે અને તાજેતરમાં તેને ભારત લાવવામાં આવ્યો છે. વર્ષ 2016માં RSS કાર્યકર્તાની હત્યા કર્યા બાદથી તે ફરાર હતો. NIA સહિત અનેક એજન્સીઓ અને પોલીસ પણ તેની શોધખોળ કરી રહી હતી. નિયાઝી પ્રતિબંધિત ઈસ્લામિક સંગઠન PFIનો મોટો ચેહરો ગણાય છે. લાંબા સમયથી સેન્ટ્રલ એજન્સી તેની પાછળ પડી હતી.
ગુજરાત ATSએ સેન્ટ્રલ એજન્સીને આપી હતી માહિતી
2016માં RSS કાર્યકર્તાની હત્યા કરીને મોહમ્મદ ગૌસ નિયાઝી ફરાર થઈ ગયો હતો. તે અલગ-અલગ દેશોમાં પોતાના ઠેકાણાં બનાવીને રહેતો હતો. આ સમગ્ર કેસની તપાસ NIA પાસે હતી અને તે આરોપીનું લૉકેશન શોધવા માટે પ્રયત્નો કરી રહી હતી. સાઉથ આફ્રિકામાં તેનું લૉકેશન ગુજરાત ATS દ્વારા સૌપ્રથમ ટ્રેસ કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત ATSએ આ વિશેની તમામ જાણકારી NIAને આપી હતી. એજન્સીની ટીમે તપાસ કરીને સાઉથ આફ્રિકાથી તેની ધરપકડ કરી લીધી છે. એજન્સી આતંકીને લઈને મુંબઈ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં બેંગ્લોરમાં ધોળા દિવસે 35 વર્ષીય RSS કાર્યકર્તા રુદ્રેશની હત્યા કરવામાં આવી હતી. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે તેઓ બેંગ્લોરના શિવાજીનગરમાં પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ઘણા જેહાદીઓ છાપો મારીને બેઠા હતા. રુદ્રેશ જેવા શિવાજીનગર વિસ્તારમાં દાખલ થયા કે, જેહાદીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો અને તેમને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હુમલાનો સૌથી મોટો આરોપી મહોમ્મદ ગૌસ નિયાઝી હતો. જેને આખરે NIAની ટીમ આફ્રિકાથી દબોચી લાવી છે. હાલ તેને મુંબઈ રાખવામાં આવશે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.