દેશમાં ફરી 2020-21 જેવો માહોલ સર્જાઇ રહ્યો છે, જ્યારે ખેડૂત આંદોલનકારીઓએ મહિનાઓ સુધી દિલ્હીની સરહદો પર બેસીને ‘આંદોલન’ કર્યું હતું. હાલ પણ ખેડૂતો MSP અને સ્વામિનાથન કમિટીની અન્ય ભલામણો લાગુ કરવાની માંગ સાથે સરકાર પર દબાણ લાવવાની ફિરાકમાં છે. આ બધા વચ્ચે ખેડૂત નેતા જગજીત સિંઘ ડલ્લેવાલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે વડાપ્રધાન મોદી વિશે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, PM મોદીની લોકપ્રિયતા વધી રહી છે અને તેને નીચે લાવવાની જરૂર છે. તેમના આ કથનથી આ કથિત ખેડૂત આંદોલન પાછળની સાચી મનશા પણ સામે આવવા માંડી છે.
એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જગજીત સિંઘ ડલ્લેવાલ કહે છે કે, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ રામ મંદિરના કારણે ઘણો ઊંચો થઈ ગયો છે, જો મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવી જાય તો સરકાર કંઈ પણ કરવા માટે રાજી થઈ જશે.
Why are you protesting? What are your demands?
— Anshul Saxena (@AskAnshul) February 15, 2024
Farmer leader Jagjit Singh: Problem is that Modi's popularity is high due to Ram Mandir and such a graph is a loss for us. We have very little time to push this graph of Modi down.
Farmers' protest or Lok Sabha election strategy? pic.twitter.com/nmVbqi2kSL
X પર વાયરલ થયેલી ક્લિપમાં ખેડૂત નેતા કહેતા સાંભળવા મળે છે કે, “મંદિરના કારણે મોદીનો ગ્રાફ બહુ ઉપર પહોંચી ગયો છે. આ ગ્રાફ નીચે કઈ રીતે આવી શકે? મેં ઘણી વખત કહ્યું છે. તકો ઘણી ઓછી છે. ગ્રાફ બહુ ઊંચો છે. આપણી પાસે બહુ ઓછા દિવસો છે. જો આપણે આ દિવસોમાં ગ્રાફ નીચે લાવી શકીએ…’
વાસ્તવમાં ખેડૂત નેતાએ ‘ધ અનમ્યુટ’ નામની એક ચેનલ સાથે વાતચીતમાં આ વાત કહી હતી, જેની ક્લિપ વાયરલ થઈ રહી છે. તેમણે આગળ એવું પણ કહ્યું હતું કે, “જ્યાં સુધી ગ્રાફ ઊંચો રહે ત્યાં સુધી તેઓ (મોદી) કશું જ કરશે નહીં. જો તેમની સરકારને લાગે કે વડાપ્રધાનો ગ્રાફ નીચે આવી રહ્યો છે તો જ તેઓ કશુંક કરવા માટે રાજી થશે.”
આ નિવેદનને ઘણી રીતે જોવામાં આવી રહ્યું છે. જે સ્પષ્ટ કરે છે કે આંદોલન પાછળ ઘણા બધા હેતુ છે અને તેનો સમય પણ (લોકસભા ચૂંટણીના બરાબર 2 મહિના પહેલાં) ઘણા સવાલો સર્જે છે. આ પ્રકારનાં આંદોલનથી વિરોધ પક્ષને ફાયદો થાય તે સ્વાભાવિક છે અને વિરોધી પક્ષો હાલ એક જ સવાલનો જવાબ શોધવામાં અટવાયેલા છે કે વડાપ્રધાન મોદીની વધતી લોકપ્રિયતાનું શું કરવું!
બીજી તરફ, સરકાર અને ખેડૂતો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત ગુરુવારે (15 ફેબ્રુઆરી, 2024) થશે. જેમાં ત્રણ મંત્રીઓ સામેલ થશે. હાલ ખેડૂતો પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર રોકાયેલા છે. તેઓ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કરી ચૂક્યા છે. બીજી તરફ સુરક્ષાને જોતાં દિલ્હી પોલીસે CrPCની કલમ 144 લાગુ કરી છે.
નોંધવું જોઈએ કે શંભુ બોર્ડર પર પહોંચેલા ખેડૂતોએ બેરિકેડ તોડવાના પ્રયાસ કર્યા હતા અને પોલીસ જવાનો પર પથ્થરમારો પણ કર્યો. આખરે પોલીસે આંસુ ગૅસના ગોળા પણ છોડવા પડ્યા હતા અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. પોલીસે સ્પષ્ટ કહી દીધું છે કે ખેડૂતોને ટ્રેક્ટરો સાથે ઘૂસવા દેવામાં આવશે નહીં.