કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવેલા છે. લોકસભા ચૂંટણી પહેલાં પાર્ટી અને નેતાઓના કાર્યોની સમીક્ષા પણ તેમણે કરી હતી. સાથે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તેમણે કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. તેમણે અમદાવાદ ખાતે ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’ (GLPL)નું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, 2036 ઓલિમ્પિક અમદાવાદમાં જ યોજાશે. સાથે તેમણે કહ્યું હતું કે, 2047માં ભારત મેડલની બાબતોમાં ટોપ પર હશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને BCCIના સચિવ જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા પંડયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોમવારે (12 ફેબ્રુઆરી) ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “2036 ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં જ યોજાશે અને 2047 માં ભારત પોતાની સ્વતંત્રતાની શતાબ્દી માનવી રહ્યું હશે ત્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલમાં ભારત ટોપ પર હશે એની ખાતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં અન્ય ક્ષેત્રોની જેમ રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ જોવા મળ્યો છે. હવે એના ભવ્ય પરિણામો આગામી 25 વર્ષોમાં જોવા મળશે.”
‘PM મોદીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે જે પાયો નાખ્યો, તેના પર ભવ્ય ઈમારત ચણાશે’
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “PM નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે જે પાયો નાખ્યો છે, તેના પર હવે ભવ્ય ઈમારત ચણાશે. જેમાં દેશની કેન્દ્ર સરકાર-રાજ્ય સરકાર સાથે દેશના યુવાનોનું પણ મહત્વપૂર્ણ યોગદાન હશે. દેશના રમતવીરો વિશ્વમાં નામના અપાવશે.” સાથે તેમણે વડાપ્રધાન મોદીની સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી. તેમણે એવો વિશ્વાસ અપાવ્યો હતો કે, આવનારા સમયમાં ભારત તમામ ક્ષેત્રોમાં એકસાથે આગળ વધશે.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે, “રમતમાં હાર અને જીત બંને હોય છે. હારશો તો જીતવાનું જુનૂન પેદા થશે, અગાઉની જીતનો અહંકાર ચૂરચૂર થશે. હારથી હતાશ નથી થવાનું અને જીતથી અહંકાર નથી લાવવાનો, આપણી સામે જીતનાર કે હારનાર આપણો ભાઈ જ હોય છે, આવી ભાવના ખેલદિલી પેદા કરે છે.”
નોંધનીય છે કે, અમદાવાદમાં શરૂ થયેલી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગમાં 1078 ટીમો ભાગ લેશે. સાથે 16,100 રમતવીરો આ લીગમાં પ્રદર્શન કરવાના છે, જે રાજ્યમાં વધી રહેલા સ્પોર્ટ્સ કલ્ચરને પણ સારી રીતે દર્શાવશે.