પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના આમંત્રણ પર ભારતમાં આવીને પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI માટે માહિતી એકઠી કરવાનો ખુલાસો કર્યા બાદ આ મામલે અન્સારીએ એક નિવેદન જારી કર્યું છે. હામિદ અન્સારીએ કહ્યું કે, તેમને આ વિવાદમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે અને તેમણે પોતે પાકિસ્તાની પત્રકારને આમંત્રણ આપ્યું હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, તત્કાલીન સરકારે જ તેમને આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ 11 ડિસેમ્બર 2011ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ અને માનવ અધિકારો મામલેની એક કાયદા નિષ્ણાતોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. નુસરત મિર્ઝાએ કહ્યું હતું કે આ કાર્યક્રમ માટે તેમને હામિદ અન્સારીએ આમંત્રણ આપ્યું હતું.
Correction | Ex-Vice President Hamid Ansari issues a statement regarding Pak journalist Nusrat Mirza
— ANI (@ANI) July 13, 2022
"…falsehood unleashed on me in media & by official spox of BJP…known fact that invitation to foreign dignitaries by VP of India is on advice of Govt generally through MEA…" pic.twitter.com/nbQvOq4or1
નિવેદનમાં હામિદ અન્સારીએ કહ્યું કે, ગઈકાલથી મીડિયાના કેટલાક વર્ગો અને ભારતીય જનતા પાર્ટીના અધિકારીક પ્રવક્તા દ્વારા મારી વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને આમંત્રણ આપ્યું હતું અને તેમની સાથે મુલાકાત કરી હતી. તેમજ ઈરાનના રાજદૂત તરીકે મેં રાષ્ટ્રીય હિતો સાથે બાંધછોડ કરી હતી, તેવો આરોપ એક સરકારી એજન્સીના પૂર્વ અધિકારી દ્વારા લગાવવામાં આવ્યો હતો.
હામિદ અન્સારીએ કહ્યું કે, “ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિદેશી ગણમાન્ય વ્યક્તિઓને અપાતું નિમંત્રણ સામાન્ય રીતે વિદેશ મંત્રાલયના માધ્યમથી સરકારની સલાહ પર આપવામાં આવે છે. મેં 11 ડિસેમ્બર 2010ના રોજ મેં કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં સામાન્ય પ્રથા અનુસાર, આમંત્રિતોની યાદી આયોજકો દવારા તૈયાર કરવામાં આવી હશે. મેં તેમને ક્યારેય આમંત્રિત કર્યા નથી કે મુલાકાત કરી નથી.
ઈરાનના રાજદૂત તરીકેના તેમના કાર્યકાળ અંગે હામિદ અન્સારીએ કહ્યું કે, “ઈરાનના રાજદૂત તરીકે મારું કામ હંમેશા તત્કાલીન સરકારની જાણમાં રહેતું હતું. આવી બાબતોમાં હું રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની જવાબદારીઓથી બંધાયેલો છું અને આ મામલે ટિપ્પણી કરવાનું ટાળી રહ્યો છું. સરકાર પાસે તમામ માહિતી ઉપલબ્ધ છે અને સત્ય કહેવા માટેની એકમાત્ર સત્તા છે. એ પણ જગજાહેર છે કે તહેરાનમાં મારા કાર્યકાલ બાદ મને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને જ્યાં મારા કામની દેશ-વિદેશમાં પ્રશંસા કરવામાં આવી હતી.”
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે તેઓ ભારતની કેટલીક મુલાકાતોએ આવ્યા હતા ત્યારે જાસૂસી કરી માહિતી એકઠી કરી હતી. મિર્ઝાએ દાવો કર્યો હતો કે 2010માં તેમને તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ કોન્ફરન્સમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. જોકે, હામિદ અન્સારીએ નિવેદન જારી કરીને જવાબદારી તત્કાલીન યુપીએ સરકાર પર ઢોળી દીધી છે અને કહ્યું છે કે કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવનાર મહેમાનો નામો કેન્દ્ર સરકાર નક્કી કરે છે.