સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીરામ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વડોદરાના પાદરાના સાહિદ પટેલને કોર્ટે 2 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. એક હિંદુ વેપારીના ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન તેણે ભગવાન વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ હિંદુ યુવકો બરોડાના નવાપુરા પોલીસ મથકે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા જતાં મુસ્લિમ ટોળાએ તેમની ઉપર પથ્થરો ફેંક્યા હતા.
વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર સાહિદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે એકઠા થયેલા હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ પર પથ્થરમારો થયો હતો. જે બાદ પોલીસે 2 FIR દાખલ કરીને આરોપી સાહિદ અને પથ્થરમારો કરનાર મુસ્લિમ ટોળા વિરુદ્ધ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વાસ્તવમાં જતીન પટેલ નામના હિંદુ યુવકના ઈન્સ્ટાગ્રામ લાઈવ પર સાહિદ નામના મુસ્લિમ શખ્સે ભગવાન રામ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેની સામે પોલીસ પગલાં લેવા અને ન્યાયની માંગ સાથે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. જ્યાં મસ્જિદ પાછળથી આવેલા મુસ્લિમ ટોળાંએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. જોકે, પોલીસે FIR દાખલ કરીને સાહિદની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, વડોદરા પોલીસે કોર્ટમાં રજૂ કરીને સાહિદના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વડોદરામાં ગુરુવારે (22 ફેબ્રુઆરી) આ ઘટના બનવા પામી હતી. જ્યાં નવાપુરા પોલીસ સ્ટેશન બહાર હિંદુ સંગઠનોના કાર્યકરો ન્યાયની માંગણી સાથે એકઠા થયા હતા. જે બાદ અચાનક જ 100-150ના મુસ્લિમ ટોળાંએ પથ્થરો વરસાવ્યા હતા. પોલીસે ટોળાં અને સાહિદ બંને વિરુદ્ધ FIR નોંધી હતી. જે બાદ વડોદરા પોલીસે કોર્ટમાં રજૂ કરીને સાહિદના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી કરવા માટે કોઈ પાસેથી પૈસા મેળવ્યા છે કે કેમ? તેની સાથે અન્ય કોઈ આ ઘટનામાં સંડોવાયેલું છે? સહિતના મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરી સાહિદના રિમાન્ડ મેળવ્યા હતા. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જતીન પટેલ નામના હિંદુ યુવકના ઈન્સ્ટાગ્રામ લાઈવ પર ભગવાન રામ વિશે અભદ્ર ટિપ્પણી કરીને આખો વિવાદ ઊભો કરનાર સાહિદ તેમજ પથ્થરમારો કરનાર 100થી 150ના ટોળાં સામે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. શરૂઆતમાં ટોળાંના 22 લોકોની ઓળખ કરીને પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
સમગ્ર ઘટના એવી છે કે, વડોદરાના જતીન પટેલ નામના વેપારીએ ગત બુધવારે (21 ફેબ્રુઆરી, 2024) સાંજે તેમની દુકાનેથી નવી ઑફરો વિશે ગ્રાહકોને જાણકારી આપવા માટે ઈન્સ્ટાગ્રામ લાઇવ કર્યું હતું. જેની શરૂઆતમાં તેમણે લાઇવમાં જોડાનારાઓને ‘જય શ્રીરામ’ કહીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન ‘Shahid_patel_7070’ નામની ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી ભગવાન રામ વિશે બીભત્સ ગાળો લખીને ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી. તેની આઈડીની તપાસ કરતાં તે પાદરાનો સાહિદ હોવાનું જાણવા મળ્યું હતું. જતીને તેને ફોન કરતાં તેણે અભદ્ર ગાળો આપી, ધાક-ધમકી આપી હતી. સાથે આ મામલે પોલીસ ફરિયાદની વાત સામે આવતા સાહિદના અબ્બુએ જતીનના પાદરા ગામમાં રહેતા મિત્રને કહ્યું હતું કે, “સાહિદનું ઈન્સ્ટાગ્રામ હેક થઈ ગયું છે, તે માફી નહીં માંગે.”
પછીથી સાહિદ સામે ફરિયાદ નોંધાવવા માટે જતીન પટેલ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં મસ્જિદ પાછળથી આવેલા 100-150ના મુસ્લિમ ટોળાંએ હિંદુ કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યો હતો. ઑપઇન્ડિયાએ આ ઘટનામાં સામેલ જતીનના મિત્રનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા અને ત્યારબાદ હનુમાન ચાલીસા અને રામસ્તુતિ શરૂ થઈ હતી. બરાબર આ જ સમયે ત્યાં નજીકમાં આવેલી એક મસ્જિદ પાછળથી મુસ્લિમોનું ટોળું ધસી આવ્યું હતું અને મોટા-મોટા પથ્થરો અને કાચની બોટલો મારવાનાં શરૂ કરી દીધાં હતાં. જેમાં અમુક લોકોને ઈજા પહોંચી હતી. હિંદુ યુવકે આ કાવતરું પૂર્વનિયોજિત હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.