આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. તેમણે શેર કરેલા એક વિડીયોને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. અરવિંદ કેજરીવાલે X પર ધ્રુવ રાઠીનો એક વિડીયો રીટ્વિટ કર્યો હતો, જેમાં તમામ ખોટા તથ્યો સાથે ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે વિકાસ સાંકૃત્યાયન નામના એક વ્યક્તિએ કેસ દાખલ કર્યો હતો. પછીથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અરવિંદ કેજરીવાલ વતી વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા.
સોમવારે (26 ફેબ્રુઆરી) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે કરેલી એક ભૂલને લઈને સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. વાસ્તવમાં આ સમગ્ર મામલો 2018નો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે યુટ્યુબર ધ્રુવ રાઠીનો એક વિડીયો X પર રીટ્વિટ કર્યો હતો. ધ્રુવ રાઠી ઘણીવાર ખોટા તથ્યો સાથે વિડીયો બનાવવા માટે જાણીતો છે. અરવિંદ કેજરીવાલે તે વિડીયો રીટ્વિટ કર્યા બાદ તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ‘આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી’ નામનું પેજ ચલાવનારા વિકાસ સાંકૃત્યાયને કેસ દાખલ કર્યો હતો. અરવિંદ કેજરીવાલ સામે કેસ દાખલ કરતી વખતે, તેમણે દાવો કર્યો હતો કે તે વિડીયોમાં , તેમના (સાંસ્કૃત્યાયન ) પર અપમાનજનક આરોપો મૂકવામાં આવ્યા છે, જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. અરવિંદ કેજરીવાલે આ વીડિયોને તપાસ્યા વિના શેર કર્યો, જેના કારણે તેમની (વિકાસ સાંકૃત્યાયનની) છબીને ઠેસ પહોંચી છે.
Delhi CM Arvind Kejriwal tells SC he made a mistake by retweeting allegedly defamatory video related to BJP IT Cell in 2018
— Press Trust of India (@PTI_News) February 26, 2024
સાંકૃત્યાયને દાવો કર્યો હતો કે, ‘BJP IT સેલ ભાગ II’ નામનો યુટ્યુબ વિડીયો જર્મનીમાં રહેતા ધ્રુવ રાઠી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા ખોટા અને બદનક્ષીભર્યા આરોપો લગાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. CM કેજરીવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું, “હું એટલું જ કહીશ કે, જજ સાહેબ, મેં રીટ્વિટ કરીને ભૂલ કરી છે.”
નોંધનીય છે કે, આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને અપરાધિક માનહાનિના કેસમાં (criminal defamation case)માં આરોપી તરીકે જાહેર કરવામાં આવેલા સમન્સને માન્ય ગણાવ્યું હતું. સાથે હાઈકોર્ટે આ કૃત્યને ગંભીર ગુનો પણ ગણાવ્યો હતો. જે બાદ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે અરજદારને સવાલ પૂછ્યો હતો કે, શું તેઓ મુખ્યમંત્રીની માફીને ધ્યાનમાં રાખીને મામલાને રફા-દફા કરવા માંગે છે. સાથે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને એમ પણ કહ્યું કે, તે 11 માર્ચ સુધી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ માનહાનિ કેસમાં સુનાવણી ના કરે.