કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, લોકસભાની ચૂંટણી પહેલાં CAA (નાગરિકતા સંશોધન કાયદો) લાગુ કરી દેવામાં આવશે. ઇકોનોમિક ટાઇમ્સની એક સમિટમાં બોલતી વખતે તેમણે આ એલાન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીને જ્યારે CAA વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, CAA દેશનો કાયદો છે. નિશ્ચિતરૂપે તેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. જ્યારે પૂછવામાં આવ્યું કે ચૂંટણી પહેલાં નોટિફિકેશન આવશે કે પછી? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું કે, ચૂંટણી પહેલાં જ તે લાગુ કરી દેવામાં આવશે.
BIG BREAKING:
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) February 10, 2024
Home minister Amit Shah announces that CAA will be notified before the Loksabha elections 2024.
~ BJP set to fulfill another major poll promise before elections. pic.twitter.com/gOalTvkRmb
તેમણે કહ્યું, “ચૂંટણી પહેલાં જ CAA અમલમાં આવશે અને તેમાં કોઈને ગેરસમજ ન થવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, આ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ જ દેશના વિભાજન વખતે વાયદો કર્યો હતો. આગળ કહ્યું કે, તે સમયે પાકિસ્તાનથી પ્રતાડિત લઘુમતીઓ (હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, પારસી) અહીં આવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ વાયદો કર્યો હતો કે તેમનું ભારતમાં સ્વાગત છે અને નાગરિકતા આપવામાં આવશે.
ઘણા સમયથી આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને CAA ક્યારે લાગુ થશે તેવો સવાલ પણ ચર્ચાતો રહ્યો છે. આ કાયદો વર્ષ 2019માં મોદી સરકારે પસાર કર્યો હતો, જેમાં નાગરિકતા કાયદામાં સંશોધન કરવામાં આવ્યું છે. CAAમાં જોગવાઈ અનુસાર, પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પ્રતાડિત થઈને આવેલા ત્યાંના લઘુમતીઓને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. જોકે, આ માટે કટ ઑફ ડેટ 31 ડિસેમ્બર, 2014 રાખવામાં આવી છે.
સંસદનાં બંને ગૃહોમાંથી પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી. હવે ગૃહ મંત્રાલય નોટિફિકેશન જાહેર કરે એટલે તે લાગુ કરી દેવામાં આવશે. છેલ્લાં 5 વર્ષથી તેની ઉપર કામ ચાલી રહ્યું છે અને ગૃહમંત્રીના એલાન અનુસાર હવે બહુ જલ્દી લાગુ કરી દેવામાં આવશે.
એ પણ નોંધનીય છે કે CAA કાયદો પસાર થયો ત્યારે દેશમાં મોટાપાયે રમખાણો થયાં હતાં અને દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં દિવસો સુધી ‘પ્રદર્શનો’ ચાલ્યાં હતાં. આ જ CAA વિરોધી પ્રદર્શનોની આડમાં પછીથી દિલ્હીમાં હિંદુવિરોધી રમખાણો પણ થયાં, જેમાં અનેક નિર્દોષ હિંદુઓ માર્યા ગયા. વિપક્ષી પાર્ટીઓ અને તેમની ઈકોસિસ્ટમે દેશના મુસ્લિમોને ભડકાવ્યા અને ત્યારબાદ આ ઘટનાક્રમો સર્જાયા હતા, જ્યારે હકીકત એ છે કે આ કાયદાથી કોઈની નાગરિકતા પરત લેવાશે નહીં પરંતુ પ્રતાડિત લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.