સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના એક આદેશને યથાવત રાખ્યો છે, જેમાં ચેન્નાઈના કોયમ્બેડુ સ્થિત મસ્જિદ અને મદરેસાને તોડી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માન્યું છે કે, કે આ ઢાંચો સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આવી અનધિકૃત ધાર્મિક સંરચનાઓ ક્યારેય ધાર્મિક પ્રચારનું સ્થળ બની શકે નહીં. સુપ્રીમ કોર્ટે ચેન્નાઈની મસ્જિદ તોડી પાડવાનો નિર્ણય માન્ય રાખ્યો છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સૂર્યકાંત અને કેવી વિશ્વનાથનની બેંચ 22 નવેમ્બર 2023ના રોજ મદ્રાસ હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જે નિશા બાનુએ પણ આ મામલામાં અધિકારીઓ દ્વારા દાખવવામાં આવેલી ઉદાસીનતા પર તીખી પ્રતિક્રિયા આપી હતી.
હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, “આ કોર્ટે વારંવાર સત્તાવાર પ્રતિવાદીઓને ચેતવણી આપી છે કે, તે સુનિશ્ચિત કરે કે યોગ્ય આયોજનની પરવાનગી વિના કોઈ બાંધકામ કરવામાં ન આવે. આ કોર્ટના વારંવારના આદેશો છતાં, સત્તાવાર પ્રતિવાદીઓએ અનધિકૃત બાંધકામો તરફ આંખ આડા કાન કર્યા છે.” આ તમામ અવલોકનો બાદ મદ્રાસ હાઈકોર્ટે મસ્જિદને તોડીને તેને નવા વિસ્તારમાં સ્થળાંતરીત કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષ હાઈકોર્ટના આ નિર્ણય સાથે સહમત નહોતો અને મુસ્લિમ પક્ષ વતી હૈદા મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ મસ્જિદ-એ હિદાયા અને મદરેસાએ સુપ્રીમ કોર્ટમાં આ આદેશ સામે અપીલ દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે મસ્જિદ હટાવવાનો આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટની બેન્ચે અધિકારીઓને સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશોની યાદ અપાવી હતી. તે આદેશોમાં રાજ્યો અને ઉચ્ચ અદાલતોને સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે મંદિર, ચર્ચ, મસ્જિદ અથવા ગુરુદ્વારાના નામ પર કોઈપણ અનધિકૃત બાંધકામને જાહેર રસ્તાઓ અથવા અન્ય જાહેર સ્થળો પર મંજૂરી આપવામાં ન આવે. અપીલકર્તા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એસ નાગામુથુએ દલીલ કરી કે, ટ્રસ્ટે જમીન ખરીદી હતી અને મસ્જિદના કારણે જનતાને કોઈ અવરોધ ઊભો થયો નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તે જમીન લાંબા સમયથી ખાલી પડી હતી. નાગામુથુની આવી દલીલો બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચેન્નાઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (CMDA)એ તે જમીન અધિગ્રહણ કરી હતી અને તેના પર કોઈ પણ પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદાર આ સંપત્તિનો માલિક નથી. આ જમીન ચેન્નાઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીની છે અને અરજદારના ગેરકાયદે કબજામાં છે. આ જમીન સરકારને પરત કરવી પડશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, અરજદારે ક્યારેય બિલ્ડીંગ પ્લાનની મંજૂરી માટે અરજી પણ કરી ન હતી અને 9 ડિસેમ્બર, 2020ના રોજ CDMA દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં ગેરકાયદે બાંધકામ ચાલુ રાખ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આધાર પર તેને મસ્જિદ તોડી પાડવાના હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી દેખાતું. કોર્ટે આ ઢાંચો હટાવવા માટે અધિકારીઓને 31 મે 2024 સુધીનો સમય આપ્યો છે. સાથે જ કોર્ટે ચેન્નાઈની મસ્જિદને તોડી પાડવાના હાઈકોર્ટના આદેશને યોગ્ય ગણાવ્યો છે. અરજદારો વતી વરિષ્ઠ વકીલ એસ નાગામુથુ, પ્રિયરંજની નાગામુથુ, શાલિની મિશ્રા, આર સુધાકરન, ટી હરિહર સુધન, પીવીકે દેવેન્દ્રન વગેરે હાજર રહ્યા હતા.