તાજેતરમાં વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાતની (UAE) યાત્રા પર હતા. તેમની આ યાત્રા દરમિયાન અનેક એવા કાર્યક્રમો થયા જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા UAEમાં UPI પેમેન્ટ સુવિધા શરૂ થઇ તે અને Bharat Mart પ્રોજેક્ટ વિશેષ ચર્ચામાં છે. UPIથી તો આપણે બધા પરિચિત છીએ પરંતુ Bharat Mart પ્રોજેક્ટ શું છે તેના વિશે હજુ ઘણા લોકોને માહિતી નહીં હોય. આ લેખમાં આપણે જાણીશું કે UAEમાં શરૂ થનાર Bharat Mart પ્રોજેક્ટ છે શું.
વડાપ્રધાન મોદીએ ગત 14 ફેબ્રુઆરી 2024ના રોજ Bharat Mart પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટને વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આપૂર્તિ શ્રેણીમાં ચીનને હંફાવવા ભારતીય રણનીતિનો એક મહત્વપૂર્ણ ભાગ માનવા આવે છે. આવનારા સમયમાં ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ચીનને પાછળ છોડીને અથવા તો એમ કહી શકાય કે ચીનને રિપ્લેસ કરીને ભારતનો દબદબો બનાવવા આ પ્રોજેક્ટ પાયાનો પથ્થર સાબિત થશે.
MSMEને વિશ્વ સુધી પહોંચાડશે ભારત માર્ટ- વડાપ્રધાન મોદી
આ પ્રોજેક્ટને લઈને વડાપ્રધાન મોદીનું પણ બહોળુ વિઝન છે. પ્રોજેક્ટને લઈને તેમણે કહ્યું હતું કે, “આ ભારત માર્ટ દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોને (MSME) ખાડીના દેશો, પશ્ચિમ એશિયાઇ, આફ્રિકન અને યુરેશીયા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચાડવા એક પ્રભાવશાળી મંચ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ તેમના નિર્યાતને વેગ આપવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.”
Earlier today, @HHShkMohd and I laid the foundation stone for Bharat Mart in Jebel Ali. This will boost India-UAE economic linkages and will particularly help our MSMEs to explore global markets. pic.twitter.com/4YZyAkBAJp
— Narendra Modi (@narendramodi) February 14, 2024
હાલ વડાપ્રધાન મોદી અને UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમે આ પ્રોજેક્ટની આધારશીલા રાખી છે. પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ થવામાં હવે થોડો જ સમય છે. વર્ષ 2025માં આ પ્રોજેક્ટ અંતર્ગત વ્યવહાર શરૂ થાય તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો આખો કોન્સેપ્ટ બહાર આવતા હજુ થોડો સમય લાગી શકે છે. બંને દેશો બને તેટલું વહેલા તેના પર કામ કરવાની દિશામાં કાર્યરત છે.
વિશ્વને એક જ છત નીચે ભારતીય પ્રોડ્કટ મળી શકશે
અત્યાર સુધી જેટલી માહિતી મળી છે તે અનુસાર ભારત માર્ટ તેના નામની જેમ જ એક વ્યાપારિક કેન્દ્ર હશે. તે ભારતના એક્સ્પોર્ટર્સને દુબઈમાં એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પૂરું પડવાનું કામ કરશે. અહીં ભારતીય વ્યાપારીઓ એક જ છત નીચે વિભિન્ન ભારતીય ઉત્પાદનોને રજૂ કરીને તેનો સીધો વ્યાપાર કરી શકશે. ભારત માર્ટ દુબઈના જેબેલ અલી ફ્રિલ ઝોન એટલે કે ઝાફ્જામાં બનવાનું છે. અહીં તેનું નિર્માણ DP વર્લ્ડ દ્વારા કરવામાં આવશે. આ માર્ટમાં વેયર હાઉસ, રીટેલ સ્ટોર્સ તેમજ હોસ્પિટાલિટી સહિત અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે ભારત માર્ટમાં કોર્પોરેટ ઓફિસો પણ હશે. તેના વેયર હાઉસમાં મોટી મશીનરીઓથી લઈને ટૂંકા અને લાંબા ગાળા માટે સ્ટોર કરી શકાય તેવા પ્રકારના સમાનને સ્ટોર કરવાની સુવિધાઓ પણ હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારત માર્ટ અંતર્ગત એક ડીજીટલ પ્લેટફોર્મ પણ ઉભું કરવામાં આવશે. આ પ્લેટફોર્મની મદદથી વિશ્વભરના ખરીદદારોને એક જ જગ્યાએ ઉચ્ચ ગુણવત્તાવાળી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સની ભરમાર જોવા મળશે.
વૈશ્વિક બજારના દરવાજા ખુલશે, ચીનને પછાડશે ભારતીય વ્યાપારીઓ
UAEમાં જે જગ્યાએ ભારત માર્ટનો પાયો નંખાયો છે તે જેબેલ અલી ફ્રિલ ઝોનની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે જેબેલ અલી પોર્ટની ખૂબ જ નજીક છે. આ કારણે ભારત માર્ટ ગ્લોબલ ટ્રેડ રૂટ અને ગ્લોબલ સપ્લાય ચેઈન સાથે સરળતાથી જોડાઈ શકશે જે વૈશ્વિક બજારમાં ભારતના ઉભરતા અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ હશે. ચોક્કસથી કહી શકાય કે ભારત માર્ટ ભારતીય વ્યાપારીઓ માટે અને તેમાં પણ ખાસ કરીને MSME માટે વૈશ્વિક બજારના નવા દ્વાર ખોલશે.
ઉલ્લેખનીય છે કે દુબઈમાં ચીન પહેલેથી જ તેનું એક માર્ટ ચલાવે છે જેનું નામ ‘ડ્રેગન માર્ટ’ છે. ડ્રેગન માર્ટે ચીનની કંપનીઓને વિશ્વમાં પોતાના પ્રોડક્ટ મુકવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેના થકી થયેલા એક્સપોર્ટ દ્વારા ચીનની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થયો છે. ચીનમાં બનેલા સામાનને વૈશ્વિક લેવલ સુધી પહોંચાડવા ડ્રેગન માર્ટ મહત્વનું પાસું છે. તેવામાં હવે આ જ જગ્યાએ ભારત માર્ટના પાયા નાંખતા ચીનના પેટમાં ફાળ પડી છે. સ્વભાવિક છે કે તૈયાર થયા બાદ ભારતીય વ્યાપારીઓ ભારત માર્ટ થકી ચીન સામે સીધી બાથ ભીડશે અને માર્કેટમાં પોતાનો દબદબો ઉભો કરશે. દેખીતી રીતે ભારત માર્ટ ચીન માટે ચિંતાનો વિષય ચોક્કસથી છે.