જૂનાગઢમાં નશાબંધી કાર્યક્રમની આડમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલી વધી ગઈ છે. રવિવારે (4 ફેબ્રુઆરી) મોડી રાત્રે મુંબઈ કોર્ટ પાસેથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને ગુજરાત ATSએ તેની ધરપકડ કરી હતી. જે બાદ ATSની ટીમ તેને ગુજરાત લાવવા માટે રવાના થઈ હતી. જ્યારે સોમવારે (5 ફેબ્રુઆરી) મૌલાના મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદ સ્થિત ATS મુખ્યાલય પર લાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં 2 કલાક સુધી ATSની ટીમે તેની સઘન પૂછપરછ કર્યા બાદ હવે તેને જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે. ભારે સુરક્ષા વચ્ચે સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેને જૂનાગઢ કોર્ટ સામે રજૂ કરવામાં આવશે.
સોમવારે (5 ફેબ્રુઆરી) મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરીને તેને ATS મુખ્યાલય અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં તેની 2 કલાકની સઘન પૂછપરછ બાદ હવે તેને ભારે સુરક્ષા વચ્ચે જૂનાગઢ લઈ જવા માટે રવાના કરવામાં આવ્યો છે. સાંજે જૂનાગઢ કોર્ટ સમક્ષ તેને રજૂ કરવામાં આવશે. જૂનાગઢ પોલીસે ATS સાથેની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને અઝહરીને કબજે કર્યો હતો અને તેને લઈને જૂનાગઢ જવા માટે રવાના થઈ હતી. ગુજરાત ATSએ મુંબઈના ઘાટકોપરથી મુફ્તી અઝહરીની ધરપકડ કરી હતી.
ATSની ટીમે તમામ પાસાઓ પર તપાસ આદરી
ગુજરાત ATSએ મુફ્તી સલમાન અઝહરીની તમામ રીતે તપાસ કરી છે અને હાલ પણ તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ATSએ મૌલાના દ્વારા સંચાલિત ત્રણ ટ્રસ્ટના આર્થિક વ્યવહારો વિશેની તપાસ પણ કરી છે અને એ તપાસ કરવામાં આવી રહી છે કે, આ ટ્રસ્ટમાં ફંડ જમા કરાવનાર વ્યક્તિઓ કોણ છે અને શા માટે ફંડ જમાં કરાવ્યું છે. એ સિવાય મૌલાનાના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે. એ ઉપરાંત તેણે વિદેશોમાંથી કેટલું ફંડ મેળવ્યું છે અને તેનો ઉપયોગ કઈ જગ્યાએ કર્યો છે તેના પર પણ તપાસ કરવામાં આવી રહી છે.
Hate Speech: Maulana being shifted to Junagadh after 2 hours questioning by Gujarat ATS#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/IWgSbQgJGJ
— Tv9 Gujarati (@tv9gujarati) February 5, 2024
ATSના ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી કરીને અઝહરીને જૂનાગઢ પોલીસના હવાલે કર્યો છે. જૂનાગઢમાં તેના પર FIR નોંધાઈ હતી, જ્યારે હવે તેને જૂનાગઢ લઈ જઈને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ ગુજરાત ATS પણ આ અંગેની તમામ તપાસ ચાલુ જ રાખશે અને તેના ત્રણ ટ્રસ્ટને લઈને જો કોઈપણ શંકાસ્પદ વ્યવહારો જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શું છે મામલો?
આ મામલો જૂનાગઢમાં અઝહરીએ આપેલા એક ભડકાઉ ભાષણ મામલેનો છે. 31 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે તેણે અમુક ભડકાઉ વાતો કહી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેમાં તે ‘કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ’ અને ‘કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ વગેરે જેવી વાતો કહેતો સંભળાય છે. વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને આ મામલે FIR દાખલ કરી હતી. જ્યારે ગુજરાત ATSની ટીમ પણ તેની અટકાયત માટે મુંબઈ પહોંચી હતી. બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ રાત્રે જ ATSની ટીમ મૌલાનાને લઈને જૂનાગઢ માટે રવાના થઈ છે.